મનોહર (જ. 1560; અ. 1620) : મુઘલ ચિત્રશૈલીનાં લઘુચિત્રોના અગ્રણી ચિત્રકાર. વિખ્યાત મુઘલ ચિત્રકાર બસાવનના તે પુત્ર. તે વ્યક્તિચિત્રો, પ્રાણીચિત્રો તથા હસ્તપ્રતોનાં ચિત્રાંકનો માટે મશહૂર હતા. અકબર અને જહાંગીર બંનેના રાજ્યકાળ દરમિયાન તે મુઘલ રાજદરબારના ચિત્રકાર હતા અને બંનેના તે પ્રીતિપાત્ર હતા. મુઘલ રાજદરબાર અને તેની જીવનશૈલી તથા શિષ્ટાચારના ઠાઠભપકા ચીતરવામાં તે કુશળ હતા. તત્કાલીન પાશ્ર્ચાત્ય યુરોપિયન ચિત્રશૈલીમાં પણ તે કુશળતાપૂર્વક ચિત્રો કરી શકતા અને તેમનાં પ્રારંભિક ચિત્રોમાં એ શૈલીનાં કેટલાંક તત્વોને તે વણી લેતા હતા. અજમેર ખાતે પડાવ નાખીને પડેલા જહાંગીર, ખાનગી મુલાકાતો માટેના ખંડમાં બેઠા છે તેનું આલેખન કરતું અદભુત ચિત્ર તેમની એક ઉત્તમ કૃતિ લેખાય છે (વિક્ટૉરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન).

અમિતાભ મડિયા