મરચાં

દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Capsicum annuum Linn. syn. C. frutescens C. B. Clarke (F1 Br Ind) in part non Linn; C. purpureum Roxb. C. minimum Roxb. C.B. Clarke (FI Br Ind) in part (સં. મરીચ; મ. મિરચી; હિં. મિરચ; ગુ. મરચું; અં. ચિલી) છે. તે ઉપક્ષુપ (suffrutescent) કે શાકીય અલ્પ-જીવી (short-lived), બહુવર્ષાયુ (વાવેતર એકવર્ષાયુ તરીકે) અને વધારેમાં વધારે 1.0 મીટર જેટલી ઊંચી વનસ્પતિ છે. સમગ્ર ભારતમાં 2,100 મી.ની ઊંચાઈ સુધી તેને ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો લંબચોરસ (oblong), અરોમિલ (glabrous), સાદાં, એકાંતરિક અને અનુપપર્ણીય (estipulate) હોય છે. પુષ્પો એકાકી (solitary), (ભાગ્યે જ યુગ્મમાં), સફેદથી માંડી વાદળી-સફેદ કે ક્વચિત જ જાંબલી રંગનાં હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું, લીલું, પરિપક્વતાએ પીળું, નારંગીથી માંડી લાલ અને અંતે બદામી કે જાંબલી રંગનું બને છે. તેઓ નિલંબી (pendent), ભાગ્યે જ સીધાં અને વિવિધ કદ (લગભગ 20 સેમી. સુધી લાંબાં અને 10 સેમી. સુધીના વ્યાસવાળાં), આકાર અને તીખાશ ધરાવતાં હોય છે. બીજ સફેદ અથવા આછા પીળાથી માંડી પીળા રંગનાં, પાતળાં અને લગભગ ગોળ હોય છે.

કૅપ્સિકમની પ્રાગૈતિહાસિક (prehistoric) જાતિઓ પેરુમાંથી મળી આવી છે, જે દર્શાવે છે કે મરચાંની જાત ઉષ્ણકટિબંધીય દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. C. annuum વન્ય સ્થિતિમાં મળી આવતી નથી. કોલંબસ દ્વારા તેનો પ્રવેશ સ્પેનમાં થયો હતો. આ જાતિનું મૂલ-વિતરણ (original distribution) મેક્સિકોની દક્ષિણેથી કોલંબિયા સુધી થયેલું છે. ભારતમાં તેનો પ્રવેશ પૉર્ટુગીઝ દ્વારા થયો છે. ભારત, આફ્રિકા અને ઉષ્ણકટિબંધીય અમેરિકામાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. જોકે હવે તે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. મરચાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ અને તેની વિસ્તૃત પ્રમાણમાં થતી ખેતીનું કારણ તે ટૂંકા સમયગાળાનો પાક છે અને તેની ખેતી કાળાં મરી(Piper nigrum Linn.)ની તુલનામાં વિવિધ પ્રકારની આબોહવાકીય અને ભૌમિક (edaphic) પરિસ્થિતિમાં થાય છે. ભારતમાંથી પ્રતિવર્ષ આશરે 250 કરોડ રૂપિયાનાં મરચાંની નિકાસ થાય છે.

ઉપર ડાબી અને જમણી બાજુ : મીઠું મરચું અને
તીખું ચેરી મરચું; નીચે : તીખું લાંબું મરચું.

મરચાંની વિવિધ જાતો (varieties) આ પ્રમાણે છે : (1) Var. annuum syn. C. frutescens C. B. Clarke; C. purpureum Roxb. તે સીધી, બહુશાખિત 45 સેમી.થી 100 સેમી. ઊંચી શાકીય કે ઉપક્ષુપ જાત છે અને એક જ અગ્રસ્થ સફેદ પુષ્પ ધરાવે છે. (2) Var. grabriusculam (Dunal) Heiser & Pickers. syn. C. minimum Roxb.; C. B. Clarke. તે વન્ય કે સ્વત: (spontaneous) સ્વરૂપો ધરાવે છે અને (3) Var. grossum (Willd.) sendt. syn. C. grossum willd. આ જાતમાં Var. cerasiformis C. B. Clarkeનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં મોટાભાગની ઉપજાત Var. annuumની અને બહુ ઓછી ઉપજાત Var. grossumની વાવવામાં આવે છે. grossumની ઉપજાતોનાં ફળ મોટાં, ખંડિત, મંદ સુગંધિત અને ઓછી તીખાશવાળાં હોય છે.

મરચીના બીજને ઊગવા માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ, જ્યારે ફળ પાકવાના સમયે ઠંડું અને સૂકું હવામાન વધુ અનુકૂળ રહે છે. મરચાંનો પાક પિયતની સગવડવાળા વિસ્તારમાં બારેમાસ લઈ શકાય છે. આ પાકને સારી નિતારવાળી મધ્યમ, કાળી ગોરાડુ અને કાળી જમીન વધુ માફક આવે છે.

ગુજરાતમાં મરચાંનું વાવેતર લગભગ 20,000 હેક્ટરમાં થાય છે. જામનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, સૂરત અને વડોદરા જિલ્લાઓમાં તે થાય છે. ગુજરાતમાં વવાતાં મરચાંને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય : (i) ઘોલર પ્રકારનાં કે ઓછાં તીખાં મરચાં. તે શાકભાજીમાં સંભાર અને સલાડ બનાવવા માટે વાપરવામાં આવે છે. (ii) મધ્યમ, તીખાં અને લાલ મરચાં. તેનો પાઉડર બનાવી શકાય છે. તેમાં રેશમપટ્ટી જાત ખૂબ જ લોકપ્રિય છે. (iii) ત્રીજો પ્રકાર લીલાં, ટૂંકાં, કઠણ મરચાંનો છે, જે ખૂબ જ તીખાં હોય છે. તેમને લવિંગિયાં મરચાં કહે છે. તે મરચાં ચટણી બનાવવામાં વપરાય છે. મરચાંના પાઉડરનો ઉપયોગ રોજિંદા વપરાશ ઉપરાંત અથાણાં બનાવવામાં થાય છે. મરચાંની વિવિધ જાતો વિસ્તાર મુજબ વવાય છે; જેમ કે, આસામમાં કે-1, કે-2; આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સીઓ-1, સીઓ-2, એમડીયુ-1, જીટીયુ, જી-5 તેમજ એન.પી. 46 (એ) પુસા જ્વાલા, એસ-49. ગુજરાતમાં સામાન્ય રીતે ગુજરાત મરચી–1 અને ગુજરાત મરચી–2ની ખેતી થાય છે. મરચીનો પાક સામાન્ય રીતે ધરુ બનાવીને ફેરરોપણી દ્વારા કરવામાં આવે છે. એક હેક્ટરના વાવેતર માટે 100 ચોમી. જમીનમાં ધરુ બનાવવું પડે છે. ધરુ જૂનના પ્રથમ અઠવાડિયામાં નાખવામાં આવે છે. સારી કસવાળી જમીનમાં પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર ભેળવવામાં આવે છે. એક હેક્ટર વાવેતર માટે 600 ગ્રામ બીજની જરૂર પડે છે.

મરચીના પાકમાં 20થી 25 ટન છાણિયું ખાતર ખેડ કરેલ ખેતરમાં નાંખવામાં આવે છે અને રાસાયણિક ખાતર તરીકે 200-80-00 એન.પી.કે કિલોગ્રામ/હે. જરૂર પડે છે. રાસાયણિક ખાતર પાયાના રૂપમાં 50-80-00 એન.પી.કે. કિલોગ્રામ આપવામાં આવે છે; જ્યારે બાકી રહેલ નાઇટ્રોજન 150 કિલોગ્રામ ચાર સરખા ભાગે 45, 75, 105 અને 135 દિવસે આપવાનો હોય છે. ધરુ 60થી 75 દિવસે તૈયાર થયા પછી ઑગસ્ટના મધ્યમાં તેમની 60 – 60 સેમી.ના અંતરે ફેરરોપણી કરવામાં આવે છે. મરચીની રોપણી બાદ લગભગ 40–45 દિવસે ફળ આવે છે અને ત્યારબાદ 10–15 દિવસે લીલાં મરચાં બજારમાં મોકલવા તૈયાર થઈ જાય છે. દર પંદર દિવસે મરચાંની વીણી કરવી હિતાવહ છે. લાલ મરચાંનું ઉત્પાદન લેવા માટે પ્રથમ બેથી ત્રણ વીણી લીલાં મરચાંની કરવામાં આવે છે. ત્યારબાદ છોડ પર મરચાંને રહેવા દઈને લાલ થવા દેવામાં આવે છે અને પછી તેમની વીણી કરવામાં આવે છે.

મરચીને કેટલીક ફૂગ, બૅક્ટેરિયા અને વાઇરસ દ્વારા ચેપ લાગુ પડે છે. પશ્ચક્ષય (die-back) Colletotricum capsici (Syd). Butler & Bisby દ્વારા થતો ગંભીર રોગ છે. તેના દ્વારા લીલાં કે પાકાં મરચાં ઉપર નિમજ્જિત (sunken) વર્તુલાકાર ટપકાં ઉત્પન્ન થાય છે, ચેપ પુષ્પો કે પર્ણદંડથી શરૂ થઈ ધીમે ધીમે નીચેની તરફ આગળ વધે છે. બીજને સિરેસન (0.2 %) અથવા થિરમ(0.2 %)ની ચિકિત્સા આપવામાં આવે છે. રોપણ પછી શરૂઆતના 60 દિવસોમાં ડાઇફૉલેટન(0.2 %)નો છંટકાવ કરવામાં આવે છે. બોર્ડો-મિશ્રણનો પુષ્પનિર્માણ પહેલાં અને ફળનિર્માણ પછી છંટકાવ કરવાથી રોગનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે.

શ્યામવ્રણ (anthracnose) રોગ Glomerella cingulata (Stonem.) Spould & Schrenk; Gloeosporium spp. અને Colleto trichum capsici (Syd.) Butler & Bisby દ્વારા થાય છે. આ રોગથી ફળ ઉપર ભૂખરા કે પીળા રંગનાં ટપકાંઓ અને કોહવાટનાં ધાબાં ઉત્પન્ન થાય છે. બીજને મર્ક્યુરીનાં કાર્બનિક સંયોજનો ઉપરાંત થિરમ કે કૅપ્ટાન કે એગ્રોસન જી એન. (2.5 ગ્રા./કિગ્રા. બીજ)ની ચિકિત્સા આપવાથી; ડાઇથેન એમ-45 કે કૉપર ઑક્સિક્લૉરાઇડ કે ઝિનેબની 10થી 15ના આંતરે ચિકિત્સા આપવાથી; બેન્લેટ અને બ્રેસ્ટાન, થાયબૅન્ડેઝોલ અને ડૅસ્મોસનની રોગની વિવિધ અવસ્થાઓમાં સારવાર આપવાથી રોગનું નિયંત્રણ થાય છે. રોગગ્રસ્ત છોડોનો નિકાલ અને તેમનો નાશ રોગને પ્રસરતો અટકાવવામાં મદદ કરે છે.

