મરુસ્થલી : પ્રાચીન સમયમાં આ નામથી ઓળખાતો મારવાડનો પ્રદેશ. જુદા જુદા સ્થળે તેને માટે ‘મરુ’, ‘મરુમંડલ’, ‘મરુદેશ’ જેવા શબ્દોનો ઉપયોગ પણ થયો છે. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢના શૈલલેખમાં તેના રાજ્યવિસ્તારમાં મરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મરુમંડલ(મારવાડ)ના પલ્લી ગામનો વણિક કાકૂ વલભીમાં આવ્યાનો ઉલ્લેખ ‘પ્રબંધચિંતામણિ’માં મળે છે.
મરુદેશના રાજા મહેન્દ્રે યોજેલા પોતાની બહેન દુર્લભદેવીના સ્વયંવરમાં ગુજરાતના સોલંકી વંશના દુર્લભરાજ (ઈ. સ. 1010–1022) વરમાળ પામ્યા એવું હેમચંદ્રાચાર્યે ‘દ્વયાશ્રય’ કાવ્યમાં જણાવ્યું છે. મરુમંડલના પરમાર વંશના રાજા સોમેશ્વરે જયસિંહદેવની મદદથી સિંધુરાજપુર પાછું મેળવ્યાનું કિરાડુના શિલાલેખમાં જણાવ્યું છે. શાકંભરીના ચાહમાન (ચૌહાણ) રાજા દુર્લભરાજ પાસેથી અગિયારમી સદીનાં શરૂઆતનાં વરસોમાં પરમાર વંશના રાજા દેવરાજે મરુમંડલ કબજે કર્યું હતું. ‘પુરાતન પ્રબંધસંગ્રહ’માં જણાવ્યા પ્રમાણે, મરુસ્થલીના જાબાલિપુર નજીકના વાઘરા ગામનો શ્રીમાળી વણિક ઉદયન (ઉદો) રાજા કર્ણની ખ્યાતિ વિશે સાંભળી અર્થોપાર્જન વાસ્તે કર્ણાવતીમાં આવ્યો હતો અને સંપત્તિમાન થયો હતો.
જયકુમાર ર. શુક્લ