મલાણી, નલિની (જ. 1946, કરાંચી) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યા પછી મુંબઈની ‘ભુલાભાઈ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ’માં ચિત્રો કર્યાં અને બુદ્ધિજીવીઓનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. મલાણીનાં ચિત્રોમાં ભારતના અર્વાચીન નગરજીવનની વિષમતાઓનું માનસશાસ્ત્રીય આલેખન જોવા મળે છે. દા.ત., મુંબઈની ચાલીમાં એક નાની ઓરડીમાં રહેતા 8 સભ્યોના કુટુંબની તંગદિલી, વિષમ સામાજિક સંબંધો, ઇત્યાદિ.

1966 પછી મલાણી દિલ્હી અને મુંબઈમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો નિયમિતપણે યોજે છે. ફ્રેન્ચ સરકારની ફેલોશિપ મળતાં, 1970થી 1972 પૅરિસમાં તેમણે મુદ્રણક્ષમ કલા(print making)નો અભ્યાસ કર્યો. 1969માં તેમણે ટૉકિયોમાં યોજાયેલ પાંચમા ‘ઇન્ટરનૅશનલ યંગ આર્ટિસ્ટ્સ એક્ઝિબિશન’માં ભાગ લીધો હતો. 1977માં ફ્રાન્સમાં કૅન્સ-સુમે ખાતે યોજાયેલ ‘ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ ઑવ્ આર્ટ્સ’માં ભાગ લીધો હતો. જર્મની, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સમાં પણ તેમણે પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં છે.

અમિતાભ મડિયા