મરે, જૉન મિડલ્ટન (જ. 1889; અ. 1957) : અંગ્રેજ પત્રકાર અને વિવેચક. ઉચ્ચ શિક્ષણ ઑક્સફર્ડની બ્રેસેનૉઝ કૉલેજમાં પ્રાપ્ત કર્યું. કૉલેજકાળ દરમિયાન સાહિત્ય અને પત્રકારત્વ તરફની તેમની અભિરુચિ ધ્યાન ખેંચે તેવી હતી. અભ્યાસકાળ દરમિયાન જ તેઓ ‘રિધમ’ના તંત્રીપદે નિમાયા. પાછળથી 1919થી 1921 સુધી ‘ઍથેનિયમ’નું તંત્રીપદ સંભાળ્યું. 1923માં તેવા જ સાહિત્યિક સામયિક ‘ઍડેલ્ફી’ના સ્થાપક તંત્રી બન્યા અને 1948 સુધી તે જવાબદારી સફળતાપૂર્વક નિભાવી. સાહિત્યિક સામયિકના તંત્રી તરીકેની તેમની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘પીસ ન્યૂઝ’ નામના સામયિકના પ્રકાશનમાં તેમણે આપેલી સેવા પણ કદરપાત્ર ઠરી હતી.
સાહિત્યના ઊંડા અભ્યાસી મરે તે જમાનાનાં વરિષ્ઠ વાર્તાકાર કૅથરિન મૅન્સફીલ્ડના પતિ હતા અને સાહિત્યકાર ડી. એચ. લૉરેન્સના નિકટના મિત્ર હતા. આ બંને સાહિત્યકારોએ તેમની પ્રતિભાને કંડારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 40 જેટલા ગ્રંથોનું પ્રદાન કરનાર અને પત્રકારત્વનો વિશાળ અનુભવ ધરાવનાર આ વિચારક સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રશ્નો અંગે આગવી સૂઝ ધરાવતા હતા. આ તમામ ક્ષેત્રોના પ્રશ્નો જનતાની સંવેદના તથા પોતાના ચિંતનના સંદર્ભે મૂલવીને તેની રજૂઆત તેઓ વિશ્લેષણાત્મક રીતે કરતા હતા. પોતાના જમાનામાં જે વિવેચન-પ્રવાહો પ્રચલિત હતા તેમાં તેમણે અભિનવ વિવેચન-શૈલીનું પ્રદાન કર્યું. સાહિત્યની કૃતિને સર્જકના જીવનના સંદર્ભમાં મૂલવવાના પ્રયાસો દ્વારા તેમણે વિશિષ્ટ પ્રકારનું રોમૅન્ટિક વિવેચન-સાહિત્ય સર્જ્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મરે જાણીતા સાહિત્યકાર ડી. એચ. લૉરેન્સના કૉર્નવૉલ ખાતે પડોશી હતા. બંનેનાં કુટુંબો વચ્ચેના પ્રગાઢ સંબંધોનું પ્રતિબિંબ લૉરેન્સની ખ્યાતનામ નવલકથા ‘વિમેન ઇન લવ’માં પડ્યું છે. આલ્ડસ હક્સલીની કૃતિ ‘પૉઇન્ટ કાઉન્ટરપૉઇન્ટ’માં આવતા બર્લેપના પાત્રનિર્માણમાં મરેનું વ્યક્તિત્વ ડોકાયા વિના રહેતું નથી.
મરેની એવી ર્દઢ માન્યતા હતી કે કોઈ પણ સાહિત્યકારની કૃતિને પૂર્ણપણે સમજવા અને તેનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે તેના સર્જકના અંગત જીવનનો અભ્યાસ અનિવાર્ય છે. તેમના વિવેચન-સાહિત્યમાં આ અભિગમ તેમણે અપનાવ્યો છે. અનેક વિવેચન-ગ્રંથોનું પ્રદાન કરનાર આ વિવેચકના મુખ્ય ગ્રંથોમાં ‘કૅથરિન મૅન્સફીલ્ડ ઍન્ડ અધર લિટરરી પૉર્ટ્રેટ્સ’ (1949) તથા ડી. એચ. લૉરેન્સની કૃતિઓ વિશેનું વિવેચન આજે પણ અભ્યાસીઓને આકર્ષે તેવું છે. તેમની આત્મકથા ‘બિટ્વીન ટૂ વલ્ડર્ઝ’ (1935) એવી પારદર્શક છે કે વાચકને તેમના વ્યક્તિત્વનો પૂરો ખ્યાલ તેમાંથી મળી શકે.
પંકજ જ. સોની