મર્ટન, રૉબર્ટ (જ. 1910, ફિલાડેલ્ફિયા, અમેરિકા) : અમેરિકાના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી. મર્ટને બાળપણ ગંદી ઝૂંપડપટ્ટીમાં વિતાવ્યું હોવા છતાં નજીક આવેલા પુસ્તકાલયે તેમને આકર્ષેલા. માધ્યમિક શાળામાં તેમને તેજસ્વી વિદ્યાર્થી તરીકે શિષ્યવૃત્તિ મળવા માંડી, જે કૉલેજ અભ્યાસમાં પણ ચાલુ રહી. કૉલેજ – અભ્યાસમાં પ્રારંભમાં તેમને દર્શનશાસ્ત્રમાં રસ પડેલો; પરંતુ પ્રો. જ્યૉર્જ ઇ. સૅમ્પસને તેમને સમાજશાસ્ત્રમાં રસ લેતા કર્યા. એમ.એ. અને પીએચ.ડી.નો અભ્યાસ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કરેલો. ત્યાં તેમને ટાલકૉટ પારસન્સ અને પિતિરિમ સોરોકિન જેવા વિદ્વાન પ્રાધ્યાપકો પાસે અધ્યયનનો લાભ મળેલો. તેમના પીએચ.ડી.ના ‘વિજ્ઞાનનો વિકાસ’ મહાનિબંધે તેમને આગળ જતાં સમાજશાસ્ત્રના સિદ્ધાંતલક્ષી પ્રાધ્યાપકોની શ્રેણીમાં આગળ પડતું સ્થાન અપાવવામાં સહાય કરેલી. પ્રારંભમાં હાર્વર્ડ, પછી ટ્યૂલેન અને છેલ્લે કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પ્રોફેસર તરીકે સેવા આપેલી.
પ્રો. મર્ટને સમાજશાસ્ત્રના ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવી તેનો પ્રારંભ ‘અમેરિકન સોશિયોલૉજિકલ રિવ્યૂ’માં પ્રકાશિત ‘સોશ્યલ સ્ટ્રક્ચર ઍન્ડ ઍનોમી’ના બહુચર્ચિત લેખથી થયો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય સાથે બ્યૂરો ઑવ્ એપ્લાઇડ સોશિયલ રિસર્ચમાં સહનિયામક તરીકે વ્યવહારુ અને સિદ્ધાંતલક્ષી સંશોધનો દ્વારા સમાજશાસ્ત્રના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
પ્રો. મર્ટને લખેલા સંખ્યાબંધ ચિંતનાત્મક લેખો તથા મહત્વપૂર્ણ ગ્રંથોને લીધે તેમને અમેરિકાના જ નહિ, પરંતુ વિશ્વના આગળપડતા સમાજશાસ્ત્રીઓમાં સ્થાન મળ્યું છે. તેમને તેમની સિદ્ધિઓ માટે અમેરિકાની અગ્રગણ્ય યુનિવર્સિટીઓએ ડૉક્ટરેટની માનાર્હ પદવીઓ અને પારિતોષિકો આપેલાં છે.
પ્રો. મર્ટને લખેલા મહત્વના ગ્રંથોમાં ‘સોશિયલ થિયરી ઍન્ડ સોશિયલ સ્ટ્રક્ચર’ ગ્રંથ ખૂબ જ મહત્વનો છે. આ ગ્રંથનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમના મહત્વપૂર્ણ અભ્યાસોને પરિણામે તેમણે ‘પ્રત્યક્ષીકરણ’, ‘હકીકતોનો પ્રચાર’, ‘સંદર્ભજૂથ’, ‘પ્રભાવનાં સ્વરૂપો’, ‘વિચલિત વર્તન’ જેવા મહત્વના સિદ્ધાંતો સમાજશાસ્ત્રને આપ્યા છે. પ્રો. મર્ટને નોકરશાહી, કેળવણી, સંચાર, રહેઠાણ અને ઔપચારિક સંગઠન જેવા ખ્યાલોનું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ આગવી ઢબે કર્યું છે. તેમના ચિંતન ઉપર ઇમાઇલ ડર્ખાઇમ, મૅક્સ વેબર, કાર્લ માર્કસ, ટાલકૉટ પારસન્સ, પિતિરિમ સોરોકિન જેવા ચિંતકોની મોટી અસર છે. આમ છતાં તેઓ કોઈ એક વિચારક કે વિચારસરણીના સમર્થક નથી. તેમનો અભિગમ સમન્વયકારી છે. પ્રો. મર્ટન માને છે કે સમાજશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ વિશેષ પ્રકારની અને પરિવર્તન પામતી સામાજિક અને સાંસ્કૃતિક સંરચનાની માનવવર્તન ઉપરની અસર તપાસવાનો છે. સમાજશાસ્ત્રના અભ્યાસમાં આંકડાશાસ્ત્ર અને કમ્પ્યૂટરનો સ્વીકાર કરવાની સાથે તેમણે આ સાધનો કે પદ્ધતિઓ વૈજ્ઞાનિકનું સ્થાન મેળવી શકે નહિ, એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. સામાજિક સંશોધન માટે પ્રકેન્દ્રિત મુલાકાત નામની વિશિષ્ટ પદ્ધતિ તેમણે આપી છે.
ગજેન્દ્ર શુક્લ