મલિક સારંગ : સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફ્ફરશાહ બીજો અને બહાદુરશાહના સમયનો નામાંકિત વજીર. અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તાર તથા દરવાજાથી આજે એનું નામ ચિરંજીવ છે. આ મલિક અને એનો ભાઈ મૂળ રજપૂત હતા. લડાઈમાં કેદી તરીકે પકડાયેલા અને ઇસ્લામનો અંગીકાર કરવાની એમને ફરજ પડેલી. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઘણી લડાઈઓમાં એણે ભાગ લીધો હતો. પાવાગઢનો કિલ્લો એકાએક છાપો મારીને જીતી લેવામાં એણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. મલિક સારંગની સત્તા મહમૂદના પુત્ર મુઝફ્ફર બીજાના રાજ્યમાં ખૂબ વધી હતી. એ વખતે માળવામાં માંડુનો કિલ્લો લેવામાં એણે બહાદુરી બતાવી હતી અને ચિતોડ ઉપર પણ એને મોકલવામાં આવ્યો હતો. એને મલિક અયાઝ સાથે સારો સંબંધ નહોતો. એને થોડો વખત દીવનો સૂબો બનાવેલો, ત્યારે એણે ફિરંગીઓને પકડેલા એમ તવારીખકાર કહે છે. પણ ફિરંગી લેખકો એ વાત કબૂલ કરતા નથી. સુલતાન મુઝફ્ફરશાહ બીજાના સમયમાં અમદાવાદમાં એ સર્વસત્તાધીશ હતો અને વૃદ્ધ તથા અનુભવી હોવાથી સુલતાન એને કંઈ કહી શકતો નહોતો. એક તબક્કે મુઝફ્ફરશાહના આબદાર–પાણીખાતાના ઉપરીનું કામ પણ એણે કરેલું. સુપ્રસિદ્ધ નાગર અમીર મલિક ગોપી એનો ખાસ મિત્ર હતો. મલિક સારંગે સારંગપુરમાં પોતાનો રોજો અને મસ્જિદ બંધાવ્યાં છે. કેટલાક સારંગપુર ચકલામાં આવેલી રાણી બીબીના નામથી ઓળખાતી મસ્જિદ મલિક સારંગની હોવાનું કહે છે. તવારીખકાર કહે છે કે મલિકની મસ્જિદ સારંગપુર દરવાજા બહાર હતી એટલે આજે સીદી બશીરના નામથી ઓળખાતી મસ્જિદ સારંગની હોય એવો સંભવ છે અને સારંગપુર ચકલાની મસ્જિદની બાંધણી કરતાં આ મસ્જિદની બાંધણી જરા પાછળની અને સારંગના સમયની લાગે છે. તેને ‘કિવામુલ્મુલ્ક’ તથા ‘મુખલિસુલ્મુલ્ક’ના ઇલકાબો મળ્યા હતા.
ચંદ્રબાળા દુદકિયા