મરે, જ્યૉર્જ  ગિલ્બર્ટ

January, 2002

મરે, જ્યૉર્જ  ગિલ્બર્ટ (જ. 1866, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 1957) : ઑસ્ટ્રેલિયાના જાણીતા વિદ્વાન અને લેખક. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; 1889માં તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં જોડાયા અને 1908માં તેઓ ગ્રીક ભાષાના પ્રાધ્યાપક નિમાયા.

પ્રશિષ્ટ સાહિત્યના ઇતિહાસકાર તથા ગ્રીક નાટ્યકારોની કૃતિઓના અનુવાદક તરીકેની પ્રશસ્ય અને પરિશ્રમભરી કામગીરીના પરિણામે ‘વર્તમાન સમયના સૌથી અગ્રગણ્ય ગ્રીક વિદ્વાન’ તરીકે તેઓ નામના પામ્યા. ‘ધ ટ્રોજન વુમન’, ‘મિડિયા’ તથા ‘ઇલેક્ટ્રા’ જેવાં ગ્રીક નાટકોનાં તેમણે કરેલાં કાવ્ય-રૂપાંતરો 1902થી લંડન્સ કૉર્ટ થિયેટર ખાતે ભજવાતાં હતાં. પ્રશિષ્ટ યુગ વિશેનાં તેમનાં અનેક અને અધિકૃત પુસ્તકોમાં ‘હિસ્ટરી ઑવ્ ઍન્શિયન્ટ ગ્રીક લિટરેચર’ (1897) તથા ‘ફાઇવ સ્ટેજિઝ ઑવ્ ગ્રીક રિલિજિયન’ (1913) વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

તેઓ આજીવન ઉદ્દામવાદી હતા અને પાર્લમેન્ટના સભ્ય થવા માટે તેમણે 6 વખત ઉમેદવારી કરી પણ તેઓ સતત નિષ્ફળ નીવડેલ. 1928–38 દરમિયાન તેમણે લીગ ઑવ્ નેશન્સ યુનિયનના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળેલો. યુએન એસોસિયેશન જનરલ કાઉન્સિલના તેઓ પ્રથમ પ્રમુખ હતા.

મહેશ ચોકસી