મર્કસ, એડી (જ. 17 જૂન 1945, વૉલુવે, સેંટ પિયરે, બેલ્જિયમ) : બેલ્જિયમના મહાન સાઇકલ-સ્પર્ધક. મોટાભાગે તેઓ સર્વકાલીન (all-time) સૌથી મહાન સાઇકલ-સ્પર્ધક તરીકે સ્વીકૃતિ પામ્યા છે. 28 વર્ષની ઉંમરે તેઓ 300 જેટલી વ્યવસાયી સ્પર્ધાઓમાં વિજેતા નીવડ્યા હતા અને એ રીતે અન્ય કોઈ પણ સાઇકલ-સ્પર્ધક કરતાં વધારે વિક્રમ નોંધાવ્યા હતા. ‘ટૂર દ ફ્રાન્સ’માં વિક્રમજનક 5 વાર (1969–72, 1974), ‘ટૂર ઑવ્ ઇટાલી’માં 5 વાર, મિલાન-સાન રેમો-સ્પર્ધામાં 7 વાર – એમ મહત્વની તમામ ‘ક્લાસિક’ સ્પર્ધાઓમાં તેઓ વિજેતા નીવડ્યા હતા. વર્લ્ડ ઍલેટર રોડ રેસ ચૅમ્પિયનશિપમાં 1964માં વિજયી થવા ઉપરાંત 3 વાર તેઓ વ્યવસાયી વિજયચંદ્રક(title)ના વિજેતા બન્યા હતા. આમ અન્ય કોઈ પણ સાઇકલ-સ્પર્ધક કરતાં તેઓ સૌથી વધારે (445) સ્પર્ધાઓમાં તથા બીજા કરતાં વધારે ક્લાસિક સ્પર્ધાઓમાં વિજેતા નીવડ્યા હતા.
1978માં તેઓ નિવૃત્ત થયા અને સાઇકલ-ઉત્પાદન માટેની પોતાની કંપની તેમણે સ્થાપી હતી.
મહેશ ચોકસી