મનોવૈજ્ઞાનિક વિકાસ : માનવીમાં થતું સંકલિત, સર્વાંગીણ અને પ્રગતિ-અભિમુખ ગુણાત્મક પરિવર્તન. ‘વિકાસ’ (development) એટલે જીવતંત્રમાં થતાં શારીરિક અને માનસિક પરિવર્તન. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માનવીના સંદર્ભમાં કહી શકાય કે વિકાસ એટલે સુસંકલિત, સર્વાંગીણ અને પ્રગતિ-અભિમુખ પરિવર્તન. ઇલિઝાબેથ હરલોક વિકાસને ગુણાત્મક પરિવર્તન કહે છે. તેમના મતે, વિકાસનો અર્થ ‘પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિ-અભિમુખ ફેરફાર.’
હિલગાર્ડ અને એટકિન્સન જણાવે છે કે માનવીના વિકાસને નિયંત્રિત કરતાં બે પરિબળો છે : (1) અનુવંશ કે વારસો (heredity) અને (2) પર્યાવરણ કે વાતાવરણ (environment). જન્મ સમયે બાળક માતાપિતા તરફથી જે કોઈ જૈવ કે શારીરિક લક્ષણો લઈને આવે છે તેને અનુવંશ કે વારસો કહેવાય અને જન્મ પછી થતા વિવિધ અનુભવો તે પર્યાવરણ કે વાતાવરણ. વિકાસમાં પરિપક્વતા અને શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. આનુવંશિક લક્ષણો અનુભવની મદદ વગર આપમેળે ક્રમિક રીતે પ્રગટ થાય તેને પરિપક્વતા કહેવાય છે.
1. વિકાસનાં લક્ષણો : જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જણાવેલા વિકાસના અર્થને આધારે વિકાસનાં લક્ષણો નીચે પ્રમાણે જણાવી શકાય :
(1) વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે.
(2) વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે.
(3) વિકાસ ક્રમબદ્ધ અને સુસંવાદી હોય છે.
(4) વિકાસ સર્વાંગીણ હોય. તે વર્તનના દરેક પાસાને સ્પર્શે છે.
(5) અનુવંશ અને પર્યાવરણ વિકાસને નિયંત્રિત કરે છે.
(6) વિકાસમાં પરિપક્વતા અને શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
વિકાસની અવસ્થાઓ : ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધીના જીવનકાળના વિકાસની વિવિધ અવસ્થાઓને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) જન્મ પૂર્વેનો વિકાસ. (2) જન્મ પછીનો વિકાસ.
(1) જન્મ પૂર્વેના વિકાસની અવસ્થામાં ગર્ભાધાનથી માંડીને બાળકના જન્મ સુધીના સમયગાળાનો સમાવેશ થાય છે જેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.
(i) બીજ અવસ્થા – ગર્ભાધાનથી બે અઠવાડિયાં સુધી.
(ii) ભ્રૂણઅવસ્થા – ત્રીજા અઠવાડિયાથી બીજા માસના અંત સુધી.
(iii) ગર્ભાવસ્થા – બીજા માસના અંતથી જન્મ સુધી.
આ ત્રણ અવસ્થા દરમિયાન બાળકનો ગર્ભસ્વરૂપે શારીરિક વિકાસ ઘણે અંશે પરિપક્વતા પર આધારિત હોય છે. જન્મ સમયે બાળકનો એટલો વિકાસ થયો હોય છે કે નવજાત શિશુ ગર્ભાશયના વાતાવરણથી ભિન્ન એવા આ બાહ્ય જગતના વાતાવરણમાં ગોઠવાઈ શકે છે.
(2) જન્મ પછીના વિકાસની અવસ્થામાં શારીરિક, માનસિક, સામાજિક, આવેગાત્મક, બૌદ્ધિક, ભાષાકીય વગેરે તમામ પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જન્મ પછીના વિકાસને નીચેની પાંચ અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે.
(i) શિશુઅવસ્થા : જન્મથી લગભગ બે વર્ષ સુધીની આ અવસ્થા દરમિયાન બાળકના મજ્જાતંત્રનો વિકાસ થાય છે.
(ii) બાલ્યાવસ્થા : બે વર્ષથી બાર વર્ષ સુધીની આ અવસ્થા દરમિયાન બાળકમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે.
(iii) કિશોરાવસ્થા (તરુણાવસ્થા) : તેર વર્ષથી ઓગણીસ વર્ષ સુધીની આ અવસ્થા દરમિયાન વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક તેમજ જાતીય એમ દરેક રીતે પુખ્ત બને છે અને પોતાની સ્વતંત્ર વ્યક્તિ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરે છે.
(iv) પુખ્તાવસ્થા : આ અવસ્થા બે વિભાગમાં વહેંચાય છે :
(અ) યુવાવસ્થા : વીસ વર્ષથી ચાળીસ વર્ષ સુધીની આ અવસ્થામાં વ્યક્તિ વ્યવસાય અને લગ્નજીવનમાં સુમેળ સાધી સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે છે. પોતાની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરીને સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે. પોતાના વિવિધ શોખ વિકસાવે છે. વિવિધ ક્લબો કે મંડળોનું સભ્યપદ મેળવીને સામાજિક સંબંધો વિકસાવે છે.
(આ) પ્રૌઢાવસ્થા : આ અવસ્થા દરમિયાન વ્યક્તિ પુખ્ત નાગરિક તરીકે સામાજિક જવાબદારી સ્વીકારી તેનો અમલ કરે છે. તેમજ વિવિધ ક્ષેત્રે સમાયોજનો (adjustments) સાધવાનો તેમજ સંઘર્ષોનો સામનો કરવાનો પ્રયત્ન કરે છે.
(v) વૃદ્ધાવસ્થા : સાઠ વર્ષથી ઉપરનો સમયગાળો વૃદ્ધાવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિઓ મંદ પડે છે. તંદુરસ્તી ઘટે છે અને સમાયોજનના પ્રશ્નો ઊભા થાય છે.
વિકાસમાં ક્રમ અને તબક્કા : જન્મ પૂર્વેના અને જન્મ પછીના વિકાસમાં ચોક્કસ ક્રમ જોવા મળે છે. જેમ કે ભાષાવિકાસમાં પહેલાં અર્થહીન ઉચ્ચારો, પછી અક્ષરો, શબ્દો, વાક્યો એમ ક્રમબદ્ધતા જોવા મળે છે. એ જ રીતે ચેષ્ટાવિકાસમાં પહેલાં ઘૂંટણિયે ચાલવું, પછી બેસવું, ઊભા થવું, ચાલવું, દોડવું એમ ક્રમબદ્ધતા હોય છે. આમ વર્તનના દરેક પાસાના વિકાસમાં ચોક્કસ ક્રમ હોય છે.
સામાન્ય રીતે મોટાભાગના મનોવૈજ્ઞાનિકો વિકાસના આ ક્રમને સ્વીકારતા હોવા છતાં વર્તનવાદી તેમજ સમાજ-શિક્ષણવાદી જેવા કેટલાક મનોવૈજ્ઞાનિકો વિકાસના ક્રમને સતત પ્રક્રિયા (continuous process) ગણાવે છે, જ્યારે ફ્રૉઇડ, એરિક એરિક્સન, ઝ્યાં પિયાજે જેવા બીજા મનોવૈજ્ઞાનિકો વિકાસના તબક્કાઓનો સ્વીકાર કરે છે.
વર્તનનાં વિવિધ પાસાંઓનો વિકાસ :
1. બોધાત્મક વિકાસ (cognitive development) : વય વધતાં આસપાસના જગતનું જ્ઞાન, પ્રત્યક્ષીકરણ, તર્ક, વિચારણા, કલ્પના, સ્મૃતિ વગેરેનો વિકાસ થવો તે બોધાત્મક વિકાસ છે. બોધાત્મક વિકાસની પ્રક્રિયાને વિવિધ તબક્કાઓમાં વહેંચીને સમજવાનો નોંધપાત્ર પ્રયાસ સ્વિસ મનોવૈજ્ઞાનિક ઝ્યાં પિયાજે(Jean Piaget)એ કરેલો છે.
ઝ્યાં પિયાજેએ શિશુઅવસ્થાથી તરુણાવસ્થા સુધીના બૌદ્ધિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે. તેમણે અનેક બાળકોના વિકાસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને બોધાત્મક વિકાસના નીચે મુજબ મુખ્ય ત્રણ તબક્કાઓ જણાવ્યા છે :
(1) સાંવેદનિક–સ્નાયવિક તબક્કો (sensorimotor stage) : જન્મથી માંડીને બે વર્ષ સુધીના સમયને પિયાજે સાંવેદનિક–સ્નાયવિક તબક્કો ગણાવે છે. આ સમય દરમિયાન બાળક વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો શોધે છે. આ તબક્કાને તેઓ છ વિભાગમાં વહેંચે છે :
(i) જન્મ પછીનો પ્રથમ માસ, (ii) બેથી ચાર માસ, (iii) ચારથી આઠ માસ, (iv) આઠથી બાર માસ, (v) બારથી અઢાર માસ, (vi) અઢારથી વીસ માસ.
આ તબક્કામાં બાળકને ભૌતિક જગતના પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિય-અનુભવ દ્વારા મળે છે.
(2) પૂર્વ-ક્રિયાત્મક તબક્કો (pre-operational stage) : બેથી સાત વર્ષના ગાળાને પિયાજે પૂર્વ-ક્રિયાત્મક તબક્કો ગણાવે છે. સાત વર્ષથી નાનું બાળક પદાર્થના આકાર અને તેની ગોઠવણીને વધુ કેન્દ્રમાં રાખે છે. જ્યારે સાત વર્ષના બાળકમાં તર્કક્રિયા અને કાલ્પનિક વિચારણાનો વિકાસ થયો હોય છે.
(3) ક્રિયાત્મક તબક્કા (operational stage) : આ તબક્કાને પિયાજે બે વિભાગમાં વહેંચે છે :
(i) પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો : સાતથી બાર વર્ષના ગાળાને પિયાજે પદાર્થલક્ષી ક્રિયાત્મક તબક્કો ગણાવે છે. આ તબક્કામાં સંખ્યાત્મક અને અમૂર્ત વિચારણા(abstract thinking)ની શક્તિ બાળકમાં જણાય છે. જોકે આ શક્તિ પદાર્થના સંદર્ભમાં જ હોય છે.
(ii) આકૃતિક ક્રિયાત્મક તબક્કો : બાર વર્ષથી ઉપરના ગાળાને પિયાજે આકૃતિક ક્રિયાત્મક તબક્કો ગણે છે. આ તબક્કામાં પદાર્થના સંદર્ભ વગરની અમૂર્ત વિચારણા ર્દઢ થાય છે. કોઈ એક બનાવ કે ઘટનાની સમજૂતી માટે વિવિધ સિદ્ધાંતકલ્પના કરી તેમાંથી કઈ સિદ્ધાંતકલ્પના વધારે યોગ્ય છે તેની વિચારક્રિયા વિકસે છે. વિવિધ વિષયોનું તર્કબદ્ધ રીતે જ્ઞાન મેળવી શકાય છે. આમ તરુણવયે અમૂર્ત ખ્યાલો, સિદ્ધાંતો, તાર્કિક સંબંધો વગેરે સમજી શકે છે.
પિયાજેએ જણાવેલા વિકાસના તબક્કાઓ અંગે અન્ય સંશોધકોમાં ખાસ મતભેદ નથી. પરંતુ તેમાં જણાવેલી વયમર્યાદા અંગે મતભેદ જણાય છે. કારણ કે વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા જણાય છે. પરિપક્વતા, શિક્ષણ, સામાજિક-આર્થિક ધોરણો, સંસ્કૃતિ, કૌટુંબિક વાતાવરણ એમ અનેક પરિબળોથી વ્યક્તિનો વિકાસ પ્રભાવિત થાય છે. તેથી બાળકના માનસિક વિકાસમાં તફાવતો જણાય છે. આમ છતાં બાળકના વિકાસનો વ્યાપક અને સરેરાશ ખ્યાલ મેળવવા માટે ઝ્યાં પિયાજેએ જણાવેલા બોધાત્મક વિકાસના તબક્કાઓનો અભ્યાસ અત્યંત ઉપયોગી છે.
2. નૈતિક વિકાસ (moral development) : વિકાસની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ પોતાના અનુભવો દ્વારા સારું-નરસું, સાચું-ખોટું, યોગ્ય-અયોગ્ય, લાભ-ગેરલાભ વગેરે પરસ્પર વિરુદ્ધ ગુણોવાળા ખ્યાલોને સમજતી થાય એ નૈતિકતાનો વિકાસ છે. આવી સમજ તેના સામાજિક જીવન પર અસર કરે છે.
હાર્વર્ડના મનોવૈજ્ઞાનિક લૉરેન્સ કોહલબર્ગે નૈતિક વિકાસના તબક્કાઓ જણાવ્યા છે. તેઓ માને છે કે નૈતિક તર્કક્રિયાનો વિકાસ એ બોધાત્મક તર્કક્રિયાના વિકાસ પર આધાર રાખે છે.
નૈતિક વિકાસની પ્રક્રિયા જાણવા માટે કોહલબર્ગે એક વાર્તા બનાવી અને જુદી જુદી સાંસ્કૃતિક પશ્ચાદભૂમિકા ધરાવતા તેમજ જુદી જુદી વયકક્ષાના લોકોને આપી. લોકોએ આપેલા જવાબો અને કારણોનું પૃથક્કરણ કરીને કોહલબર્ગે નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ નક્કી કરી.