આર્દ્રપતન (damping off) અને સુકારા(blight)ના રોગો Pythium aphanidermatum (Eds.) Fitz p; P. debaryanum Hesse; Phytophthora capsici Leon અને Pcllicularia filamentosa (Pat.) Rogers. દ્વારા થાય છે અને તેનો 3થી 7 દિવસના તરુણ રોપને ચેપ લગાડે છે. તેથી છોડ ઢળી પડે છે અને મૃત્યુ પામે છે. સૂકાં પર્ણો કે વનસ્પતિ-દ્રવ્યને ક્યારીઓમાં વાવતા પહેલાં બાળવાથી અથવા વાવતા પહેલાં એક અઠવાડિયા અગાઉ ફૉર્માલ્ડિહાઇડ (3 %) દ્વારા ક્યારીનું રોગાણુનાશન (sterilization) કરવાથી અથવા વાવેતરનાં બે અઠવાડિયાં પછી 10 દિવસના આંતરે બોર્ડો-મિશ્રણનો છંટકાવ કરવાથી અથવા બીજને પેરોનોસિરેસન, એગ્રોસન જી એન (1 ગ્રા./400 ગ્રા.બીજ) કે ફ્લિટ-406(કૅપ્ટાન)ની ચિકિત્સા આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

ફળનો કોહવારો (rot) Phoma capsici magnahi દ્વારા થાય છે. તેના ચેપથી ફળ ઉપર સફેદ ટપકાંની ફરતે ઘેરા બદામી રંગનાં વલયો ઉદભવે છે; જે બદામી-કાળા રંગમાં પરિણમે છે. મોડા વાવવામાં આવતા પાકમાં આ રોગ થતો નથી. Colletoatrichum capsici, Alternaria spp., A. tenuis Nees ex pers. તરુણ અને પાકાં પર્ણો અને ફળ ઉપર સફેદ અથવા ભૂખરાં ટપકાં ઉત્પન્ન કરે છે, જે રતાશ પડતાં જાંબલી વર્તુળો વડે ઘેરાયેલાં હોય છે. સંગ્રહ દરમિયાન પણ કોહવારો થાય છે. રોગનું નિયંત્રણ બીજને કૉપર સેન્ડોઝ, થિરમ, બિસ્ડાઇથેન અને બ્રૅસિકોલની ચિકિત્સા દ્વારા કરી શકાય છે. સિંચાઈ અને છાયાનું નિયંત્રણ કરી રોગના પ્રસાર(spread)ને અટકાવી શકાય છે. ફોલ્ટાટ (0.2 %), ફાઇટોલોન (0.25 %), બેવિસ્ટીન (0.1 %) અને બોર્ડો-મિશ્રણ(1 %)ના છંટકાવ દ્વારા આ રોગનું નિયંત્રણ થાય છે. સૂકા ફળનો કોહવારો Botryodiplodia theobromae pat. ફળોની સપાટીએ ભૂખરાંથી માંડી કાળા રંગનાં ટપકાં ઉત્પન્ન કરે છે અને અનિયમિત આકારના ખાડાઓમાં પરિણમે છે. Choanephora (Cucurbitarum Berk. & Rav.) thaxter ફળનો પોચો સડો ઉત્પન્ન કરે છે. Botryodiplodia palmarum (cooke) Petrak & Syd. બીજમાં ઉદભવતી ફૂગ છે અને ફળ ઉપર કાળાં ટપકાંનો રોગ ઉત્પન્ન કરે છે. આ માટે સિરેસન ડ્રાય અને હેક્ઝાસનની ચિકિત્સા બીજને આપવામાં આવે છે.

થડનો કોહવારો અને સુકારો Sclerotinia sclerotiorum (Lib.) de Bary નામની ફૂગ દ્વારા થાય છે. તેનાથી પ્રકાંડ અને શાખાઓના કોઈ પણ ભાગ ઉપર ભેજવાળી આબોહવામાં આછા બદામી રંગના અને જલસિક્ત (water socked) વ્રણ સમૂહોમાં ઉદભવે છે. તેમનો કોહવારો થતાં અંતે નાશ થાય છે. Fusarium Solani પર્ણોનો સુકારો અને કોહવારો ઉત્પન્ન કરે છે. પર્ણો પીળાં પડી જઈ નાશ પામે છે. કૉપરના ફૂગનાશકોનો જમીન ઉપર કેટલાંક વર્ષો સુધી છંટકાવ કરવાથી કે રોગ-અવરોધક જાતોના વાવેતર દ્વારા રોગનું નિયંત્રણ થાય છે. યોગ્ય પ્રમાણમાં સિંચાઈ જરૂરી છે. રીંગણ, બટાટા જેવી સોલેનેસી કુળની વનસ્પતિઓનો પાક 2થી 3 વર્ષ માટે લેવો જોઈએ નહિ. ચોમાસાની ઋતુમાં F. oxysporum Schlecht. ex. Fr. તળિયે રહેલાં સંગૃહીત ફળોને લાગુ પડે છે. વાઇટેવેક્સ-‘સી’ અને બેવિસ્ટીનની ચિકિત્સા બીજને આપતાં રોગ અટકાવી શકાય છે. Pellicularia rolfsii (Sacc.) West સુકારો, ગ્રીવ (collar) અને મૂળના વિગલનનો રોગ ઉત્પન્ન કરી વનસ્પતિનો અંતે નાશ કરે છે. બીજ દ્વારા થતો આ રોગ ભેજવાળી આબોહવામાં ઝડપથી પ્રસરે છે. જમીનને લેટોસોલ (0.5 %) આપ્યા પછી સિરેસન (0.1 %) અને બોર્ડો-મિશ્રણ(1.0 %)નો છંટકાવ કરવામાં આવે છે.

