મલિક અહમદ – 1 : અહમદાબાદ (વર્તમાન અમદાવાદ) શહેરની ખાતવિધિ કરનાર ચાર પવિત્ર અહમદોમાંના એક. સુલતાન અહમદશાહ પહેલાએ નવું શહેર વસાવવા માટે સરખેજના શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષની સલાહ માગી ત્યારે એમણે જણાવ્યું કે જેણે એક પણ નમાજ પાડી ન હોય, એવા ચાર પવિત્ર અહમદો ભેગા થઈ ખાતમુહૂર્ત કરે તો નગર સમૃદ્ધ થાય. શેખ અહમદ ખટ્ટૂ અને સુલતાન અહમદશાહ, એ બંને આવા પાક (પવિત્ર) અહમદો હતા. તે ઉપરાંત બીજા બે પાટણના કાજી અહમદ જુડ અને અમદાવાદના મલિક અહમદ હતા. શહેરની ખાતવિધિમાં આ ચાર અહમદો ઉપરાંત 11 બાબાઓ(ફકીરો)નો પણ સાથ હતો. મલિક અહમદની કબર કાલુપુર, પઠાણવાડામાં આવેલી છે.
મલિક અહમદ – 2 : અહમદનગરમાં નિઝામશાહી સલ્તનતનો સ્થાપક (1490). તેના પિતા નિઝામુલ્મુલ્ક બહ્રી બીજાપુર રાજ્યમાં ગોદાવરી નદીના ઉત્તર કિનારા ઉપર આવેલા પાથરી ગામના હિંદુ હતા અને ધર્માંતર કરી મુસલમાન બન્યા હતા. તેમનો પુત્ર અહમદ ક્રમશ: આગળ વધી જુન્નારનો હાકેમ બન્યો. તેણે ઈ. સ. 1490માં પોતાની સ્વતંત્રતા જાહેર કરીને ‘અહમદ નિઝામશાહ’નો ઇલકાબ ધારણ કર્યો. તેણે અહમદનગર શહેર વસાવ્યું અને ત્યાં પોતાનું પાયતખ્ત રાખ્યું હતું. ઈ. સ. 1508માં તેનું અવસાન થયું.
જયકુમાર ર. શુક્લ