મલિક શાબાન (જ. ?; અ. 1461, રખિયાલ, અમદાવાદ) : સુલતાન કુત્બુદ્દીનના સમયનો (ઈ. સ. 1451–1459) વજીરની પદવી ઉપર ચડેલો અમીર. એ ડાહ્યો અને રાજદ્વારી કુનેહવાળો હતો. એમ કહેવાય છે કે એના શાંત સ્વભાવને લીધે લોકોને એના અમલથી સંતોષ હતો. કુત્બુદ્દીન પછી મહમૂદ બેગડાના સમયમાં એ વૃદ્ધ હતો. છતાંયે ઊંચી પાયરી પર ચડ્યો હતો અને પછીથી સુલતાન મહમૂદનો ખૂબ આગ્રહ છતાં તે પદવી છોડી નિવૃત્ત થયો હતો. વૃદ્ધાવસ્થાના દિવસો એણે એકાંત અને ખુદાની બંદગીમાં પસાર કર્યા હતા. એ લશ્કરનો સેનાપતિ પણ થયો હતો, પણ મેવાડ ઉપરની ચડાઈમાં શિરોહી આગળ એના લશ્કરે ભારે હાર ખાધી હતી. નિવૃત્ત થયા બાદ અમદાવાદની પૂર્વે રખિયાલ ગામ પાસે પોતે બંધાવેલા સુંદર બગીચામાં ઈ. સ. 1461માં એનું મરણ થયું. એનો ઉરસ તા. બીજી જમાદીઉલ્ અવલ માસમાં ભરાય છે.

મલિક શાબાને રખિયાલ ગામ પાસે એક સુંદર તળાવ, બગીચો અને મસ્જિદ બંધાવ્યાં. પોતાને માટે રોજો પણ બંધાવ્યો હતો. રોજાને માટે સુલતાન કુત્બુદ્દીને કેટલીક જમીન મલિકને આપેલી. તેનું ફરમાન અરબી શબ્દો મિશ્રિત ફારસી ભાષામાં લખેલું અને આરસમાં કોતરેલું આજે પણ રોજામાં જડેલું છે. એમાં કુત્બુદ્દીનના અને શાબાનના ઇલકાબો છે. એના ઇલકાબો આ પ્રમાણે છે : ‘મલિક ઉશ્શર્ક’, ‘ઇમાદુલ્મુલ્ક’, ‘અઝીઝઉલ્મુલ્ક, ‘તાજઉલ્મુલ્ક’. તે ‘મલિક તુફા સુલતાનીના પુત્ર’ હોવાનો નિર્દેશ પણ ફરમાનમાં છે.

મલિક શાબાને આ બગીચામાં રોજો અને મસ્જિદ બંધાવેલાં. તે ઉપરાંત ભદ્રના મેદાનેશાહમાં ઉત્તર તરફ સલાપોસ માર્ગમાં પેસતાં ડાબી બાજુ એક મસ્જિદ, ઉપરની મસ્જિદની તારીખે જ બંધાવી છે. આજે આ મસ્જિદ હજૂરી શાહની મસ્જિદ નામે ઓળખાય છે. આજે અમદાવાદમાં રખિયાલ બાજુ નૃસિંહનું મંદિર છે તે ‘મલિક શાબાનના નરસિંહજી’ના નામથી ઓળખાય છે. એણે બંધાવેલો બાગ મુઘલ કાલ સુધી આબાદ હતો. પરંતુ પાછળથી રખિયાલની જાગીરમાં બાગની જમીન લેવાઈ ગઈ હતી.

ચંદ્રબાળા દુદકિયા