પર્ણ અને ફળનાં ટપકાં Xanthomonas vesicatoria (Doidge) Dowson નામના બૅક્ટેરિયા દ્વારા થાય છે. આ રોગનું વહન કાષ્ઠકીટકો (Scirtothrips dorsalis Hood; થ્રિપ્સ અથવા વુડ વૉર્મ) અને સફેદ ચાંચડ, Hemitarsonemus latus (Banks) Ewing કરે છે. આ બૅક્ટેરિયા દ્વારા પર્ણો ઉપર નાનાં, ઘેરાં, ચીકણાં પીળાશ પડતાં લીલાં ટપકાં ઉદભવ્યા પછી હરિમાહીનતા(chlorosis)નાં લક્ષણો દેખાય છે અને અંતે પર્ણો ખરી પડે છે. સ્ટ્રેપ્ટોમાયસિન સલ્ફેટ, એગ્રિમાયસિન-100, કૉપર ઑક્સિક્લૉરાઇડ (0.3 %) અને સ્ટ્રેપ્ટોસાઇક્લિન જેવાં પ્રતિજીવાણુક (antibacterial) સંયોજનોનો છંટકાવ કરી રોગનું નિયંત્રણ કરવામાં આવે છે. જ્વાલા આ રોગની સહિષ્ણુ (tolerant) જાત છે. ‘સીએ 960’, ‘સીએપી 63’, ‘સીઓ 1’ અને ‘એક્સ 197’ જેવી કેટલીક જાતો અત્યંત રોગ-અવરોધક જાતો છે; જ્યારે ‘હંગેરિયન વૅક્સ’, ‘કૅલિફૉર્નિયા વંડર’ અને ‘ચાઇનીઝ જાયન્ટ’ અત્યંત સંવેદી જાતો છે.

Leveillula taurica (Lev.) Arn. દ્વારા પર્ણની નીચેની સપાટીએ સફેદ ભૂકી છારા(powdery mildew)નો રોગ લાગુ પડે છે. પર્ણની આનુષંગિક ઉપરની સપાટી રંગહીન બને છે. બોર્ડો-મિશ્રણ(1 %)નો છંટકાવ, સલ્ફર(16 કિગ્રા.થી 22 કિગ્રા./હેક્ટર)નું ડસ્ટિંગ અને બેવિસ્ટીન (કાર્બેન્ડેઝીમ), કેલિક્સિન (ટ્રાઇડેમૉર્ફ), ડેનોકૅપ, થિયોવીટ, મિલ્ટૉક્સ (0.3 %) સાથે મિશ્રિત કેરાથેન ઈસી.(0.1 %)નો ત્રણ વારનો છંટકાવ ભૂકીછારો અને ફળના કોહવારાના રોગનું નિયંત્રણ કરે છે.

મરચાંને રોગ લાગુ પાડતા વિષાણુઓમાં ટૉબેકો મોઝેક વાઇરસ (TMV), કકુમ્બર મોઝેક વાઇરસ (CMV), વાંકડિયાં પર્ણો(leaf curl.)નું વાઇરસ અને પોટેટો વાઇરસ વાય(PVY)નો સમાવેશ થાય છે. મોઝેક વાઇરસના રોગનું નિયંત્રણ મૉનોક્રોટોફોસ, ફોસેલોન, ડાઇમેથોએટ, કાર્બોફ્યુરેન, વેમિડોથિયૉન વગેરેની ચિકિત્સા આપવાથી થાય છે, જે મોલો(aphid)નો નાશ કરે છે. આ મોલો વાઇરસનું વાહક કીટક છે. ફેન્સલ્ફોથિયૉન ઍલ્ડિકાર્બ ફોરેટ રોગનું માત્ર નિયંત્રણ કરતાં નથી, પરંતુ ઉત્પાદનમાં વધારો કરે છે. ‘પુરી રેડ’, ‘પુરી ઑરેન્જ’, ‘કોડીવેરમ’, ‘જી’ અને ‘દિલ્લી લોકલ’ જેવી રોગ-અવરોધક જાતોનું વાવેતર શ્રેષ્ઠ ઉપાય ગણાય છે.

TMVનો એક પ્રભેદ ઉતકક્ષય (necrosis) માટે જવાબદાર છે. વાંકડિયાં પર્ણોનો રોગ ટૉબેકો-લીફ કર્લ વાઇરસ (TLCV) દ્વારા થતો રોગ છે અને મશી [સફેદ માખી (Bemisia tabaci)] આ વાઇરસની વાહક છે. કાર્બોફ્યુરેન (1.5 કિગ્રા./હેક્ટર) અને ડાઇસિસ્ટૉન (1.5 કિગ્રા./હેક્ટર) રોપણીના સમયે એક વાર આપવામાં આવે છે. ઑક્સિડેમેટોન મિથાઇલ(0.05 %)નો 10 દિવસના આંતરે 5થી 6 વખત પર્ણો ઉપર છંટકાવ કરવાથી મશીની વસ્તી અને વાંકડિયાં પર્ણોના રોગની તીવ્રતા ઘટી જાય છે. કાર્બોફ્યુરેન સૌથી અસરકારક છે.

મરચાંના પાકને ગંભીર નુકસાન પહોંચાડતી મુખ્ય જીવાતોમાં ચૂસણિયા કીટકો મોલો મશી (Aphis gossypii) અને કાષ્ઠકીટક (scirtothrips dorsalis) ઘણા મહત્વના છે. આ જીવાતો પર્ણોનું સંપૂર્ણ વ્યાકુંચન (crinkling) કરે છે અને તેમની વૃદ્ધિ કુંઠિત બને છે. રોગ અટકાવવા માટે મૅથામિડોફૉસ અને એસિફેટ સૌથી અસરકારક સંયોજનો ગણાય છે. કપાસની મોલો મશી (Aphis gossypii) અને લીલા સફરજનની મોલો (Myzus persicae) મરચાં ઉપર થતી સામાન્ય જીવાત છે. એસિફેટ (0.1 %), મિથાઇલ ડેમેટોન (0.5 %) અને મૉનોક્રોટોફોસ(0.1 %)નો 10 દિવસના આંતરે પર્ણો ઉપર છંટકાવ કરવાથી મોલો સામે મહત્તમ રક્ષણ મળે છે. મેલાથિયોન 50-ઈસી., અને નુવાન(0.05 %)ના પર્ણો પરના છંટકાવથી મોલોનું નિયંત્રણ થાય છે.

ઊધઈ મૂળતંત્ર ઉપર આક્રમણ કરે છે અને તેથી વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થાય છે. સ્વચ્છ વાવેતર, રોપણી – સમયે હિંગના દ્રાવણમાં અંકુરને ઝબકોળી રોપવાથી અને જમીનને ઍલ્ડ્રિન (5 %) અથવા બી.એચસી. આપવાથી ઊધઈનું નિયંત્રણ થાય છે.

વનસ્પતિના બધા ભાગો ખાસ કરીને ફળ ઉપર કેટલાક વેધકો (borers) આક્રમણ કરે છે. Lachnosterna insularis મૂળને કોરી ખાતો કીટક છે. ડાઇઍલ્ડ્રિન, ઍલ્ડ્રિન, હેપ્ટાક્લોર અને ક્લોરોડેન જમીનને આપવાથી તેનું નિયંત્રણ થાય છે. Euzophera perticella Rag. પ્રકાંડને અને Prodenia litura Fabr. ફળને કોરે છે. Helicoverpa armigera ફળના તલપ્રદેશને ખોદે છે, જેથી ફળનો સંપૂર્ણ નાશ થાય છે. ડી.ડી.ટી., બી.એચ.સી. (50 % ડબ્લ્યૂ. પી.) અને ઍન્ડ્રિન (20 % ઈ.સી.) અસરકારક ઉપાય છે. તમાકુની ઇયળો નિશાચર (nocturnal) છે અને ફળ ઉપર આક્રમણ કરે છે. ડી.ડી.ટી. (50 % ડબ્લ્યૂ. પી.) અથવા ડર્સબેન કે પાયરેથ્રમ આ જીવાતનું નિયંત્રણ કરે છે.

કાષ્ઠકીટકો પૈકી Scirlothrips dorsalis પર્ણો, પુષ્પીય કલિકાઓ અને ફળો ઉપર મોટી સંખ્યામાં આક્રમણ કરે છે અને રસ ચૂસી પેશીઓ ખાઈ જાય છે તથા પાકને 50 % જેટલું નુકસાન પહોંચાડે છે. ‘જી1’, ‘એન. પી. 30એ’ અને ‘એન. પી. 46’ જેવી કાષ્ઠકીટ-રોધી (thrip-resistant) જાતોનું વાવેતર ઉપયોગી ગણાય છે. પાક લણણી માટે તૈયાર થાય તે પહેલાં ડાઇમેથોએટ (0.05 %) અને બી.એચ.સી.(5%)નું ડસ્ટિંગ અથવા બી.એચ.સી. (0.01 %)નો છંટકાવ અથવા પેરાથિયોન (0.025 %) દ્વારા તેનું નિયંત્રણ થાય છે.

ઇતરડીઓ [Amblyseius ovalis (સફેદ ઇતરડી) અને Hemitarsonemus lactus] વાંકડિયાં પર્ણનો રોગ ઉત્પન્ન કરે છે. સલ્ફર, ઑક્સિથિયોક્વિનોક્સ, ડાઇકોફોલ, પેરાથિયોન, ઍન્ડ્રિન, મેલાથિયોન, મૉનોક્રોટોફોસ (0.05 %) અને સાયટ્રોલેન રોગનું નિયંત્રણ કરે છે. ‘સાબુર આનાલ’, ‘બાવાપુરી’, ‘એલ.આઇ.સી.28’ અને ‘117504’ ઇતરડી-સહિષ્ણુ (mite-tolerant) જાતો છે.

મૂળ-ગાંઠ(root-knot)ના કૃમિઓ (Aphelenchus avenae Meloidogyne arneria, M. incognita અને M. javanica) પ્રરોહ અને મૂળનાં વજન અને લંબાઈમાં ઘટાડો કરે છે અને નાની ગાંઠો ઉત્પન્ન કરે છે. ‘જી2’ અને ‘બૉમ્બે 742’ સહિષ્ણુ જાતો છે. ‘રેડ લૉંગ’, ‘કે2’, ‘એન.પી.46-એ’ અને ‘સીએ (પી) 63’ M. incognitaની સહિષ્ણુ જાતો છે. કાર્બોફ્યુરેન, ડાઇમેથોએટ, ફેન્સલ્ફોથિયોન ગાંઠો બનવાની ક્રિયાને અટકાવે છે. મેથમ સોડિયમનું ધૂમન (fumigation) ગાંઠના કૃમિઓની વસ્તીમાં ઘટાડો કરે છે.

કીટકો અને કૃમિઓ ઉપરાંત Meriones hurrianae, Tatera indica indica અને Rattus meltada જેવાં કૃન્તકો (rodents) પણ મરચાના પાકને ઘણું નુકસાન પહોંચાડે છે. ઍલ્યુમિનિયમ ફૉસ્ફાઇડ, ઝિંક ફૉસ્ફાઇડ અને આર.એચ. 787 અસરકારક કૃન્તક-નાશકો (rodenticides) છે.

સામાન્ય રીતે લીલાં મરચાંનું ઉત્પાદન 15,000થી 20,000 કિગ્રા./હેક્ટર અને સૂકાં મરચાંનું 1,500થી 2,000 કિગ્રા/હેક્ટર થાય છે. મરચાં સ્વપરાગિત (self-pollinated) પાક છે; છતાં માખીઓ અને ફૂદાંઓ દ્વારા પણ ફલન થાય છે. તેથી બીજ-ઉત્પાદન કરવા માટે સારી જાતના છોડને નિશાની કરી તેનાં મરચાં પાકવા દેવામાં આવે છે. આવા પાકા ફળને અલગ રીતે ઉતારીને તેમાંથી બીજ કાઢવામાં આવે છે અને ઉપરની છાલને મરચાંનો પાઉડર બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે.

સૌરાષ્ટ્રનાં ગોંડલ, રાણપુર અને ચૂડા વિસ્તારનું રેશમપટ્ટી મરચું તેની ઊંચી ગુણવત્તા અને ઘેરા લાલ રંગ માટે ખૂબ જ લોકપ્રિય છે.

સુવિકસિત લીલાં મરચાં વાંસની કે તાડની ટોપલીઓમાં બંધ કરી બજારમાં લાવવામાં આવે છે અને તે ચળકાટ ગુમાવે તે પહેલાં તેનો નિકાલ કરવામાં આવે છે. તેને 0° સે. તાપમાને અને 95 %થી 98 % સાપેક્ષ ભેજે 40 દિવસ સુધી સારી સ્થિતિમાં સંગ્રહી શકાય છે. યોગ્ય રીતે પ્લાસ્ટિકની કોથળીમાં પૅક કરવામાં આવે તો એક માસ વધારે સાચવી શકાય છે. મરચાંના સંગ્રહ દરમિયાન પ્રજીવક ‘સી’માં ઘણો ફેરફાર થાય છે, છતાં તેમનાં રંગ અને ગંધ તેનાં તે જ રહે છે.

ભારતમાં મરચાંની ડબ્બાબંધી(canning)નો હજુ મોટા પાયે વિકાસ થયો નથી. ડબ્બાબંધ મરચાં સેનામાં અને અન્વેષયાત્રા(expedition)માં ઉપયોગી છે. ખૂબ તીખાં, લીલાં, વાંકડિયાં-ગઠનવાળાં, પાતળી અને લીસી છાલ ધરાવતાં ફળ ડબ્બાબંધી માટે પસંદ કરવામાં આવે છે. વજ્ર રાખી તેનો દંડ કાપી નાખી પાણીમાં ધોવામાં આવે છે અને ઊકળતા પાણીમાં 2થી 3 મિનિટ માટે વિવર્ણિત (blanched) કરી લવણજલ(brine)માં ડબ્બાબંધી કરવામાં આવે છે.

મરચાંની સુકવણી : લણેલાં લાલ મરચાંને ખળામાં સિમેન્ટ કે કાદવથી લીંપેલી સ્વચ્છ અને સખત ભૂમિ ઉપર અથવા સમથળ કરેલા પાળા ઉપર સૂર્યના તડકામાં પાતળા સ્તર-સ્વરૂપે પ્રસારવામાં આવે છે. સાંજે ભેગાં કરી તેમને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે, જેથી લાલ રંગ જળવાય છે. આબોહવાકીય સ્થિતિ ઉપર આધાર રાખીને સંપૂર્ણ સુકવણી માટે 8થી 15 દિવસ લાગે છે. દિવસમાં બેથી ત્રણ વાર મરચાંને ઉપરતળે કરવામાં આવે છે, જેથી એકસરખી સુકવણી થાય. સુકવણીને કારણે ફળના વજનમાં 65 %થી 75 % જેટલો ઘટાડો થાય છે. મરચાંની વૃદ્ધિ સાથે તેમાં કેરોટિનૉઇડનું પ્રમાણ વધે છે અને શર્કરાનું પ્રમાણ ઘટે છે. અપરિપક્વ ફળોને 2થી 3 દિવસ માટે કોઠારમાં થપ્પીબંધ ગોઠવી લગભગ 22° સે.થી 25° સે. તાપમાને રાખતાં લાલ રંગનાં બને છે. ફળને વધારે ચળકતાં બનાવવા મહુડા(Madhaca longifolia)ના તેલ વડે આલેપિત (smeared) કરવામાં આવે છે. કોપરેલ કે તલના તેલ વડે આલેપન કરવામાં આવતું નથી; કારણ કે તેથી ફૂગની વૃદ્ધિ અને વિરંજન(discolouration)ને ઉત્તેજન મળે છે. અયોગ્ય પ્રક્રિયા અને સંગ્રહને પરિણામે મરચાંના કુલ ઉત્પાદનમાં 15 %થી 20 % જેટલો ઘટાડો થાય છે.

લીલાં મરચાં કાચાં ભરીને, ભૂંજીને, રાંધીને કે તળીને ખાવામાં આવે છે અને મસાલા તરીકે પણ વપરાય છે. તેની કેટલીક જાતો ચટણી અને અથાણાં બનાવવામાં ઉપયોગી છે. તેમાંથી સૂપ અને ગરમ સૉસ બને છે. માંસની વાનગીઓમાં પણ તેનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સરકો કે લવણજલનો ઉપયોગ કરી ડુંગળી અને કાકડીની સાથે તેનું અથાણું બનાવી શકાય છે. રોજિંદા ખોરાકમાં સૂકાં મરચાંના પાઉડરનો ઉપયોગ થાય છે. તમાકુમાં ચર્વણ (chewing) અને ધૂમ્રપાન માટે તેમજ જિન્જર એલ, જિન્જર સોડા, બિયર, રમ વગેરેમાં તીખાશ વધારવા માટે તે વપરાય છે.

તાજાં લીલાં અને સૂકાં મરચાંનું આનુક્રમિક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 85.7 %, 10.0 %; પ્રોટીન 2.9 %, 15.9 %; લિપિડ 0.6 %, 6.2 %; રેસા 6.8 %, 30.2 %; કાર્બોદિતો 3.0 %, 31.6 %; અને ખનિજદ્રવ્ય 1.0 %, 6.1 %; કૅલ્શિયમ 30 મિગ્રા., 160 મિગ્રા.; મૅગ્નેશિયમ 24 મિગ્રા.; સોડિયમ 6.5 મિગ્રા., 14.0 મિગ્રા.; પોટૅશિયમ 217 મિગ્રા., 530 મિગ્રા.; તાંબું 1.55 મિગ્રા.; સલ્ફર 34 મિગ્રા.; ક્લોરિન 15 મિગ્રા.; ફૉસ્ફરસ 80 મિગ્રા., 370 મિગ્રા.; લોહ 1.2 મિગ્રા., 2.3 મિગ્રા.; થાયેમિન 0.19 મિગ્રા., 0.93 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.39 મિગ્રા., 0.43 મિગ્રા.; નાયેસિન 0.9 મિગ્રા., 9.5 મિગ્રા.; પ્રજીવક ‘સી’ 111 મિગ્રા., 50 મિગ્રા./100 ગ્રા.; કૅરોટિન 175 માઇક્રોગ્રામ, 345 માઇક્રોગ્રામ અને શક્તિ 29 કિલોકૅલરી, 246 કિલોકૅલરી/100 ગ્રા. તાજાં પાકાં ફળોમાં 3 મિગ્રા.થી 10 મિગ્રા./100 ગ્રા. જેટલું α–ટૉકૉફેરૉલ હોય છે અને મનુષ્યના ખોરાકમાં પ્રજીવક ‘ઈ’નો તે સારો સ્રોત ગણાય છે. મરચામાં પ્રજીવક ‘સી’ પણ સારા પ્રમાણમાં હોય છે. તેનો આધાર મરચાંની જાત, પરિપક્વતાની અવસ્થા અને ઋતુ પર રહેલો છે. પ્રજીવક ‘સી’ અર્ધપાકટ અવસ્થામાં કે ગુલાબી રંગની અવસ્થામાં મહત્તમ હોય છે. કેટલીક ભારતીય દ્વિગુણિત (diploid) જાતોમાં તેનું પ્રમાણ 35.4 મિગ્રા.થી 91.2 મિગ્રા./100 ગ્રા. અને ચતુર્ગુણિત (tetraploid) જાતોમાં 40.6 મિગ્રા.થી 154.0 મિગ્રા./100 ગ્રા. જેટલું હોય છે. મોટી જાતોમાં ગુલાબી રંગની અવસ્થામાં તેનું વધારેમાં વધારે પ્રમાણ 340 મિગ્રા./100 ગ્રા. જેટલું જોવા મળે છે.

મરચાંમાં સક્રિય ઘટક તરીકે કૅપ્સેઇસિન (કુલ કૅપ્સેઇનૉઇડોનાં 46 %–77 %) નામનું આલ્કેલૉઇડ હોય છે. અન્ય કૅપ્સેઇનૉઇડોમાં ડાઇહાઇડ્રૉકૅપ્સેઇસિન, હોમોકૅપ્સેઇસિન I અને II, બાઇસોમો અને ટ્રાઇસોમોકૅપ્સેઇસિન, હોમો-ડાઇહાઇડ્રૉકૅપ્સેઇસિન I અને II, નૉરડાઇહાઇડ્રૉકૅપ્સેઇસિન, કૅપ્રિલિક, નોનીલિક અને ડિસાયક્લિક ઍસિડોના વેનિલિલ એમાઇડોનો સમાવેશ થાય છે. કેટલીક જાતોમાં કૅપ્સિએમાઇડ[N–(13–મિથાઇલ ટેટ્રાડીસાઇલ) ઍસિટેમાઇડ]ની હાજરી જોવા મળી છે.

કૅપ્સેઇસિન અત્યંત તીખો ઘટક છે અને ભારતીય ઉપજાતોમાં તેનું પ્રમાણ 0.1 %થી 0.5 % જેટલું હોય છે. તે જરાયુ પેશીમાં – ખાસ કરીને પડદામાં હોય છે. કૂતરાઓમાં કૅપ્સેઇસિનનું પૂરતા પ્રમાણમાં અંત:શિરાકીય (intravenous) અંત:ક્ષેપણ કરતાં તેઓમાં ક્ષણિક શ્વાસરોધ (aponea), હૃદ્-મંદતા (bradycardia) અને અતિરક્તદાબ (hypertension) ઉત્પન્ન થાય છે; જ્યારે ગિની પિગ અને ઉંદરમાં તેનું અધસ્ત્વચીય (sub cutaneous) કે અંત:-ઉદરાવરણીય (intraperifoneal) અંત:ક્ષેપણ કરતાં કૅપ્સેઇસિન સહિત વિવિધ ઉત્તેજકો (irritant) માટે તેઓ સહિષ્ણુ (tolerant) બને છે. તે સક્ષમ તણાવકારી (stressor) પ્રક્રિયક છે અને કૉર્ટિકોસ્ટેરૉનનું પ્રમાણ વધારે છે. મનુષ્યની ત્વચા ઉપર કૅપ્સેઇસિન લગાડતાં ત્વગ્રક્તિમા (erythema) અને ફોલ્લા પડ્યા સિવાય દાહ થાય છે. અંત:જઠરીય રીતે કૅપ્સેઇસિન આપતાં ચાંદાં પડવાની ક્રિયા ઉત્તેજાય છે. 1:1000ના મંદન(dilution)થી તે Bacillus ceris અને B. subtilis જેવા કેટલાક સજીવો સામે જીવાણુનિરોધી (bacteriostatic) સક્રિયતા દર્શાવે છે. મરચાંનો અશુદ્ધ નિષ્કર્ષ તેની માત્રાને આધારે ઉંદરોમાં લંઘન (fasting) રુધિર-ગ્લુકોઝ(fasting blood – glucose)ના પ્રમાણમાં ઘટાડો કરે છે.

મરચાંમાંથી ઓલિયોરેઝીન પ્રાપ્ત થાય છે. તે સૂક્ષ્મ માત્રામાં પણ સક્ષમ ઉત્તેજક છે અને આંખોમાં અને અન્ય કોમળ અંગો ઉપર તીવ્ર બળતરા ઉત્પન્ન કરે છે.

મરચાં લાલ રંગ માટેનો ઉત્તમ સ્રોત છે. તે અલ્પ માત્રામાં સક્ષમ ઉત્તેજક (stimulant) અને વાતહર (carminative) છે. તે લાળરસ અને જઠરરસ-સ્રાવ, પરિસંકોચી હલનચલનો અને જઠરની વલોવવાની પ્રક્રિયાને ઉત્તેજે છે. તે પેશીયઅસ્થિતિસ્થાપકતા (atony) અને વાયુવિકારી (flatulent), અજીર્ણ (dyspepsia) અને મદ્યોન્માદ (dipsomania) માટેનો સારો ઉપાય ગણાય છે. ઊંચી માત્રામાં તે જઠરાંત્રીય (gastrointestinal) ઉત્તેજક તરીકે વર્તી આંત્રશોથ (enteritis) ઉત્પન્ન કરે છે અને અતિસાર (diarrhoea) થાય છે; જઠરીય શ્લેષ્મસ્તરમાં સોજો ઉદભવે છે. મૂત્રપિંડ કે મૂત્ર-જનનતંત્રના રોગો ધરાવતા દર્દીઓના ખોરાકમાં મરચું બાકાત રાખવું જોઈએ. માદા રંજકહીન (albino) ઉંદરોને કોલેસ્ટેરૉલ ધરાવતા ખોરાક સાથે લાલ મરચું કે તેના પ્રમાણમાં કૅપ્સેઇસિન આપતાં યકૃતના કોલેસ્ટેરૉલના ઊંચા વધતા પ્રમાણને અટકાવે છે.

મરચાંનો રસ કે નિષ્કર્ષ પપૈયું, બટાટા અને તમાકુ ઉપર થતા મોઝેક રોગના વિષાણુઓને પુષ્કળ પ્રમાણમાં અવરોધે છે. ફળોનો મિથેનૉલીય નિષ્કર્ષ Venturia ineqvalis (cooke) wint.ના બીજાણુઓના અંકુરણને અવરોધે છે; જે સફરજનના ફળને ભીંગડાનો રોગ (scab disease) લાગુ પાડે છે. ફળ અને બીજનો નિષ્કર્ષ મૂળો, ડુંગળી, સલગમ વગેરેના અંકુરણને અવરોધે છે.

આયુર્વેદ અનુસાર મરચાં રક્તવૃદ્ધિકર અને પાચક છે. તે પિત્તલ, વિદાહી, રુક્ષ અને દીપક છે તેમજ કફ, આમ અને શૂળનો નાશ કરે છે. મરીથી તેના ગુણ ઊતરતા છે. તેનો પેટપીડ અને કૉલેરા ઉપર, માંકડનો નાશ કરવા માટે, હડકાયા કૂતરાના કરડવા ઉપર, વીંછીના ડંખ ઉપર તથા દારૂડિયાના ભ્રમ ઉપર ઉપયોગ થાય છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