મર્ચન્ટ બૅંકિંગ : નાણાં અને શાખનો વાણિજ્યવિષયક હેતુથી લેવડદેવડ કરવાનો વ્યવસાય. વિનિમય(barter)પદ્ધતિ બાદ નાણાંને માધ્યમ તરીકે ઉપયોગમાં લઈને શરૂ થયેલા આર્થિક વ્યવહારોએ વિનિમયના માધ્યમની નવી સંકલ્પનાઓ આપી, એણે અનેક નવી શક્યતાઓ પેદા કરી. સમાન મૂલ્ય ધરાવતું અને પોતીકું કશું જ ઉપયોગમૂલ્ય નહિ ધરાવતું નાણું આર્થિક વ્યવહારોનું વિનિમય-માધ્યમ બને તે સાથે જ આર્થિક વ્યવહારો મોટા પાયા પર કરવા માટે મધ્યસ્થ સંસ્થાઓની શક્યતા પેદા થઈ, જેમાંથી અંતે બૅંકિંગનું અવતરણ થયું. આર્થિક વ્યવહારો, બચત અને ધિરાણ જેવાં કાર્યમાં ક્રમશ: ક્રાંતિ થઈ. એકાદ વ્યક્તિ કે વ્યક્તિઓનું જૂથ ઉદ્યોગો ચલાવવા માટે પોતાની બધી જ બચત રોકી લે તો પણ ઓછી પડે તેવી વિશાળ પાયા ઉપરની મૂડી ઊભી કરવાની તકો અસ્તિત્વમાં આવી. અન્ય વ્યક્તિઓની બચત મેળવવાના પ્રયાસો શરૂ થયા. બૅંકો પાસે બચતો તો જમા થતી જ હતી, તેથી સૌથી પહેલાં લંડનની બૅંકોને સમજાયું કે જરૂરિયાતવાળા ઉદ્યોગપતિઓ માટે પોતે મૂડી ઉઘરાવી આપી શકે તેમ છે. આ જ સમય દરમિયાન ધંધાની માલિકી અને સંચાલન જુદાં પાડી શકાયાં. બચતકારો ધિરાણ કરનારાઓની ભૂમિકામાંથી ગેરહાજર એવા પ્રકારની ભૂમિકા ભજવી શકે તેવી સગવડ કરી આપતા કંપની-કાયદાઓ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે (House of Commons) પસાર કર્યા. આ બધી અનુકૂળતાઓનો ત્રણેય પક્ષકારો – (1) ઉદ્યોગપતિઓ, (2) બૅંકો અને (3) રોકાણકારોએ પૂરો લાભ ઉઠાવ્યો. પરિણામે લંડનમાં જામીનગીરીઓ મારફત મૂડી ઉઘરાવી આપવા માટેની બૅંકો શરૂ થઈ, જે મર્ચન્ટ બૅંક તરીકે ઓળખાઈ. વીસમી સદીના પૂર્વાર્ધમાં આવી બકો મુખ્યત્વે લંડનમાં જ કામ કરતી હતી. પરંતુ ક્રમશ: એ વિચાર દુનિયાભરમાં પ્રસર્યો. બૅંકિંગ કે જે માત્ર વાણિજ્યવિષયક (commercial) હતું તેમાં આ મૂડીસર્જનની પ્રવૃત્તિનો ઉમેરો થયો. ત્યારપછી તો બૅંકિંગ પ્રવૃત્તિ અનેકવિધ ક્ષેત્રોમાં પ્રસરી.

ભારતમાં પણ મર્ચન્ટ બૅંકિંગની શરૂઆત થઈ. બ્રિટિશ રાજ્યમાં ઇમ્પીરિયલ બૅંકથી ઓળખાતી અને હવે સ્ટેટ બૅંકથી ઓળખાતી બકે આ ક્ષેત્રમાં આગેવાની લીધી. સમય જતાં અન્ય બૅંકોએ પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. બૅંકોનું મોટાભાગનું કામ ધારાકીય જોગવાઈઓ હેઠળ અને રિઝર્વ બૅંકના નિયંત્રણથી ચાલે છે. મર્ચન્ટ બૅંકિંગ માટે વૈધાનિક ર્દષ્ટિએ નીચે દર્શાવ્યા પ્રમાણેની ઓળખ ભારતમાં આપવામાં આવી છે.

મર્ચન્ટ બૅંકિંગ મૂળભૂત રીતે જામીનગીરીઓ બહાર પાડવાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. અંગ્રેજીમાં જેને ‘Issue House’થી ઓળખવામાં આવે છે. તે ગૃહ જે કામ કરતું હતું તેને મર્ચન્ટ બૅંકિંગ કહે છે. કંપનીઓની વિશિષ્ટ જરૂરિયાતો સંતોષવાનાં કાર્યો મર્ચન્ટ બૅંકિંગ હેઠળ થતાં હોય છે. આ વિશિષ્ટ કાર્યોમાં મૂડીભરણાં, મૂડીમાળખાં, મૂડીભરણાં પદ્ધતિ, અંડરરાઇટિંગની શરતો અને મૂડીબજારમાં પ્રવેશવા માટેના યોગ્ય સમયની સલાહ મર્ચન્ટ બૅંકિંગ આપે છે. જો મંડળીઓ ઇચ્છે તો તેને લગતાં કામ પણ કરી આપે છે. મુખ્યત્વે આ બક નીચે પ્રમાણેનાં કાર્યો કરે છે :

(1) પ્રકલ્પ (project) અંગેનું માર્ગદર્શન, (2) ધિરાણ અને શાખ વચ્ચેનું સંયોજન, (3) મૂડીભરણાંનું સંચાલન, (4) પૉર્ટફોલિયો મૅનેજમેન્ટ, (5) મંડળી-સંચાલનનું માર્ગદર્શન, (6) લીઝિંગ, (7) સલાહકાર તરીકેની સેવાઓ, (8) નવી કંપનીઓ શરૂ કરવામાં મદદ, (9) બાંયધરી આપવાનું કાર્ય, (10) માંદા એકમોનું પુન:સ્થાપન, (11) ઔદ્યોગિક એકમો અંગેનાં સંયોજનો અને વિકાસ અને (12) બિનનિવાસી ભારતીય નાગરિકનાં જામીનગીરીઓમાં રોકાણોમાં મદદ.

આ પ્રવૃત્તિઓમાં ઘણી શક્યતાઓ માલૂમ પડી છે. તેથી ઘણી બૅંકોએ મર્ચન્ટ બકિંગનું કામકાજ શરૂ કર્યું છે; પરંતુ 1972માં પહેલી ભારતીય બૅંક સ્ટેટ બૅંકે તેની શરૂઆત કરવાનો યશ મેળવ્યો છે.

અશ્વિની કાપડિયા