મરેઠી : દ્વિદળી વર્ગમાં આવેલ ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Spilanthes oleracea Murr. syn. S. acmella var. oleracea Hook f. (સં. મરહષ્ટિકા, મહારાષ્ટ્રી; હિં. મરૈઠી; મ. મરાઠી, ગુ. મરેઠી; અં. પેરાક્રેસ, બ્રાઝિલિયન ક્રેસ) છે. તે લગભગ 30 સેમી.થી 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે, અને ઉદ્યાનોમાં કૂંડામાં ઉછેરવામાં આવે છે. તથા પલાયન (escape) જાતિ તરીકે પણ ઊગે છે. તે બ્રાઝિલની મૂલનિવાસી છે. તેને ખોટો અક્કલગરો અને બાગાયતી અક્કલગરો પણ કહે છે. તેનું પ્રકાંડ ઊંચું અથવા નીચેના ભાગેથી ઉચ્ચાગ્રભૂશાયી (decumbant) અને વધતે ઓછે અંશે રોમિલ હોય છે. તેનાં પર્ણો સંમુખ, ત્રિકોણાકાર કે ત્રિકોણ-અંડાકાર (triangular-ovate) અને કુંઠાગ્ર (obtuse) હોય છે તેમજ નીચેની તરફ જતાં ક્ષીણિત (attenuate) બને છે. પુષ્પવિન્યાસ મુંડક (head) પ્રકારનો અને તેના પર આવેલાં પુષ્પકો લાલાશ પડતાં બદામી હોય છે. તેનું ચર્મફળ (achene) રુક્ષ (scabrid) અને કિનારીએથી રોમમય (ciliate) હોય છે.
તે S. acmella કરતાં વધારે મજબૂત અને માંસલ હોય છે અને તેનાં મુંડકો વધારે મોટાં અને રંગીન હોય છે.
તેનાં પુષ્પ અને પર્ણોનો સ્વાદ અક્કલગરા જેવો તીખો અને ઝમઝમાટી લાવી દેનારો હોય છે. અક્કલગરાની જગાએ તેનાં પુષ્પોનો ઉપયોગ થાય છે. તે તીખી, તીક્ષ્ણ, ગરમ અને વાત તથા કફની પીડાનો નાશ કરનાર છે. ઘણાખરા તેનો અર્દિત વાતમાં ઉપયોગ કરે છે. ગળામાં ગૂમડું થયું હોય, ગળું દુખતું હોય, મોં આવેલું હોય અથવા જીભની નીચેનો ભાગ સૂજ્યો હોય ત્યારે તે ઉપર મરેઠીનાં જીંડવાં અને મીઠું એકત્ર કરી ચોળવામાં આવે છે.
તાજી કે શુષ્ક વનસ્પતિનો રસ દાંતના દુખાવામાં, આગરુ (scurvy), સંધિવા (gout) અને મૂત્રાશયના દુખાવામાં આપવામાં આવે છે. મુંડકો પણ તે રીતે ઉપયોગી છે. તે લગભગ 1.25 % જેટલું સ્પાઇલેન્થોલ ધરાવે છે. તેનો જલીય નિષ્કર્ષ અમેરિકન વંદાઓ માટે થોડા પ્રમાણમાં ઝેરી છે. સમગ્ર છોડ કાચો કે બાફીને ખાવામાં આવે છે.
તાજી વનસ્પતિના ઈથર-નિષ્કર્ષનું બાષ્પનિસ્યંદન કરતાં 0.115 % થી 0.207 % જેટલું બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે. તેમાં સ્પાઇલેન્થોલ અને સ્પાઇલેન્થીન (C15H30) નામનું હાઇડ્રોકાર્બન હોય છે. આ છોડ સેરોટિક ઍસિડ, બે સ્ફટિકી (crystalline) ફાઇટોસ્ટેરૉલ, ટેનિક ઍસિડ, રાળ, પોટૅશિયમ મેલેટ તથા પુષ્કળ પ્રમાણમાં પોટૅશિયમ નાઇટ્રેટ અને કોલીન ધરાવે છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