મલ્લેશ્વરી

January, 2002

મલ્લેશ્વરી (જ. 1976, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ) : ભારતનાં વેઇટ-લિફ્ટિંગનાં મહિલા-ખેલાડી. સિડની ખાતેની ઑલિમ્પિક રમતોમાં તેઓ કાંસ્ય ચંદ્રક(2000)નાં વિજેતા બન્યાં છે. તેમના પિતા રેલવે-પોલીસમાં નોકરી કરે છે. તેમનાં 6 સંતાનો પૈકી મલ્લેશ્વરી ત્રીજાં છે. પોતાની મોટી બહેન વરસમ્માના પગલે તેમણે પણ 1989માં વેઇટ-લિફ્ટિંગ અપનાવ્યું.

કરનામ મલ્લેશ્વરી ત્યાગી

1992માં તેમણે લખનૌ ખાતે 54 કિગ્રા.ની નૅશનલ જુનિયર વેઇટ-લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો અને તેઓ ભારતનાં સર્વશ્રેષ્ઠ જુનિયર મહિલા વેઇટ-લિફ્ટરનું સ્થાન પામ્યાં. 1994માં તેઓ મુંબઈ ખાતેની રાષ્ટ્રીય રમત-સ્પર્ધાઓમાં સુવર્ણચંદ્રકનાં વિજેતા બન્યાં.

1991માં જર્મની ખાતે યોજાયેલ વિશ્વ વેઇટ-લિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને પાંચમું સ્થાન હાંસલ કર્યું. 1992માં થાઇલૅન્ડ ખાતે યોજાયેલ એશિયન વુમન વેઇટ-લિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે 54 કિગ્રા.ની શ્રેણીમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. 1993માં મેલબૉર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે યોજાયેલ વર્લ્ડ વિમેન વેઇટ-લિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ કાંસ્ય ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1994માં હીરોશિમા એશિયન ગેમ્સમાં તેઓ રજત ચંદ્રકનાં વિજેતા બન્યાં. તેમણે ટર્કી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમજ ચીન ખાતેની વર્લ્ડ વેઇટ-લિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં પણ સુવર્ણચંદ્રકો મેળવ્યા છે. 1998માં તેઓ બૅંગકૉક ખાતેના એશિયન રમતોત્સવમાં 63 કિગ્રા.ની શ્રેણીમાં 230 કિગ્રા. વજન ઊંચકીને રજત ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1995માં તેમને અર્જુન ઍવૉર્ડ અને 1996માં રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ અપાયા. આવી સિદ્ધિવાળી કારકિર્દીના શિરમોર રૂપે 1999માં તેમને પદ્મશ્રીનું સન્માન અપાયું.

સિડની ઓલિમ્પિક રમતોત્સવમાં તેમણે 69 કિગ્રા.ની શ્રેણીમાં 240 કિગ્રા. જેટલું વજન ઊંચકીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો અને એ રીતે તેઓ ઓલિમ્પિક ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં. આમ તેમણે તેમની સિદ્ધિઓ દ્વારા ભારતીય રમતજગતને ગૌરવ અપાવ્યું છે.

 મહેશ ચોકસી