મનોહરસિંહ (જ. 1937) : ભારતીય રંગભૂમિના નોંધપાત્ર હિન્દી-ભાષી અભિનેતા અને દિગ્દર્શક. 1960ના દાયકામાં દેશના ઉચ્ચ કોટિના દિગ્દર્શક ઇબ્રાહીમ અલ્કાઝીના વડપણ હેઠળ ચાલતા રાષ્ટ્રીય નાટ્ય સંસ્થાન NSDમાં એમની ત્રણ વર્ષની તાલીમ દરમિયાન જ મનોહરસિંહે અભિનેતા તરીકે કાઠું કાઢવા માંડ્યું હતું. તાલીમ દરમિયાન અલ્કાઝીના દિગ્દર્શનમાં ગિરીશ કર્નાડલિખિત નાટક ‘તુઘલક’માં મુખ્ય ભૂમિકા ભજવી અને સૌના આદરપાત્ર બન્યા. અલ્કાઝીએ આ નાટકને દિલ્હીના પુરાણા કિલ્લાની પાર્શ્વભૂમિકામાં પ્રસ્તુત કર્યું હતું અને એ ભવ્ય સન્નિવેશમાં પણ મનોહરસિંહે તુઘલકના પાત્રનું ઊંડાણ પ્રેક્ષકો સુધી પહોંચાડ્યું હતું. મનોહરસિંહનાં એ પછીનાં પાત્રસર્જનોમાં જૉન ઑસબૉર્ન કૃત નાટક ‘લુક બૅક ઇન અગર’માં જિમી પૉર્ટર, મોહન રાકેશના નાટક ‘આધે અધૂરે’માં મહેન્દ્રનાથ, શેક્સપિયરના નાટકમાં કિંગ લિયર અને મનુ ભંડારીના નાટક ‘મહાભોજ’માંની ભૂમિકા તથા બર્ટોલ્ટ બ્રેખ્ટના ‘મધર કરેજ’ નાટકમાં સ્ત્રી-પાત્ર હિંમતમાઈની ભૂમિકા ભારતીય થિયેટરના ઇતિહાસનું ઊજળું અંગ છે. અભિનેતા તરીકે રૂસી દિગ્દર્શક સ્તાનિસ્લાવ્સ્કીના ‘મેથડ અભિનય-રીતિ’નો એમના ઉપર પ્રારંભે ભારે પ્રભાવ હતો, એ તુઘલક, જિમી પૉર્ટર અને મહેન્દ્રનાથની ભૂમિકાઓમાં સ્પષ્ટ રીતે અનુભવાયું હતું. એ પછી બ્રેખ્ટ, ગ્રેનોવ્સ્કી કથકલી અને કાબૂકીની અભિનય-શૈલીઓના અભ્યાસ પછી એમનાં પાત્રચિત્રણોમાં મોટો વળાંક આવ્યો, જે કિંગ લિયર, મહાભોજ અને સૌથી વધુ સ્પષ્ટ રીતે હિંમતમાઈની પાત્ર-પ્રસ્તુતિમાં પ્રેક્ષકો અનુભવી શક્યા. આ નાટકમાં સ્ત્રી-પાત્ર હિંમતમાઈ તરીકે મનોહરસિંહે જાણીતા દિગ્દર્શક અમલ અલાનાના દિગ્દર્શનમાં અદ્વિતીય અભિનય આપ્યો છે. આ જગવિખ્યાત યુદ્ધ-વિરોધી નાટકમાં સૈનિકોને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ વેચીને પેટિયું રળી ખાતી પ્રૌઢ સ્ત્રી–હિંમતમાઈ નાટ્યક્રિયાને કેન્દ્રે છે. આ લોભમાં એ પોતાનાં સંતાનો ગુમાવતી જાય છે અને અંતિમ પુત્રના શબને જો એ પોતાના પુત્ર તરીકે ઓળખી બતાવે, તો સૈનિકો તેનો માલ ખરીદવાનું બંધ કરી દે, એવો ભય લાગતાં એ પોતાનો પુત્ર નથી એવું એણે સ્વીકારવું પડે છે. હિંમતમાઈ તરીકે મનોહરસિંહ સૈનિકોના બબ્બે શબ્દોના 4 પ્રશ્નોના જવાબમાં પીઠ ફેરવીને નિ:શબ્દ ઊભા રહે છે — 8 મિનિટ સુધી; ત્યારે ફફડે છે માત્ર એમના બે હોઠ અને આંગળીઓ ભેરવેલા છાતીએ રાખેલા બે હાથ – જે પ્રેક્ષકો જુએ અને સૈનિકો ઉવેખે. એમની કારકિર્દીમાં એવાં તો અનેક ઉદાહરણો છે. મનોહરસિંહ એ રીતે ભારતીય રંગભૂમિના એક અદભુત અને યશસ્વી નટ છે અને તેમનો વૈવિધ્યપૂર્ણ હૃદયસ્પર્શી અભિનય ભારતીય રંગભૂમિજગતમાં ચિરસ્મરણીય બની રહેશે, મનોહરસિંહે કેટલીક પ્રયોગાત્મક ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે; ટેલિવિઝનના ટચુકડે પડદે પણ વિવિધ પાત્રોનો અભિનય આપતા રહ્યા છે.

હસમુખ બારાડી