મરડાશિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટરક્યુલિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helicteres isora Linn. (સં. આવર્તની, રંગલતા, ઋદ્ધિ, વામાવર્ત ફલા.; હિં. મરોડફલી; બં. આતમોડા, ભેંદુ; મ. મુરડશિંગી, કેવણ; તે. ગુવાદર; મલ. કૈવન; ગુ. મરડાશિંગ; ત. વલામપીરી, કૈવા; કોં. ભગવતવલી; અં. ઈસ્ટ ઇંડિયન સ્ક્રૂ ટ્રી) છે. તે ઉપ-પર્ણપાતી (sub-deciduous), ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તેના પ્રકાંડનો વ્યાસ 2.5 સેમી.થી 12.5 સેમી. અને ઊંચાઈ 1.5 મી.થી 4.5 મી.ની હોય છે. છાલ ભૂખરા રંગની હોય છે. તેના તરુણ ભાગો તારાકાર રોમ વડે આચ્છાદિત થયેલા હોય છે. તેનાં પર્ણો સાદાં, પ્રતિ-અંડાકાર (obovate) અથવા હૃદયાકાર (cordate) હોય છે અને દંતુર (serated) પર્ણકિનારી ધરાવે છે. તે ઉપરની સપાટીએથી ખરબચડાં (scabrous) અને નીચેની સપાટીએથી રોમિલ (pubescent) હોય છે. પુષ્પો એકાકી અથવા છૂટા છૂટા સમૂહમાં ઉદભવે છે અને 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબાં હોય છે. તેનાં દલપત્રો બહિર્વલિત (reflexed) અને લાલ રંગનાં હોય છે અને જૂનાં થતાં આછા વાદળી રંગનાં બને છે. ફળ અમળાયેલ શિંગ જેવાં, 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબાં, લીલાશ પડતાં બદામી, ચાંચવાળાં અને નળાકાર હોય છે. તેનાં સ્ત્રીકેસરો કુંતલાકારે પરસ્પર અમળાયેલાં હોય છે અને પરિપક્વતાએ તે ખૂલી જતાં બીજ બહાર પડે છે.
તે યમુનાની પૂર્વે નેપાળ, બિહાર અને બંગાળથી શરૂ થઈ દક્ષિણ તરફ મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારત અને આંદામાનના ટાપુઓ સુધી થાય છે. તે જંગલોમાં ઝાડી-ઝાંખરાં (under-growth) તરીકે ઊગે છે. ત્રાવણકોરનાં જંગલોમાં તે લગભગ 30,000 એકર જેટલી જમીન રોકે છે.
તેની બે જાતો ઓળખી શકાઈ છે : (1) var. tomentosa – તેના પર્ણની નીચેની સપાટી અરોમિલ હોય છે અને તેનું વિતરણ ઉત્તર અને મધ્ય ભારતમાં થયેલું છે; અને (2) var. glabrescens – તેનાં પર્ણની બંને સપાટીઓ લગભગ અરોમિલ હોય છે અને તેનું વિતરણ દક્ષિણ ભારતમાં થયેલું છે. આ જાતનું પ્રાયોગિક ધોરણે ત્રાવણકોરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુમાં તેનું બીજ દ્વારા સરળતાથી પ્રસર્જન થઈ શકે છે. તે પાંસુક(humus)યુક્ત મૃદામાં અને લગભગ 120 સેમી. વાર્ષિક વરસાદવાળા પ્રદેશમાં સારી રીતે થાય છે. રેતાળ અને કંકરિત (laterite) મૃદામાં તેની વૃદ્ધિ અવરોધાય છે અને શાખિત બને છે અને પાતળી છાલ ધરાવે છે. તે બીજા વર્ષથી પુષ્પ અને ફળ આપે છે. તેની પુષ્પનિર્માણની ક્રિયા માર્ચથી સપ્ટેમ્બર સુધીમાં થાય છે અને ફળ ડિસેમ્બરથી જાન્યુઆરીમાં પાકે છે. 1.0થી 1.5 વર્ષ ઉંમરે તે શ્રેષ્ઠ રેસો આપે છે. 2 વર્ષ પછી તેનો રેસો જાડો અને બરડ બને છે.