(1) પૂર્વનૈતિક કક્ષા : આ કક્ષામાં સાતથી બાર વર્ષના સમયગાળાનો સમાવેશ કર્યો. આ બાળકો નૈતિક નિર્ણયો કરવામાં બદલો કે શિક્ષાને લક્ષમાં રાખે છે.
(2) પરંપરાગત ભૂમિકાને અનુસરતી નૈતિક વિચારણાની કક્ષા : આ કક્ષામાં બાર વર્ષથી માંડીને કિશોરાવસ્થાના અંત સુધીના સમયગાળાનો સમાવેશ કર્યો છે. આ વયકક્ષા ધરાવતા કિશોરો ‘લોકોની ર્દષ્ટિએ આ વર્તન કેવું લાગશે’ એ રીતે વિચારીને નૈતિક નિર્ણયો કરે છે.
(3) આત્મસ્વીકૃત નૈતિક સિદ્ધાંતને આધારે થતી નૈતિક વિચારણાની કક્ષા : આ કક્ષામાં યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થાના સમયગાળાનો સમાવેશ કર્યો છે. આ વયકક્ષાના લોકો સામૂહિક કલ્યાણની ભાવના પ્રમાણે વર્તે છે.
કોહલબર્ગ માને છે કે ઘણાખરા નૈતિક નિર્ણયો બદલો, શિક્ષા, લોકોને રાજી રાખવાની વૃત્તિ વગેરેના સંદર્ભમાં લેવાતા હોય છે. એનો અર્થ એ થયો કે મોટાભાગના લોકો નૈતિક વિકાસની બીજી કક્ષાથી આગળ વધી શકતા નથી.
જોકે અન્ય મનોવૈજ્ઞાનિકો કોહલબર્ગના નૈતિક વિકાસના તબક્કાઓ સાથે સંમત થતા નથી. બાળકનું માતા-પિતા સાથેનું તાદાત્મ્ય, બદલો, શિક્ષા, સામાજિક વાતાવરણ, સમવયસ્કો, ફિલ્મ અને ટી.વી.નાં પાત્રો વગેરે અનેક પરિબળો વ્યક્તિના નૈતિક વિકાસ ઉપર અસર કરે છે. બદલાતી પરિસ્થિતિની અસર પણ નૈતિક વિચારણા તેમજ આચરણ ઉપર થાય છે.
3. જાતીય વિકાસ (sexual development) : તરુણાવસ્થા દરમિયાન જાતીય વિકાસ નોંધપાત્ર બને છે. જાતીય વિકાસ શારીરિક અને મન:શારીરિક એમ બંને પરિમાણો (dimensions) ધરાવે છે. તરુણ અને તરુણી બંનેની જાતીય ગ્રંથિમાંથી હૉર્મોન્સનો સ્રાવ વહેવાની શરૂઆત થાય છે. પરિણામે બંનેના જાતીય અવયવો પુખ્ત બને છે. ઝડપી શારીરિક વિકાસ જોવા મળે છે, જાતીય પુખ્તતા પ્રાપ્ત કરે છે, વિજાતીય આકર્ષણ અનુભવે છે.
વર્તમાન સમયમાં જાતીય કેળવણી, સંતતિનિયમનનો પ્રચાર, સ્ત્રી-પુરુષ-સમાનતાનો ખ્યાલ, નારીસ્વાતંત્ર્યની ચળવળ, નોકરી કરતી સ્ત્રીઓની સંખ્યામાં વધારો વગેરે ઘટકોને લીધે જાતીય વર્તન અંગેનાં ધોરણોમાં પરિવર્તન આવ્યું છે. તે પહેલાંની સરખામણીમાં વધુ હળવાં થયાં છે.
ફ્રૉઇડનો મનોજાતીય (psychosexual) વિકાસનો સિદ્ધાંત : સિગ્મંડ ફ્રૉઇડે ‘કામશક્તિના સંતોષ’નો આધાર લઈને વિકાસની પ્રક્રિયા સમજાવી છે. તેમણે મનોજાતીય વિકાસની નીચે મુજબની અવસ્થાઓ જણાવી છે :
(1) મુખ અવસ્થા – જન્મથી બે વર્ષ.
(2) ગુદા અવસ્થા – બેથી ત્રણ વર્ષ
(3) લિંગ અવસ્થા – ત્રણથી પાંચ વર્ષ.
(4) ગુપ્ત અવસ્થા – છથી બાર વર્ષ.
(5) સજાતીય અવસ્થા – બારથી ચૌદ વર્ષ.
(6) વિજાતીય અવસ્થા – તરુણાવસ્થા અને પુખ્તવય.
