મલિક અયાઝ (જ. ?; અ. 1522) : મહમૂદ બેગડાના રાજ્યકાલનો સત્તાધીશ અમીર અને દીવ બંદરનો સૂબો (નાઝિમ). એ સમયે એના જેટલો સત્તા તથા સંપત્તિવાળો બીજો કોઈ અમીર નહોતો. જન્મથી એ રશિયન હતો અને તુર્ક લોકોને હાથે કેદ પકડાયો હતો; તેથી તેને ઇસ્તંબુલ લઈ ગયા અને દમાસ્કસ, બસરા તથા પૂર્વના દેશો સાથે વેપાર કરનાર સોદાગરને વેચી દેવામાં આવ્યો હતો. તેણે અયાઝની હોશિયારી જોઈ એક મૂલ્યવાન રત્ન તરીકે એને સુલતાન મહમૂદને આપી દીધો. સુલતાન મહમૂદે માળવા પર ચડાઈ કરેલી ત્યારે ખેતરમાં તંબુની બહાર સુલતાન ઊભો હતો તે વખતે એક બાજ પક્ષી શિકાર પકડીને ઊડતું હતું. એમાંથી કાંઈક સુલતાન ઉપર પડ્યું અને મહમૂદને એ અપશુકન જેવું લાગ્યું. અયાઝ પાસે જ ઊભો હતો. એણે તીરથી એ બાજને નીચે પાડ્યું. આ બનાવથી સુલતાન એના ઉપર એવો તો ખુશ થયો કે એને ગુલામીમાંથી મુક્ત કર્યો અને મલિક બનાવ્યો. એ પછી અયાઝની ચડતી ઝડપથી થઈ અને રાજ્યના મુખ્ય અમીરોમાં એની ગણતરી થવા માંડી.

તેની બહાદુરી જોઈ એને સૌરાષ્ટ્રના દીવ બંદરનો સૂબો બનાવવામાં આવ્યો. ત્યાં એણે કિલ્લો બાંધ્યો અને વહીવટ એવી કુશળતાથી ચલાવ્યો કે ત્યાંનો વેપાર ઘણો વધ્યો. અરબી સમુદ્રમાં એ સમયે ફિરંગીઓનો ત્રાસ વધતો જતો હતો; પરંતુ મલિકના સમયમાં પરવાના વગર ફિરંગીઓ ગુજરાતને બંદરે આવી શકતા નહોતા. ઈ. સ. 1508માં ફિરંગીઓને લીધે મિસર અને ગુજરાતના દરિયાઈ વેપાર પર વિપરીત અસર પડી તેથી બંને દેશોના સુલતાનોએ ફિરંગીઓ ઉપર આક્રમણ કર્યું, જેમાં ફિરંગીઓ હાર્યા. બીજે જ વર્ષે ફિરંગીઓએ દીવ નજીક મિસરના નૌકાસૈન્યને સજ્જડ હાર આપી; પરંતુ મલિકે ગુજરાતના સુલતાન વતી ફિરંગીઓ સાથે સુલેહ કરી.

ઈ. સ. 1520માં મલિકને મેવાડ જીતવા રવાના કર્યો. તેણે એ સમયે મેવાડ તાબાના મંદસોરને ઘેરો ઘાલ્યો. માળવાનો મહમૂદશાહ પણ મલિક અયાઝ સાથે હતો. તેને ડર લાગ્યો કે પોતાના હાથ નીચેના નાયક કિવા મુલમુલ્કને ફતેહનો યશ મળી જશે. એ ઈર્ષ્યાથી તેણે મહારાણા સાથે મસલત કરી; પરંતુ સુલતાન મુઝફ્ફરશાહને આ સમાચાર મળતાં તેને સોરઠ મોકલી દીધો.

મલિક સુલતાનના સમયમાં ગુજરાત રાજ્યનો નૌકાધિપતિ અને શક્તિશાળી સરદાર હતો. તેની નીતિ ફિરંગી-વિરોધી હતી. તેની રાષ્ટ્રપ્રેમી નીતિ હોવા છતાં તેણે અલ્બુકર્કનું સ્વાગત ઉમદા રીતે કર્યું એ તેની મુત્સદ્દીગીરી બતાવે છે.

અલ્બુકર્કની ઇચ્છા દીવમાં કિલ્લો બાંધવાની હતી. તેથી સુલતાન પાસે રજૂઆત કરવા પ્રતિનિધિમંડળ મોકલ્યું; પરંતુ સુલતાને દીવ સિવાય બીજા કોઈ સ્થળ માટે કંઈ પણ કબૂલ કરવાની પોતાને સત્તા નથી એમ જણાવ્યું. આથી પ્રતિનિધિમંડળ ગોવા પાછું ફર્યું અને સુલતાન આ બાબતે રાજી નથી તેનું કારણ દર્શાવતાં કહ્યું કે મલિક અયાઝે લાંચરુશવતથી સુલતાનની માનીતી બેગમ બીબી રાણીને પોતાના પક્ષમાં લીધી છે અને એનું જ ખાસ ચલણ છે.

ઈ. સ. 1520માં ગવર્નર ડીઓગો દીવ પર હુમલો કરવાના ઇરાદાથી દીવ આવ્યો ત્યારે મલિકે તેનું સ્વાગત કરી હોશિયારીથી દીવની સંરક્ષણ-વ્યવસ્થાનો પરિચય કરાવ્યો. એ જોઈને ડીઓગો ગોવા પાછો જતો રહ્યો. એની વાત પરથી મલિકને અંદાજ આવી ગયો કે ફિરંગીઓ દીવ પર આક્રમણ કરશે. તેથી તેણે દીવની સંરક્ષણવ્યવસ્થા સંગીન બનાવી અને ડીઓગો લડવાના ઇરાદાથી દીવ આવ્યો ત્યારે મલિકની સાવધતા જોઈ પાછો ફર્યો. ફરી વાર આક્રમણ કરવાનો તેણે નિષ્ફળ પ્રયાસ કર્યો; પરંતુ મલિકની સાવચેતીને લીધે ફાવી શક્યો નહિ. મલિકનું અવસાન થતાં ફિરંગીઓનો મોટો પ્રતિસ્પર્ધી દૂર થયો.

બારબોસાએ લખ્યું છે કે ખંભાતના રાજાનો મલિક અયાઝ નામે સૂબો દીવમાં હતો. તે બહુ ન્યાયી, વિદ્યાવાળો, મહેનતુ અને ઉત્તમ સવાર હતો; ર્દઢનિશ્ચયી રાજદ્વારી પુરુષ હતો. એણે વ્યવસ્થિત તોપખાનું ગોઠવ્યું હતું. મહેમાનગીરી કરવામાં પણ તે ઉત્તમ હતો.

ચંદ્રબાળા દુદકિયા