મન્ટો, સઆદત હસન

January, 2002

મન્ટો, સઆદત હસન (જ. 1912, સંબ્રાલા, જિ. લુધિયાણા; અ. 1955, લાહોર, પાકિસ્તાન) : જાણીતા ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક. તેમણે શિક્ષણ અમૃતસર અને અલીગઢમાં લીધું. 1939માં લગ્ન કર્યા બાદ અમૃતસર, લાહોર, દિલ્હી તથા મુંબઈ ખાતે વસવાટ કર્યા પછી ભારતના ભાગલા થતાં પાકિસ્તાનમાં જઈ વસ્યા.

ત્રીશીની શરૂઆતમાં તેમણે તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ અંગ્રેજી, રશિયન અને ફ્રેન્ચ ભાષાની ઉત્તમ કૃતિઓના અનુવાદથી કર્યો હતો અને તેથી તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. ટૂંક સમયમાં ટૂંકી વાર્તાઓના લેખક તરીકે તેમણે નામના મેળવી. તેમની નાટ્યકૃતિઓ પણ વ્યાપકપણે ધ્યાનાર્હ બની. તેઓ તેમનાં લખાણો દ્વારા ઑલ ઇન્ડિયા રેડિયો, સંખ્યાબંધ નામાંકિત સાહિત્યિક સામયિકો અને ફિલ્મ ઍસોસિયેશનો સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા. તેમની વાર્તાઓના આધારે ભારત અને પાકિસ્તાનમાં અનેક ફિલ્મોનું સર્જન કરવામાં આવ્યું છે. તેમની કેટલીક વાર્તાઓ અશ્લીલ સાહિત્યના આરોપસર અદાલતી કાર્યવાહીનો ભોગ બની હતી.

તેઓ એક ઉત્તમ વાર્તાકાર હતા. વાર્તાઓમાં ચોકસાઈભરેલી નોંધપાત્ર વિગતો સાથે સચોટ રચનાવિધાન કરવામાં તેઓ કુશળ હતા. કહેવાતા લાલબત્તી વિસ્તારો, વેશ્યાઓ, ભડવાઓ, દુરાચારીઓ, જાતભાતના આશ્રિતો, તેમની તીવ્ર કામવાસના અને લોલુપતા જેવી સામગ્રી તેમની વાર્તાઓમાં વણાતી આવે છે. તેમની પાત્રસૃષ્ટિ સમાજના એક નિમ્ન–નવીન સ્તરનું દર્શન કરાવે છે. મોટાભાગનાં તેમનાં પાત્રો અસ્તિત્વની કોઈ ઊણપ, કોઈ અવનતિ કે શિથિલતાનો ભોગ બનતાં હોય છે; પણ મન્ટો તેનાં કારણો ઉકેલવા મથતા નથી. એ બધાં પાત્રોના અસ્તિત્વની કોઈ નિશ્ચિતતા નથી; તેમની નિર્દોષતા જાણે ખોવાઈ ગઈ છે; તેમના સુખની ક્ષણો ઝંખવાઈ ગઈ છે; તેમની લાગણીઓ સાવ ક્ષીણ થઈ ગઈ છે. મન્ટોને આવી પાત્રસૃષ્ટિ અને આવી વિષયસામગ્રીમાં જ રસ છે. તેઓ પોતાનાં પાત્રોનો ન્યાય તોળવા બેસતા નથી. ઘણીય વાર તેઓ એ પાત્રોને નિર્દોષતા તથા સુખથી ભરેલું જીવન પાછું આપવા ઝંખતા જણાય છે.

તેમના મુખ્ય ગ્રંથોમાં ટૂંકી વાર્તાઓ ‘આતિશ પારા’ (ફ્રૅગ્મેન્ટ્સ ઑવ્ ફાયર, 1936); ‘મન્ટો કે અફસાને’ (મન્ટોઝ સ્ટોરિઝ, 1940); ‘ધુઆઁ’ (ધ સ્મોક, 1941); ‘જનાઝે’ (કૉર્પ્સ, 1942); ‘સિયાહ હાશિયે’ (ધ બ્લૅક માર્જિનેલિયા, 1948); ‘ચુઘડ’ (ધ ફૂલ, 1948); ‘ખાલી બૉટલેં, ખાલી ડિબ્બે’ (1950); ‘બાદશાહત કા ખાતિમા’ (એન્ડ ઑવ્ અ કિંગ્ડમ, 1951); ‘યઝીદ’ (ધી આર્ક હેરેટિક, 1951); ‘ઉપર, નીચે, દરમિયાન’ (1954); ‘બગૈર ઇજાજત’ (1955); ‘બુર્કે’ (ધ વેલ્સ, 1955); ‘હતક’ (ધી ઇન્સલ્ટ); ‘બાબુ ગોપીનાથ’; ‘કાલી શલવાર’; ‘નયા કાનૂન’; ‘બૂ’; ‘ખોલ દો’; ‘મૌજીલે’; ‘તોબા ટેક સિંઘ’ તથા ‘શહીદસાજ’ (ધ માર્ટિર મેકર) નોંધપાત્ર છે.

આ ઉપરાંત તેમના અન્ય ગ્રંથોમાં ‘અફસાને ઔર ડ્રામે’ (સ્ટોરિઝ ઍન્ડ પ્લેઝ, 1943); ‘લજ્જતે સંગ’ (પ્લેઝર ઑવ્ સ્ટોન્સ, સ્ટોરિઝ ઍન્ડ એસેઝ, 1947); ‘શયતાન’ (વાર્તાઓ અને નાટકો, 1954); નવલકથા ‘બગૈર ઉન્વાન કે’ (વિધાઉટ એ ટાઇટલ, 1940); નાટકો ‘તીન ઔરતેં’ (1942) તથા ‘ઇસ મઝધાર મેં’; નિબંધો ‘મન્ટો કે મઝામીન’ (મન્ટોઝ એસેઝ, 1942) અને રેખાચિત્ર ‘ગંજે ફરિશ્તે’(ધ સ્ટ્રિપ્ડ એન્જલ્સ, 1953)નો સમાવેશ થાય છે.

તેમના અવસાન બાદ પ્રગટ થયેલ કૃતિઓમાં વાર્તાસંગ્રહો : ‘રત્તી, માશી, તોલા’; ‘શિકારી ઔરતેં’; ‘સડક કે કિનારે’; ‘સરકંડોં કે પીછે’; ‘ઠંડા ગોશ્ત’, ‘નાખૂન કા કર્ઝ’; ‘ચશ્મે રોઝન’; ‘ગુલાબ કે ફૂલ’; ‘નૂરજહાન, સરૂર જહાન’ તથા નાટકો ‘કરવટ’ અને ‘મન્ટો કે ડ્રામે’; રેખાચિત્ર ‘નમરૂદ કી ખુદાઈ’ અને ‘લાઉડસ્પીકર’; નિબંધસંગ્રહ ‘ફૂનદાને’ અને ‘તલ્ખ, તુર્શ, શીરીન’ તેમજ જીવનકથા ‘ઇસ્મત ચુગતાઈ’ મુખ્ય છે.

બળદેવભાઈ કનીજિયા