જુદી જુદી ઉંમરે બાળકમાં જાતીય સંતોષના અવયવો કયા હોય છે અને જાતીય વૃત્તિ કઈ રીતે સંતોષાય છે તે સંદર્ભમાં ફ્રૉઈડે આ અવસ્થાઓ બતાવી છે.
4. સામાજિક વિકાસ (social development) : સામાજિક વિકાસ એટલે સમાજનાં ધોરણો અને પ્રણાલિકાઓને અનુરૂપ વર્તનનો વિકાસ તેમજ સમાજનાં અન્ય સભ્યો સાથે સુમેળભર્યા સંબંધોનો વિકાસ. એરિક્સન અને અન્ય મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકનો સામાજિક વિકાસ તેની જરૂરિયાતો કેવી રીતે સંતોષાય છે તેના પર આધારિત છે. બાળકની જરૂરિયાતો સંતોષવામાં સામાન્ય રીતે માતાપિતા કે અન્ય કુટુંબીજનો કેન્દ્રસ્થાને હોય છે. પરંતુ તેમની ગેરહાજરીમાં કે તેમનું અસ્તિત્વ ન હોય ત્યારે અન્ય કોઈ કેન્દ્રસ્થાને હોઈ શકે. માતાપિતા, ભાંડુઓ, મિત્રો વગેરે સાથેની આંતરક્રિયાને લીધે વિભિન્ન ઉંમરે સહકારની ભાવના, સ્પર્ધા, અનુરાગ, વર્ચસ્ સ્થાપવાની વૃત્તિ, તાદાત્મ્ય વગેરે જેવાં સામાજિક વર્તનનો વિકાસ થાય છે અને બાળક જુદાં જુદાં ભૂમિકાવર્તનો શીખે છે. તરુણાવસ્થા અને તે પછીના સમયમાં વ્યક્તિ સામાજિક કાર્યોમાં ભાગ લે છે અને લોકોની પ્રશંસા મેળવવાનો પ્રયત્ન કરે છે. જવાબદારીની ભાવના વિકસે છે.
એરિક્સનનો મત : સામાજિક વિકાસનો સિદ્ધાંત : એરિક એરિક્સનનો મત : સામાજિક અવસ્થાઓનો સિદ્ધાંત ફ્રૉઇડના ખ્યાલો પર આધારિત છે. પરંતુ તેમણે જાતીયતા કરતાં વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાને વધારે મહત્વ આપ્યું છે. તેમણે વ્યક્તિત્વ-વિકાસની આઠ અવસ્થાઓ વર્ણવી છે :
(1) મુખકેન્દ્રી અવસ્થા.
(2) ગુદાકેન્દ્રી અવસ્થા.
(3) જનનેન્દ્રિયકેન્દ્રી અવસ્થા.
(4) સુષુપ્ત અવસ્થા.
(5) સજાતીય આકર્ષણની અવસ્થા.
(6) વિજાતીય આકર્ષણની અવસ્થા.
(7) પરિણીત જીવન અને કુટુંબજીવન.
(8) પુખ્ત અવસ્થા.
એરિક્સન જણાવે છે કે જીવનના દરેક તબક્કામાં નવા નવા સામાજિક સંબંધો બંધાય છે અને નવી નવી સમસ્યાઓ આવે છે. તેમણે આ દરેક અવસ્થાના સામાજિક સંબંધો અને તેનાં પરિણામોનું વિશ્લેષણ કર્યું છે.
વિકાસ – જીવન પર્યંતની પ્રક્રિયા : વિકાસ એ ગર્ભાધાનથી જીવનના અંત સુધી ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં શારીરિક, માનસિક, સામાજિક એમ અનેક પાસાં સમાયેલાં છે. પુખ્તવય સુધીમાં વિકાસનો દર ખૂબ જ ઝડપી તેમજ પ્રગટ લક્ષણોવાળો હોય છે. પ્રૌઢ વય સુધીમાં લગ્ન અને વ્યવસાયનાં સમાયોજનો તેમજ સંઘર્ષો, માતૃત્વ કે પિતૃત્વની જવાબદારીઓ, સામાજિક જવાબદારીઓ, વ્યાવસાયિક કૌશલ્યો પ્રાપ્ત કરવા પાછળના તનાવો, કેટલાક રોગો વગેરે વ્યક્તિના જીવનવિકાસની ગતિને મંદ પાડે છે. વૃદ્ધાવસ્થામાં તંદુરસ્તીની સમસ્યાઓ, સમાયોજન સાધવામાં પડતી મુશ્કેલીઓ અને તેને કારણે પેદા થતા સંઘર્ષો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
રેણુકા મહેતા