તેની અંતર્છાલ(inner bark)માં રહેલો રેસો આડા છેદમાં બહુકોણીય હોય છે અને વર્તુલાકાર કે અંડાકાર પોલાણ ધરાવે છે. અન્નવાહક પેશીમાં તે જાલ-સ્વરૂપે શ્રેણીબદ્ધ સમૂહોમાં હોય છે અને મૃદુ પેશી સાથે એકાંતરે ગોઠવાયેલા હોય છે. રેસાઓની દીવાલ જાડી હોય છે અને તેમાં લિગ્નીભવન (lignification) થયું હોય છે. તેનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : ભસ્મ 0.954 %; સેલ્યુલોસ 74.86 %; લિગ્નીન 23.08 %; લિપિડ અને મીણ 1.098 %; નાઇટ્રોજન 0.291 %. તેના ભૌતિક ગુણધર્મોનું વિશ્લેષણ આ પ્રમાણે છે : આંતર સામર્થ્ય (intrinsic strength) 0.987 ± 0.054 ગ્રા./ડેનિયર; ભંગ (break) દરમિયાન દીર્ઘીકરણ (elongation) 5.6 %; અંતિમ (ultimate) કોષોની લંબાઈ 1.0 મિમી.; અંતિમ કોષોનો વ્યાસ 10.1 માઇક્રૉન; લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર 99.
મરડાશિંગનો રેસો આછા બદામી રંગથી માંડી ભૂખરો લીલાશ પડતો, મૃદુ, રેશમી અને ચળકતો હોય છે. તે શણના રેસા સાથે સામ્ય દર્શાવે છે અને 1.2 મી.થી 2.1 મી.ની લંબાઈ ધરાવે છે. તે સામર્થ્યમાં શણ કરતાં ઊતરતી કક્ષાનો છતાં વધારે ટકાઉ હોય છે. તેનો ઉપયોગ કોથળા, કંતાન, સૂતળી અને ઢોરોના સાજ (harness) માટે થાય છે. તેના રેસામાંથી બનાવેલી કોથળીઓ પાંચ વર્ષ સુધી ટકે છે, જ્યારે શણના રેસામાંથી બનાવેલી કોથળીઓ ભાગ્યે જ બેથી વધારે વર્ષ ટકે છે. શણના રેસા સાથે તેનું 40 % જેટલું મિશ્રણ કરવામાં આવે છે.
મરડાશિંગના પર્ણદંડો અને શાખાઓ લખવાના કે છાપવાના કાગળના ઉત્પાદન માટે યોગ્ય ગણાય છે. પર્ણો અને તરુણ શાખાઓનો ચારા તરીકે ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર તે મધુર, સ્નિગ્ધ, શીતળ તથા મેધાકર છે અને કફ અને શુક્રને વધારનારી છે. તે પ્રાણકારક, ઐશ્વર્યકર, બલપ્રદ, રક્તશુદ્ધિકર અને ગુરુ છે તથા કોઢ, કૃમિદોષ, મૂર્છા, રક્તપિત્ત, તૃષા, ક્ષય, વાત, રક્તદોષ અને તાવનો નાશ કરનાર છે. બાળકોને મરડો અને ઝાડા થયા હોય ત્યારે મરડાશિંગ ઘસીને આપવામાં આવે છે. તે પેટની વાઢ, પ્રવાહિકા, રક્તાતિસાર, રક્તપ્રવાહિકા અને ઉદરશૂળ મટાડે છે. કાનમાં બગાઈ પેસી ગઈ હોય તો મરડાશિંગીનું મૂળ એરંડ તેલમાં ઘસી 5થી 10 વાર કાનમાં પાડવાથી બગાઈ મરી જઈ ફૂલી ઉપર આવે છે. ગૂમડું અને જખમ ઉપર મરડાશિંગના મૂળને ઘસીને ચોપડવાથી મટે છે. મરડાશિંગના મૂળની છાલ સ્નેહન અને થોડી ગ્રાહી છે. મૂળની છાલનો કાઢો મધુપ્રમેહમાં આપવામાં આવે છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