મન્સૂરી, આદિલ (જ. 18 મે 1936, અમદાવાદ અ. 6 નવેમ્બર 2008, ન્યૂ જર્સી, યુનાઈટેડ સ્ટેટ) : ગુજરાતના ગઝલકાર-કવિ અને નાટ્યકાર. મૂળ નામ : ફકીર મહંમદ ગુલામનબી મન્સૂરી. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યા પછી, માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને કરાંચીમાં. કરાંચીમાં કાપડનો અને અમદાવાદમાં કાપડ તથા સૂતરનો વેપાર કર્યા પછી ‘ટૉપિક’ (અંગ્રેજી) અને ‘અંગના’ (ગુજરાતી) સામયિકોમાં પત્રકારની કારકિર્દીનો આરંભ. ત્યારબાદ વિજ્ઞાપન કંપની ‘શિલ્પી’માં કૉપી-રાઇટર બન્યા (1972). છેલ્લે ભારત છોડી અમેરિકા-વસવાટ સ્વીકાર્યો.
‘આદિલ’ મન્સૂરી આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા છે. ‘વળાંક’ (1963), ‘પગરવ’ (1966) અને ‘સતત’ (1970) એમ 3 સંગ્રહો દ્વારા એમણે 1942 પછીની નવી કવિતાનાં વ્યાવર્તક લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં એમનો નોંધપાત્ર ફાળો છે. ગઝલની પરંપરિત શૈલીમાં નવું પરિવર્તન આવ્યું. પ્રણાલિકાગત પ્રતીકો ને વિષયોનો છેદ ઉડાડીને એમણે નવાં કલ્પન, પ્રતીક ને વિષયોને ગઝલમાં વ્યક્ત કર્યાં. ભાષાકર્મ અને કલાત્મકતાને પ્રાધાન્ય મળ્યું. એમણે ગઝલના બંધિયારપણાને નવા નવા પ્રયોગો દ્વારા તોડી નાખ્યું. ઉર્દૂ ગઝલના ઊંડા અભ્યાસને કારણે તેઓ ગઝલના કાવ્ય-કસબ પર પ્રભુત્વ મેળવી શક્યા છે.
હવે વીસેક વર્ષથી અમેરિકામાં વસતા આ કવિના ત્યારપછી પ્રગટ થયેલા સંગ્રહ ‘ન્યૂયૉર્ક નામે ગામ’માં ત્યાંનાં વાતાવરણ, સંસ્કૃતિ અને માનવવ્યવહારોનો બલિષ્ઠ ઘોષ સંભળાય છે. 1996માં પ્રગટ થયેલા એમના ‘મળે ન મળે’માં ઉપર્યુક્ત ત્રણેય સંગ્રહોની કવિતા સંગૃહીત છે. તેમણે ઉર્દૂમાં પણ ગઝલો રચી છે. તેમના એકાંકીલેખનમાં ‘હાથપગ બંધાયેલા છે’ (1970) અને ‘જે નથી તે’ (1973) એકાંકી-સંગ્રહોનો સમાવેશ થાય છે.
‘પગરવ’ તથા ‘સતત’ માટે ગુજરાત રાજ્ય તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું તેમજ ‘હાથપગ બંધાયેલા છે’ તથા ‘મેઇક બિલીવ’ (સંપાદન – 1968) માટે ગુજરાત રાજ્યનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
રશીદ મીર