મલાયો-પૉલિનેશિયન ભાષાઓ : ઑસ્ટ્રોનેશિયન ભાષાઓ તરીકે પણ ઓળખાતું, મલેશિયા અને ઇન્ડોનેશિયન આર્કિપેલેગોના તેમજ ફિલિપાઇન્સ, વિયેટનામના કેટલાક પ્રદેશો, કંબોડિયા, તાઇવાન, માડાગાસ્કર અને મધ્ય તથા દક્ષિણ પેસિફિક (ઑસ્ટ્રેલિયા અને ન્યૂગિની સિવાય) ટાપુઓમાં બોલાતી-લખાતી ભાષાઓનું એક મોટું જૂથ. સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાને લીધે આ ભાષાઓના અભ્યાસ પરત્વે તજ્જ્ઞોનું ધ્યાન સવિશેષ ખેંચાયું છે. તાઇવાનથી ન્યૂઝીલૅન્ડ અને માડાગાસ્કરથી ઈસ્ટર આયલૅન્ડર્સ સુધીના ટાપુઓમાં આ ભાષાઓનો ઉપયોગ થાય છે. જોકે ઑસ્ટ્રેલિયાના મુખ્ય ભાગમાં તથા ટાસ્માનિયા અને ન્યૂગિની તથા બોગનવિલના પ્રદેશોમાં આ ભાષાઓ બોલાતી નથી. આ ભાષાઓ બોલનારા કદાચ સૌપ્રથમ ગંગાજમનાનાં મેદાનોમાં વસતા હશે. 1984માં આ ભાષાજૂથમાં લગભગ 28 કરોડ જેટલા માણસો હતા. ભાષાશાસ્ત્રીઓએ મલાયો-પૉલિનેશિયન અને અન્ય જૂથની ભાષાઓ જેવી કે સુમેરિયન અને અમેરિકન ઇન્ડિયન તથા ઇન્ડોયુરોપિયન, બર્મીઝ અને જાપાનીઝ ભાષાઓ વચ્ચેનો સંબંધ સ્થાપવા પ્રયત્ન કર્યો છે.
મલાયો-પૉલિનેશિયન ભાષાઓને બે જૂથમાં વહેંચવામાં આવે છે : (1) પશ્ચિમ ઑસ્ટ્રોનેશિયન અથવા ઇન્ડોનેશિયન. જેમાં 200 જેટલી ભાષા-બોલીઓનો સમાવેશ થાય છે. (2) પૂર્વ ઑસ્ટ્રોનેશિયન અથવા ઑસિયાનિક, જેમાં 300 જેટલી ભાષા-બોલીઓનો સમાવેશ થાય છે. કોલંબસની પૂર્વે ઑસ્ટ્રોનેશિયન ભાષાઓનો ઉપયોગ છેક માડાગાસ્કરથી ઈસ્ટર આયલૅન્ડર્સના રાપાનુઈ સુધીના પ્રદેશોમાં બોલનારાઓની મોટી વસ્તી ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા તથા અડધા ઉપરાંત જાવામાં છે. ચાર મોટા દેશોમાં મલાયો-પૉલિનેશિયન ભાષાઓ રાજ્યભાષાઓ તરીકેનું સ્થાન પામી છે. મલેશિયામાં તે મલય, ઇન્ડોનેશિયામાં ઇન્ડોનેશિયન, ફિલિપાઇન્સમાં ફિલિપીનો તથા માલાગાસી પ્રજાસત્તાકમાં મેરિના તરીકે ઓળખાય છે.
એકંદરે મલય અને પૉલિનેશિયન ભાષાઓના શબ્દોના ઉચ્ચારણમાં ઓછો ગૂંચવાડો છે, પરંતુ તેમનાં વ્યાકરણ એકમેકથી વિભિન્ન છે.
મૂળ ભાષાને પ્રોટો-ઑસ્ટ્રોનેશિયન કહે છે. મોટાભાગની ફિલિપીન ભાષાઓ એકમેકને ખૂબ મળતી આવે છે. તેવી જ રીતે પશ્ચિમ ઇન્ડોનેશિયાની મલય, એચિનીઝ, મિનાંગકાબો, ટોબાબટાક, સુદાનીઝ, જાપાનીઝ, બાલિનીઝ અને બૉર્નિયોની કેટલીક ભાષાઓમાં સામ્ય જણાય છે. 1706માં ડચ વિદ્વાન ભાષાશાસ્ત્રી હેડ્રિયાન રેલાંડે આ ભાષાઓનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો.
વિ. પ્ર. ત્રિવેદી