મમ્મટ (આશરે 1050–1150) : ભારતીય અલંકારશાસ્ત્રના પ્રાચીન આચાર્ય. ટીકાકાર ભીમસેનના જણાવ્યા મુજબ મમ્મટનો જન્મ કાશ્મીરમાં થયો હતો. તેઓ જૈયટના પુત્ર હતા. કૈયટ અને ઉપટ એ બે તેમના ભાઈઓ હતા. કાશ્મીરમાં આનંદપુરમાં તેમનો નિવાસ હતો. મમ્મટ કાવ્યશાસ્ત્રમાં, કૈયટ વ્યાકરણશાસ્ત્રમાં અને ઉપટ વેદ અને વેદાંતમાં સમર્થ વિદ્વાનો હતા. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’નું સર્જન કાશીમાં કર્યું. મમ્મટના સમયની પૂર્વસીમા તેમણે અભિનવગુપ્ત (1015), પદ્મગુપ્ત (1010) અને ભોજ(1050)ના કરેલા ઉલ્લેખો પરથી નિશ્ચિત થાય છે. 1050 એ મમ્મટના સમયની પૂર્વસીમા બને છે. ‘કાવ્યપ્રકાશ’ની 1130માં રચાયેલી સૌથી જૂની રુય્યકની ‘સંકેત’ નામની ટીકા છે. માણિક્યચંદ્રસૂરિની ટીકા 1160માં રચાઈ છે. વળી રુય્યકે (1155) મમ્મટની કેટલીક માન્યતાઓનું ખંડન કર્યું છે. તેથી 1150 એ મમ્મટના જીવનની ઉત્તરસીમા બને છે. આમ, 1050થી 1150 વચ્ચેના સમયમાં તેઓ થઈ ગયા. ‘કાવ્યપ્રકાશ’ એ મમ્મટનો પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં એમણે કાવ્યને લગતી સૂક્ષ્મ વિગતોની સાંગોપાંગ ચર્ચા કરી છે. તેમણે પુરોગામી સાહિત્યિક વિચારોનું વિદ્વત્તાથી સંકલન કર્યું છે. તેમણે વ્યાકરણશાસ્ત્રનો ‘શબ્દવ્યાપારવિચાર’ નામનો ગ્રંથ રચ્યો છે. તેમણે ‘સંગીતરત્નમાલા’ નામનો સંગીતનો ગ્રંથ રચેલો મનાય છે.
મમ્મટ એક સંનિષ્ઠ સાહિત્યવિવેચક ઉપરાંત વ્યાકરણશાસ્ત્રના જ્ઞાતા હતા. આ ઉપરાંત મીમાંસાશાસ્ત્ર, ન્યાય-વૈશેષિક દર્શનો, સાંખ્ય વેદાંત તેમજ બૌદ્ધ દર્શનોથી તેઓ પરિચિત હતા. અનેક લક્ષણશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોની તેમની જાણકારી જણાઈ આવે છે. કાવ્યશાસ્ત્રની બધી વિચારધારાઓનો સમન્વય કરી કાવ્યનાં સ્વરૂપ અને અંગોનું તેમણે યથાર્થ વિવેચન કર્યું છે. ધ્વનિસિદ્ધાંતને તેમણે પુન:પ્રતિષ્ઠિત કર્યો. તેથી તેઓ ધ્વનિપ્રસ્થાપક પરમાચાર્ય કહેવાય છે. જેમ વ્યાકરણશાસ્ત્રમાં પતંજલિના ‘મહાભાષ્ય’નું, મીમાંસામાં ‘શાબરભાષ્ય’નું અને વેદાંતમાં ‘શાંકરભાષ્ય’નું મહત્વ છે તેમ કાવ્યશાસ્ત્રમાં ‘કાવ્યપ્રકાશ’નું સ્થાન મહત્વનું છે.
તેમના ‘શબ્દવ્યાપારવિચાર’માં શબ્દશક્તિઓ વિશે ‘કાવ્યપ્રકાશ’ના બીજા ઉલ્લાસ જેવી જ ચર્ચા છે, જે સિદ્ધ કરે છે કે તેમણે ‘શબ્દવ્યાપારવિચાર’ની રચના કર્યા બાદ ‘કાવ્યપ્રકાશ’ની રચના કરેલી. ભારતીય સાહિત્યશાસ્ત્રમાં સમન્વયવાદી અને લોકપ્રિય લેખક તરીકે આચાર્ય મમ્મટનું સ્થાન અજોડ છે એ સ્પષ્ટ છે.
જયંતીલાલ શં. પટેલ