મરે, પૉલી (જ. 20 નવેમ્બર 1910, બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકાનાં અશ્વેત વકીલ, લેખિકા, નાગરિક હકના આંદોલનકર્તા અને મહિલા સમાન હકનાં પ્રારંભિક પુરસ્કર્તા. 1977માં તેઓ એપિસ્કોપલ પાદરી તરીકે દીક્ષાસંસ્કાર પામનારાં સર્વપ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હતાં. વૉશિંગ્ટન ડી. સી. ખાતેની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓ કાયદાનાં વિદ્યાર્થી હતાં, ત્યારે 1940ના દશકામાં નાગરિક હકો માટેના દેશના સર્વપ્રથમ અને સફળ દેખાવોમાં ભાગ લીધો. કૅલિફૉર્નિયા, ન્યૂયૉર્ક તથા સુપ્રીમ કૉર્ટના બારનાં સભ્ય તરીકે જાતિગત ભેદભાવ(sex discrimination)ને લગતા કેસોમાં તેઓ જોરદાર દલીલો કરતાં રહ્યાં અને અગ્રણી બની રહ્યાં. પ્રમુખ કેનેડી નિયુક્ત ‘કમિશન ઑન ધ સ્ટેટસ ઑવ્ વિમેન’માં પણ તેમણે સેવા આપી (1962–65); ત્યારબાદ બીજાં મહિલા કાર્યકરોના સહયોગથી ‘નૅશનલ ઑર્ગેનિઝેશન ફૉર વિમેન’(1966)ની સ્થાપના કરી. 1968થી ’73 સુધી તેમણે બ્રેન્ડાઇસ યુનિવર્સિટી ખાતે કાયદો અને બંધારણીય ઇતિહાસનાં અધ્યાપક તરીકે કામ કર્યું. પરંતુ ધર્મ પ્રત્યેની ઊંડી કર્તવ્યબદ્ધતા પૂરી કરવા શૈક્ષણિક કારકિર્દી છોડી દીધી. તેમનાં પુસ્તકોમાં ‘પ્રાઉડ શૂઝ’ (1956, પુનર્મુદ્રણ 1973) નામક સ્મરણકથા તથા ‘ડાર્ક ટેસ્ટામેન્ટ’ (1970) નામક કાવ્યસંગ્રહ મુખ્ય છે.
મહેશ ચોકસી