મલયાલા મનોરમા : મલયાળમ ભાષાનું દૈનિક વર્તમાનપત્ર. કેરળમાં કોટ્ટાયમ્, કુણ્ણૂર, કોચી, કોઝિકોડ, કોલ્લમ, તિરુવનંતપુરમ્, ત્રિશૂર અને પાલક્કાડથી પ્રગટ થતું આ અખબાર ભારતમાં પ્રથમ ક્રમે છે, એટલે કે સૌથી વધુ ફેલાવો ધરાવે છે. ભારતીય ભાષામાં પ્રગટ થતાં અખબારોમાં પણ ફેલાવાની ર્દષ્ટિએ તેનો ક્રમ પ્રથમ છે. 1999માં તેનો દૈનિક ફેલાવો સાડા અગિયાર લાખથી વધુ (11,63,307) નકલોનો હતો. ‘મલયાલા મનોરમા’ સાપ્તાહિક પત્ર દેશભરનાં સાપ્તાહિકોમાં સૌથી વધુ ફેલાવો ધરાવે છે. 1890માં એ વખતના દેશી રાજ્ય ત્રાવણકોરના કોટ્ટાયમમાં એક સાપ્તાહિકના રૂપમાં કનડાતિલ વર્ગીસ મેપ્પીલ્લાઈએ તેનું પ્રકાશન શરૂ કર્યું ત્યારે ત્યાં નિરક્ષરતા અને ગરીબી ખૂબ વ્યાપક હતી. આથી ગરીબ, અશિક્ષિત અને કચડાયેલ વર્ગના ઉત્કર્ષ માટે આ અખબારે ઝુંબેશ જગાવી. 1928માં તે દૈનિક બન્યું; પણ લાંબું ચાલ્યું નહિ. દેશી રાજ્યના જુલ્મી શાસન દરમિયાન પ્રજાને જવાબદાર સરકારની તથા પ્રજાના અધિકારોની માંગણીનું  તેણે  સતત સમર્થન કરી રાજ્યનો ખોફ વહોરી લીધો. 1938માં રાજ્યે તેનું કાર્યાલય જપ્ત કરતાં પ્રકાશન બંધ કરવું પડ્યું. 1947માં દેશ સ્વતંત્ર થયો. દેશી રજવાડાંનું વિલીનીકરણ થયું. ત્યારબાદ એનું પ્રકાશન ફરી શરૂ થયું. એ પછી તે ઉત્તરોત્તર આગળ વધતું રહ્યું. તેણે અખબારના પ્રકાશન માટે આધુનિક ટૅકનૉલૉજી અપનાવી. તેના નેજા હેઠળ ‘ધ વીક’ અંગ્રેજી સાપ્તાહિક અને ‘મલયાલા મનોરમા’ અબ્દકોશ (year-book) અંગ્રેજી તથા હિંદીમાં પ્રગટ થાય છે.

‘મલયાલા મનોરમા’ની ગણના દેશનાં પ્રથમ પંક્તિનાં અખબારોમાં થાય છે. ભારતીય ભાષાના પત્રકારત્વમાં તેનું સ્થાન ઘણું આગળ પડતું છે. 1954માં કે. એમ. ચેરિય તંત્રીપદે હતા. પછી એમના ભાઈ કે. એમ. મેથ્યુ તંત્રી થયા.

મહેશ ઠાકર