મર્ચન્ટ, અજિત (જ. 15 ઑગસ્ટ 1922, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રક્ષેત્રના અગ્રણી સ્વરનિયોજક. પિતા રતનશી જેઠા ધારાશાસ્ત્રી તથા વ્યાપારી હતા. આ ઉપરાંત ભારતીય શાસ્ત્રીય તથા પાશ્ચાત્ય સંગીતના તેઓ મર્મજ્ઞ પણ હતા. માતાનું નામ ગુણવંતીબહેન. જુનિયર બી.એ. સુધીનું શિક્ષણ મુંબઈમાં. તેમની સંગીતની કેળવણી તથા અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેના શોખમાં પિતાની દોરવણી ખૂબ નિર્ણાયક નીવડી. ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત છ ગુરુઓ પાસે તથા પાશ્ચાત્ય સંગીતની તાલીમ ત્રણ ગુરુઓની નિશ્રામાં પ્રાપ્ત થઈ. હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના તેમના ગુરુઓમાં શાંતારામ પરબ, મગનલાલ ભોજક ઉર્ફે મગન ઉસ્તાદ, જસુભાઈ જાની, ખાં સાહેબ મહેંદીઅલીખાન, ભિંડીબજાર ઘરાણાના પાંડુરંગ આંબેરકર તથા તે જ ઘરાણાના શિવકુમાર શુક્લનો તો પાશ્ચાત્ય સંગીતના ગુરુઓમાં એમી માર્કોસ, વસંત નાયડુ તથા પ્રો. માઇકેલ માર્ટિન્સનો સમાવેશ થાય છે. આકાશવાણી, મુંબઈના ગુજરાતી વિભાગના તત્કાલીન વડા તથા જાણીતા નાટ્યવિદ ચંદ્રવદન ચિ. મહેતાના સૂચનથી 1945માં સંગીતરૂપક ‘એક ડાયરો’નાં ગીતોનું સ્વરનિયોજન તેમણે કર્યું અને એ રીતે સંગીતનિર્દેશક તરીકેની કારકિર્દીનો શુભારંભ થયો. 1946માં જાણીતા ગુજરાતી સ્વરનિયોજક નીનુ મજુમદારની દોરવણીથી હિંદી ચલચિત્ર ‘ગુડિયા’નું એક ગીત ગાયું અને એ રીતે ચલચિત્રજગતમાં પાર્શ્વગાયક તરીકે પ્રવેશ કર્યો. 1947માં હિંદી ચલચિત્રજગતના જાણીતા નિર્દેશક અશોક ઘોષના મદદનીશ નિર્દેશક તરીકે કામ કરવાની તક મળી અને તે દ્વારા વાદ્યવૃંદના નિયોજન અને સંચાલનની તકનીકનો પરિચય થયો. 1948માં જાણીતા સ્વરકાર દિલીપ ધોળકિયા સાથે મેળાપ થયો. તે જ વર્ષે સાગર મુવીટોન નામની ચલચિત્રનિર્માણ કંપનીના ગુજરાતી ચલચિત્ર ‘કરિયાવર’ના સંગીતનિર્દેશક તરીકેનું કામ તેમને મળ્યું. ત્યારબાદ હિંદી ચલચિત્રોમાં પણ સંગીતનિયોજનનું કામ તેમને મળવા લાગ્યું.

1949માં ગુજરાતી ચલચિત્ર ‘દીવાદાંડી’નું નિર્માણ કર્યું; જે આર્થિક રીતે દુ:સાહસ સાબિત થયું. તેમ છતાં તેનું એક ગીત ‘તારી આંખનો અફીણી ……’ એટલું બધું લોકપ્રિય થયું કે આ ગીતે ‘દીવાદાંડી’ને મરણોત્તર ખ્યાતિ અપાવી, જે આજે પણ લોકમાનસમાં ટક્યું છે.

1957–67ના દાયકામાં આકાશવાણી, મુંબઈ ખાતે ગુજરાતી હળવા સંગીત વિભાગમાં નિર્માતા તરીકે તેમણે સેવાઓ આપી.

આ ક્ષેત્રમાં આજે પણ 82 વર્ષની ઉંમર થયેલી હોવા છતાં અજિત મર્ચન્ટ સક્રિય છે. 1945–2004 દરમિયાનની પ્રદીર્ઘ કારકિર્દીમાં 200થી વધારે ગુજરાતી, મરાઠી તથા હિંદી નાટકોમાં પાર્શ્વસંગીતકાર તરીકે તેમણે કામ કર્યું છે. તે ઉપરાંત ચલચિત્રો, દસ્તાવેજી ચલચિત્રો, જાહેરખબરો ધરાવતી ટૂંકી ફિલ્મો વગેરેમાં પણ તેઓ સક્રિય રહ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે