મરકી (Plague) : યેર્સિનિયા પેસ્ટિસ નામના દંડાણુથી થતો, ચાંચડના ડંખથી ફેલાતો અને મહામારી સર્જતો ચેપી રોગ. યેર્સિનિયા પેસ્ટિસ – એ નાના બંને છેડે અભિરંજિત થતા (દ્વિધ્રુવી અભિરંજન, bipolar staining) ગ્રામ-અનભિરંજિત દંડાણુઓ (bacilli) છે. દંડ આકારના જીવાણુઓ(bacteria)ને દંડાણુ કહે છે. તેઓ મુખ્યત્વે ઉંદર અને તેના જૂથનાં પ્રાણીઓ(rodents)માં ચેપ કરે છે. તેનો ચેપ માણસમાં ચાંચડના ડંખથી કે ચેપગ્રસ્ત પ્રાણીના સંસર્ગથી ફેલાય છે. અમેરિકામાં કૅલિફૉર્નિયા, એરિઝોના, નેવાડા અને ન્યૂમેક્સિકોમાં તે વિશેષક્ષેત્રીય (endemic) રૂપે જોવા મળે છે. જ્યારે તેનો ઉપદ્રવ વ્યાપક બને ત્યારે તે મહામારી-સ્વરૂપે જોવા મળે છે. સન 1994–95માં ગુજરાતના સૂરત શહેરમાં તેનો વાવડ ફેલાયાની દહેશત ઉદભવી હતી. ચેપ લાગ્યાના 2થી 10 દિવસમાં રોગનાં લક્ષણો જોવા મળે છે. ડંખના સ્થાનેથી જીવાણુઓ લસિકાવાહિનીઓ(lymphatics) દ્વારા લસિકાગ્રંથિઓમાં પહોંચે છે, જ્યાં તેમની ‘વેળ’ ઘાલે છે. ચેપગ્રસ્ત લસિકાગ્રંથિ મોટી થાય છે. તેને મરકીગંડ (bubo) કહે છે. ત્યારબાદ તે લોહી દ્વારા જુદા જુદા અવયવોમાં પહોંચે છે. જો તેમાં ન્યૂમોનિયા કે મૅનિન્જાઇટિસ થાય તો દર્દી ઘણે ભાગે મૃત્યુ પામે છે. ન્યૂમોનિયાવાળો દર્દી ખાંસી દ્વારા હવામાં ચેપબિન્દુઓ ફેંકે છે, જે પણ ચેપ ફેલાવે છે.
સામાન્ય રીતે તે અચાનક થઈ આવતાં તાવ, માંદગી, હૃદયના ઝડપી ધબકારા, માથાનો સતત દુખાવો તથા સ્નાયુઓના કળતર રૂપે જોવા મળે છે. દર્દી એકદમ માંદો પડી જાય છે અને તેને સંનિપાત (delirium) થઈ આવે છે.
ચેપ ફેફસાંમાં ફેલાય ત્યારે ફેફસીશોથ અથવા ફુપ્ફુસશોથ (pneumonia) થાય છે. ત્યારે ઝડપી શ્વાસ, ખાંસી, લોહીવાળો ગળફો તથા નખમાં ભૂરાશ (નીલિમા, cyanosis) જેવાં લક્ષણો જોવા મળે છે. જો મગજનાં આવરણો – તાનિકાઓ (meninges) અસરગ્રસ્ત થાય તો તાનિકાશોથ (meningitis) થાય છે. ડંખને સ્થાને પરુવાળી ફોલ્લી થાય છે. ત્યાંથી નીકળતી લસિકાવાહિની લાલ અને પીડાકારક બને છે. તેને લસિકાવાહિનીશોથ (lymphangitis) કહે છે. બગલ, જાંઘ કે ડોકની લસિકાગ્રંથિ મોટી થાય છે અને સ્પર્શ કરતાં વેદના (સ્પર્શવેદના, tenderness) થાય છે.
તેમાં પાછળથી પરુ ભરાય છે અને ક્યારેક તે ફાટે છે. તેનો ચેપ જ્યારે લોહી દ્વારા પ્રસરે છે ત્યારે દર્દી અતિશય માંદો તથા બેભાન બને છે અને તેની ચામડીમાં રુધિરછાંટ(purpura)ના લાલ ડાઘા થઈ આવે છે. તેને શ્યામ મરકી (black plague) કહે છે. નિદાન માટે મરકીગંડમાંથી પ્રવાહી શોષીને કાચની તકતી પર પ્રસારવામાં આવે છે. ત્યારબાદ તેનું ગ્રામ-અભિરંજન (staining) કરવામાં આવે છે. તે સમયે જીવાણુને ઓળખી શકાય છે. તેમનું લોહી તથા પરુમાંથી સંવર્ધન (culture) પણ કરાય છે. જે દર્દી સાજો થઈ રહ્યો હોય તેના લોહીમાં ચોક્કસ પ્રતિદ્રવ્યો (antibodies) દર્શાવી શકાય છે. જ્યારે મહામારી ફેલાય ત્યારે સૌપ્રથમ રોગથી મૃત્યુ પામેલા ઉંદરો જોવા મળે છે. તેમની મદદથી નિદાનમાં સરળતા રહે છે. મરકીનું લસિકાગ્રંથિઓ મોટી કરતા અન્ય રોગોથી તેમજ ન્યૂમોનિયા તથા મૅનિન્જાઇટિસ કરતા અન્ય પ્રકારના ચેપથી અલગ પાડીને નિદાન કરાય છે.
ઍન્ટિબાયૉટિક દવા વડે કરાતી સારવારમાં સ્ટ્રેપ્ટોમાઇસિન તથા ટેટ્રાસાઇક્લિન ઉપયોગી ઔષધો છે. તેમને બદલે જરૂર પડે તે કિસ્સામાં ક્લૉરેમ્ફેનિકોલ તથા કો–ટ્રાઇક્મેઝેઝોલ નામની દવાઓ પણ વાપરી શકાય છે. દર્દીની શારીરિક સ્થિતિ પ્રમાણે તેને રાહતદાયી સારવાર રૂપે નસ વાટે પ્રવાહી, લોહીનું દબાણ વધારતી દવાઓ, ઑક્સિજન તથા કૃત્રિમ શ્વસનની સારવાર અપાય છે. ન્યૂમોનિયા થયેલો હોય તેવા દર્દીને સંપૂર્ણપણે અલગ રાખવો પડે છે. મહામારીના સમયમાં ચેપ લાગતો રોકવા માટે ટેટ્રાસાઇક્લિન વપરાય છે. મરકીવિરોધી રસી પણ વિકસાવાયેલી છે, પણ તેની અસરકારકતા નિશ્ચિત નથી. ચેપગ્રસ્ત વિસ્તારમાં રહેતી-ફરતી વખતે ઢીંચણ સુધીના જોડા વડે પગને ઢાંકી રખાય છે તથા ઊંચી પથારીમાં સૂવાનું સૂચવાય છે. તેને કારણે ચાંચડના ડંખથી બચી શકાય છે.
નિલય રા. ઠાકોર
શિલીન નં. શુક્લ