મર્ડર ઇન ધ કેથીડ્રલ

January, 2002

મર્ડર ઇન ધ કેથીડ્રલ (1935) : અંગ્રેજી ભાષાના વીસમી સદીના મહાન કવિ, નાટ્યકાર અને વિવેચક ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનું બેઅંકી પદ્યનાટક. ધર્મગુરુઓના અધિકારો ઉપર મર્યાદા મૂકવાના રાજસત્તાના પ્રયત્નોના વિરોધી કૅન્ટરબરીના આર્કબિશપ સંત ટૉમસ બેકેટની હત્યાની એમાં કથા છે. ભગવાન બુદ્ધની જેમ જ, સંત ટૉમસ બેકેટને દુન્યવી સુખ, સત્તા અને અધિકારોની લાલચ અપાય છે; પરંતુ જેને પોતે ઈશ્વરી આદેશ માને છે એનું અનુસરણ કરવા એ આકર્ષણો સામે બૅકેટ ઝઝૂમે છે અને અંતે શહીદી વહોરી લે છે. આ પદ્યનાટકની ભાષા ધાર્મિક કર્મકાંડોમાં અને ખ્રિસ્તી સંપ્રદાયોમાં પ્રયોજાતા લયબદ્ધ શ્લોકો અને મુહાવરા જેવી છે. કૅન્ટરબરીની સ્ત્રીઓનું કોરસ અને બીજાં પાત્રો સાથેના એના સંવાદોમાં એનો નાટ્યાત્મક ઉપયોગ થયો. છે. જ્યારે નાટકના બીજા ભાગમાં ચાર મારાઓનું ચિત્રણ ડાગલાઓને મળતું આવે છે અને તેઓ રોજિંદી ભાષા પ્રયોજે છે. નાટ્યકાર તરીકે ટી. એસ. એલિયટે આ કથામાં કલ્પનાનો મસાલો ભર્યો છે. પણ નવા કોઈ કથાવળાંકો આપ્યા નથી. આ પદ્યનાટકની ડિઝાઇન નાટ્યાત્મક રીતે નવી છે. ધર્મ, કર્મકાંડો, ભૌતિક લાલસાઓ અને માનવ-ઉત્થાનનાં મૂળ સુધી પહોંચતી આ એવી શબ્દકવિતા છે, જે લયબદ્ધ પ્રવાહમાં રંગભૂમિ માટે ર્દશ્યકાવ્ય બની રહે છે. આ કવિનું નાટક છે, જેમાં કવિતા અને નાટક બંને સિદ્ધ થાય છે. બેકેટની શહીદી માનવવેદનાની અને એની એકલતાની પવિત્ર કથા બની રહે છે.

અમેરિકામાં જન્મેલા ટી. એસ. એલિયટ 1927થી મૃત્ય પર્યંત ઇંગ્લૅન્ડમાં રહ્યા હતા, ત્યાં ડબ્લ્યૂ. એચ. ઑડેન, ક્રિસ્ટોફર ફ્રાય, સ્ટીફન સ્પેન્ડર અને લુઇ મેકનીસ વગેરે પદ્યનાટકોના અનેક પ્રયોગો કરતા હતા. એ ગાળામાં 1935માં કૅન્ટરબરી ચર્ચના ઉત્સવ-ટાણે પ્રાયોગિક રજૂઆત માટે એલિયટે આ નાટ્યકૃતિ સર્જી. પછીથી વ્યવસાયી ધોરણે એની અનેક રજૂઆતો પણ થઈ હતી. એ પછી તેમણે ‘ફૅમિલી રીયૂનિયન’ (1939) અને ‘કૉક્ટેલ પાર્ટી’ (1949), ‘ધ કોન્ફિડૅન્શ્યલ કલાર્ક’ (1953) અને ‘ધી એલ્ડર સ્ટેટ્સમૅન’ (1958) જેવાં નાટકોમાં મધ્યમવર્ગીય દીવાનખંડનાં પાત્રો અને એમની રોજિંદા વપરાશની ભાષાને પદ્ય દ્વારા વ્યક્ત કરવાના પ્રયાસો ઓછી-વધતી સફળતા સાથે કર્યાં. અંગ્રેજી પદ્યનાટ્ય-સાહિત્યમાં અને એના મંચીય પ્રસ્તુતિના ઇતિહાસમાં આ નાટક મહત્વનું સ્થાન ધરાવે છે.

હસમુખ બારાડી