મલયાનિલ (જ. 1892, અમદાવાદ; અ. 24 જૂન 1919) : ગુજરાતી વાર્તાકાર. મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા. જન્મ સાઠોદરા નાગર જ્ઞાતિમાં. એમના પિતા અમદાવાદમાં મિલમાં સારા હોદ્દા પર હતા.

મલયાનિલ

એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. 1908માં મૅટ્રિક. 1912માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ. શાળામાં અભ્યાસ દરમિયાન અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસનો રસ. તેઓ ચિત્રકામ અને સંગીતની પ્રવૃત્તિમાં પણ ઘણો શોખ ધરાવતા હતા. બી.એ. થયા પછી અમદાવાદમાં દીવાસળીના કારખાનામાં નોકરી. તે દરમિયાન પણ અંગ્રેજી અને સંસ્કૃતના અભ્યાસનો રસ જાળવી રાખ્યો. 1913માં પ્રથમ અને 1916માં બીજી એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અમદાવાદમાં તેઓ જ્ઞાતિની ‘સુધારક સભા’માં સક્રિય રહ્યા હતા. સાહિત્ય સભા, ગોખલે સોસાયટી તથા હોમરૂલ લીગ જેવી સંસ્થાઓમાં ભાગ લેવાનો એમનો મનસૂબો હતો; પણ વધારે વ્યાપક પ્રવૃત્તિ થઈ શકે તે માટે તેમણે અમદાવાદ છોડ્યું અને 1916 પછી મુંબઈમાં ભાઈશંકર કાંગા નામે સોલિસિટરની પેઢીમાં નોકરી લીધી અને વકીલાત પણ આરંભી.

તેઓ ગ્રૅજ્યુએટ થયા તે દરમિયાન જ તેમણે ‘ગોળમટોળ શર્મા’ના તખલ્લુસથી કવિતા અને હાસ્યરસપ્રધાન વાર્તાઓ તત્કાલીન સામયિકો ‘સુંદરીસુબોધ’, ‘વાર્તાવારિધિ’ અને ‘ભક્ત’ જેવામાં લખી તેમની સર્જનપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો.

અંગ્રેજી અભ્યાસના પ્રભાવે એમની વાર્તાઓએ કલાત્મક રૂપ ધારણ કરવા માંડ્યું હતું અને 1913થી તેમણે ‘મલયાનિલ’ના તખલ્લુસથી વાર્તાઓ લખવા માંડી હતી. 1918માં તેઓ ‘વીસમી સદી’ સામયિકના તંત્રી અલારખિયા હાજી મહમ્મદ શિવજી(1839–1921)ના પરિચયમાં આવ્યા અને એમના પ્રોત્સાહનથી ગુજરાતીમાં સીમાચિહ્નરૂપ બનેલી ‘ગોવાલણી’ વાર્તા સર્જી. તે 1918માં ‘વીસમી સદી’માં પ્રગટ થઈ હતી. આ વાર્તા હાસ્યરસ, પાત્રનિર્મિતિ, વસ્તુસંઘટના અને પ્રસંગોના નિરૂપણની ર્દષ્ટિએ નોંધપાત્ર છે અને તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત છે. આ સમય દરમિયાન ધનસુખલાલ મહેતા(1890–1974)ની પણ નવી રીતિની વાર્તાઓ રચાવા માંડી હતી. પણ સામાન્ય રીતે મલયાનિલની આ વાર્તાથી ગુજરાતી સાહિત્યમાં કલાત્મક ટૂંકી વાર્તાનો આરંભ મનાય છે. એમાં કલામય સ્વરૂપના નિર્માણની સૂઝ તેમજ ભાષાશૈલીની સભાનતા વર્તાય છે. એમની અન્ય વાર્તાઓ જોતાં પ્રસંગની માવજત દ્વારા ચોટદાર આકૃતિ ઊભી કરવાનો એમનો પ્રયત્ન આધુનિક નવલિકાની નિર્માણરીતિની ઝાંખી કરાવે છે. એમની આવી વાર્તાઓથી તેઓ ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભક ગણાયા છે. એમણે અન્ય ઘણી વાર્તાઓ લખી હોવા છતાં એમનો એક પણ સંગ્રહ એમની હયાતી દરમિયાન પ્રસિદ્ધ થયો ન હતો. એમની 22 વાર્તાઓનો સંગ્રહ ‘ગોવાલણી અને બીજી વાતો’ નામે 1935માં એમનાં પત્ની ડૉ. ભાનુમતી દ્વારા પ્રગટ થયો. એમણે લખેલાં કાવ્યોની સંખ્યા 250 જેટલી થવા જાય છે. એમણે હાસ્યરસપ્રધાન અને હળવાં કાવ્યો ઉપરાંત લેખો પણ રચ્યા છે. એમની વાર્તાકલા પૂર્ણપણે ખીલે તે પૂર્વે જ અપેન્ડિસાઇટિસની બીમારીથી એમનું અવસાન થયું.

મનોજ દરુ