મલિક મુહમ્મદ ઇખ્તિયાર

January, 2002

મલિક મુહમ્મદ ઇખ્તિયાર : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા- (ઈ. સ. 1458–1513)ના સમયમાં થયેલા એક ફકીર. તેઓ સુલતાન  સાથેની મિત્રતા અને પોતાની શક્તિ-હોશિયારીથી એ રાજ્યના મહત્વના અમીર બન્યા હતા. એક દિવસ અમદાવાદ નજીકના મીઠાપુર પાસેથી પસાર થતાં શેખ કબીરુદ્દીનના પરિચયમાં આવ્યા અને એમના શિષ્ય બનવા તત્પર થયા. મહમૂદ બેગડાએ એમને ફકીર ન બનવા આગ્રહ કર્યો. છતાં એ ફકીર બન્યા. પોતાની મિલકત એમણે સુલતાનને સોંપી દીધી. તે પોતાના તવંગર ભક્તો પાસેથી વસ્તુઓ લઈને ગરીબોને દાનમાં આપતા હતા. જીવનના અંતભાગમાં હજરત શાહઆલમ અને એમની વચ્ચે મૈત્રી થઈ હતી. મલિક મુહમ્મદ ઇખ્તિયાર અને મુલ્લા કબીરુદ્દીનની કબરો સરસપુર અને રાજપુરની વચ્ચે વહોરાઓના મકબરા પાસે હતી એમ માનવામાં આવે છે. એમના જીવન વિશેની થોડી વિગતો ‘મિરાતે સિકંદરી’ અને ‘મિરાતે અહમદી’માંથી પ્રાપ્ત થાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી