મરઘાં (Fowl) : ખોરાકી માંસ અને ઈંડાંની પ્રાપ્તિ માટે ઉછેરાતા પક્ષીની એક જાત. તે દુનિયામાં સર્વત્ર જોવા મળે છે. વર્ગીકરણની ર્દષ્ટિએ મરઘાં વિહગ વર્ગનાં ગૅલીફોર્મિસ શ્રેણીનાં ફૅસિયાનિડે કુળનાં છે. શાસ્ત્રીય નામ, Gallus domesticus. તેને પીંછાં અને પાંખ હોય છે. તે ઊડી પણ શકે છે, પરંતુ મોટેભાગે પ્રચલન માટે પગોનો ઉપયોગ કરે છે. નર(કૂકડો)ના માથા ઉપર લાલ કલગી હોય છે અને ગળાની નીચે એક માંસલ કોથળી જેવું અંગ આવેલું હોય છે. તેને ગલચર્મ (wattle) કહે છે.
મરઘાંને સહેલાઈથી પાળી શકાય છે. સામાન્યપણે લોકો તેને ઈંડાં માટે પાળે છે, જ્યારે કેટલાક શોખને ખાતર પણ પાળતા હોય છે. પૃથ્વી પર લગભગ બધે ઠેકાણે મરઘાંઉછેર(poultry)વ્યવસાય સારી રીતે વિકસ્યો છે. ખાસ કરીને ચીન, અમેરિકા, રશિયા સહિત ઘણા દેશોમાં તે વ્યવસાય અત્યંત મોટા પાયા પર ચાલે છે. ભારતમાં પણ મરઘાંઉછેર એક મહત્વનો વ્યવસાય બન્યો છે. મોટા મરઘાંકેન્દ્રોમાં હજારોની સંખ્યામાં તેમને પાળવામાં આવે છે. તેમાં યંત્રીકરણ વડે પાણી અને ખોરાક આપવાની સુવિધા હોય છે. મરઘાંના પગના નીચેના ભાગ સિવાયનું શરીર પીંછાંથી છવાયેલું હોય છે. માત્ર પગના નીચેના ભાગમાં ભીંગડાંનું આવરણ હોય છે.
મરઘાની પૂંછડી 14થી 16 પીંછાંની બનેલી હોય છે. નરની પૂંછડીના મધ્ય ભાગમાં આવેલાં પીંછાં દાતરડાની જેમ વક્રાકાર, લાંબાં અને અણીદાર હોય છે. આંગળીઓ નહોરથી સંધાયેલી હોય છે. તેનો ઉપયોગ સ્વરક્ષણાર્થે તેમજ જમીન ખોદી ખોરાક તરીકે કીટકો અને બીજને ખોદવા માટે કરે છે. તેનાં ‘શ્રવણ’ અને ‘ર્દષ્ટિ’ની ઇન્દ્રિયો સારી રીતે વિકસેલી હોય છે, જ્યારે માનવીના પ્રમાણમાં સ્વાદ અને ગંધગ્રાહી અવયવો અલ્પવિકસિત હોય છે. તેનો ખોરાક મુખ્યત્વે બીજ (ધાન્ય) અને કીટકોનો બનેલો હોય છે. તેના ગળામાં અન્નપુટ (crop) આવેલું હોય છે, જ્યાં તે ખોરાકનો સંગ્રહ કરે છે. જઠર દ્વિખંડી હોય છે, જેમાં આગલો ભાગ પેષણી (gizzard) તરીકે વિકસેલો હોય છે. પેષણીમાં રેત અને પથ્થરના નાના કણો સંઘરેલા હોય છે, જેને લીધે પેષણીના સ્નાયુઓ સંકોચાતાં સહેલાઈથી ખોરાકનો ભૂકો બને છે.
સામાન્યપણે મરઘીની પ્રજનનઋતુ જૂનથી નવેમ્બર સુધીની હોય છે. જોકે ઈંડાંનાં ત્યાગ માટે ફલનક્રિયા (fertilization) અગત્યની નથી. મરઘી આશરે વીસેક અઠવાડિયાંની થતાં ઈંડાં મૂકવાની શરૂઆત કરે છે અને વર્ષ દરમિયાન તે 160થી 240 જેટલાં ઈંડાં મૂકતી હોય છે. એક વર્ષની થતાં મરઘીની ઈંડાં મૂકવાની ક્ષમતા ઘટે છે. આવી મરઘીને પછી માંસ માટે કાપવામાં આવે છે.
કૂકડાનો ઉછેર, મોટેભાગે માંસ માટે કરવામાં આવે છે; જેથી તેને ખોરાક આપી હૃષ્ટપુષ્ટ કરવામાં આવે છે. જોકે વિશિષ્ટ જાતના નરનો ઉપયોગ પ્રજનનાર્થે કરવામાં આવે છે. પાળેલા કૂકડાને રૂસ્ટર કહે છે. ફલિત ઈંડાં માટે લેગહૉર્ન નામે ઓળખાતા રૂસ્ટરને બહોળા પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. સંકરણથી પેદા થયેલ મરઘીનાં ઈંડાં મોટાં અને રંગે સફેદ હોય છે. સામાન્યપણે ઈંડાંના ઉત્પાદન માટે પાળવામાં આવતાં કૂકડાં વજનમાં હલકાં હોય છે. માંસ માટે ઉછેરાતાં કૂકડાં વજનમાં ભારે હોય છે.
પ્લિમથ રૉક (નર) અને કૉર્નિશ (માદા) સંકરિત પ્રજા માંસ માટે સારી ગણાય છે.
ભારત સહિત દક્ષિણ એશિયામાં પાળવામાં આવતાં મરઘાં મોટેભાગે બ્રહ્મા, કોચીન અને લાંગશાન જાતનાં હોય છે.
મરઘાંઉછેરમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મરઘાં
નામ | કલગીનો પ્રકાર | ઈંડાનો રંગ | વજન (કિગ્રા.) | ||
નર | માદા | ||||
1. | પ્લિમથ રૉક | એકલ | સફેદ | 4.31 | 3.40 |
2. | બ્રહ્મા | ત્રણ અણીદાર છેડાવાળી | ઘઉંવર્ણો (Brown) | 5.21 | 4.1 |
3. | કોચીન | એકલ | ’’ | 5.0 | 3.9 |
4. | લાંગશાન | એકલ | ’’ | 4.1 | 3.2 |
5. | કૉર્નિશ | ત્રણ અણીદાર | ’’ | 4.76 | 3.6 |
6. | લેગહૉર્ન | એકલ | સફેદ | 3.6 | 2.7 |
7. | રહોડ- આયર્લૅંડ રેડ | એકલ | ઘઉંવર્ણો | 3.80 | 2.94 |
માંસ માટે વેચવામાં આવતાં મરઘાંને બ્રૉઇલર (broiler) કહે છે. 6થી 7 અઠવાડિયાંની ઉંમર થતાં બ્રૉઇલરની કતલ કરવામાં આવે છે. બ્રૉઇલર અઠવાડિયાદીઠ 0.4 કિ.ગ્રા. ખોરાક ખાય છે. તેના છોલેલ મડદાનું વજન 1.75થી 2.00 કિગ્રા. જેટલું હોય છે. જ્યારે ઈંડાં માટે પાળવામાં આવતી મરઘી આશરે બાર ઈંડાંદીઠ 1.8 કિગ્રા. ખોરાક ખાય છે.
કુક્કુટ-ખાણ (feed)માં જુવાર કે ઘઉં જેવા અનાજના દાણા હોય છે. તેમાં સોયાબીન, માછલી અને માંસનું મિશ્રણ કરવામાં આવે છે. ઉપરાંત તેમાં વિટામિનો અને ખનિજ-તત્વો જેવાં પોષક દ્રવ્યો પણ ઉમેરવામાં આવે છે.
મરઘાંઉછેરમાં પરોપજીવીઓ અને રોગજન્ય જંતુઓની મોટી સમસ્યા હોય છે. તેથી ખોરાક અને પાણી આપતી વખતે, તે જમીન પર પ્રસરે નહિ તેની ખાસ કાળજી લેવી પડે છે. મળનો નિકાલ પણ તુરત જ થાય તેની જોગવાઈ કરવી જરૂરી છે. મરઘાંને તંદુરસ્ત રાખવા રસી આપવા ઉપરાંત પાણી તેમજ ખોરાકમાં દવા ભેળવવામાં આવે છે. શ્વસનાંગોનાં પણ કેટલાંક દર્દો હોય છે. વિષાણુઓને લીધે ગાંઠ (tumour) થતાં ઘણાં પક્ષીઓ મૃત્યુ પામે છે. પરોપજીવી જંતુઓને લીધે કૉક્સિડિયોસિસ રોગ થાય છે.
વિકસિત દેશોમાં આરોગ્યની ર્દષ્ટિએ વેચાતાં બ્રૉઇલર અને ઈંડાંની ચકાસણી કરવામાં આવે છે. ઈંડાંને સારી રીતે પૅક કરી, ફૂટે નહિ તે રીતે જથ્થાબંધ કે છૂટક વેચવામાં આવે છે; જ્યારે માંસનું વેચાણ બ્રૉઇલર તરીકે અથવા તો થીજવીને કરવામાં આવે છે.
નયન કે. જૈન
મ. શિ. દૂબળે