મનોવૈજ્ઞાનિક પરીક્ષણ

January, 2002

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ (psychological testing) : શાબ્દિક/અશાબ્દિક પ્રતિક્રિયા વડે કે અન્ય પ્રકારના વર્તનના નમૂના વડે વ્યક્તિત્વના એક કે વધારે પાસાંને વસ્તુલક્ષી રીતે માપવા માટે રચવામાં આવેલું પ્રમાણીકૃત સાધન. આવા સાધનના વૈજ્ઞાનિક ઉપયોગ વડે વ્યક્તિનું કે સમૂહના માનસનું માપ લેવાની ક્રિયાને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કહેવાય.

માનસિક કસોટી રચવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા જટિલ હોઈ તેમાં કેટલાંક વર્ષો વીતી જાય છે. વિભિન્ન દેશ, કાળ અને જનસમુદાયને અનુરૂપ બનાવવા માટે જરૂર મુજબ કસોટીનું રૂપાંતર કે સંસ્કરણ કરવું પડે છે. તેમાં કઈ વિગતોને સમાવવી અને કઈ વિગતોને બાકાત રાખવી એનો નિર્ણય અંગત માન્યતા પ્રમાણે નહિ, પણ વસ્તુલક્ષી ધોરણો પ્રમાણે કરવાનો હોય છે. પહેલેથી નક્કી કરેલી પ્રમાણભૂત પદ્ધતિ પ્રમાણે જ કસોટીની કાર્યવાહીનો અમલ કરવાનો હોય છે. વિક્ષેપો વિનાના વાતાવરણમાં અને જ્યારે કસોટીપાત્રની શારીરિક અને માનસિક સ્થિતિ સૌથી વિશેષ અનુકૂળ (ધ્યાનમગ્ન, નિશ્ચિંત અને ઉત્સાહી) હોય ત્યારે તેની સાથે સાયુજ્ય સાધીને કસોટી અપાય છે. તેને આપવા માટેની સૂચના પહેલેથી કાળજીથી તૈયાર કરી શબ્દશ: વાંચી સંભળાવવામાં આવે છે. પરીક્ષણની તાલીમ પામેલ અનુભવી વ્યક્તિ જ કસોટીનું સંચાલન, તેમજ ઉત્તરોનું મૂલ્યાંકન અને અર્થઘટન કરી શકે છે. સમયમર્યાદાનું ચુસ્ત પાલન કરવાનું હોય છે.

સારી કસોટી વિશ્વસનીય અને યથાર્થ હોય છે; એટલે કે તેમાં મળેલા પ્રાપ્તાંકો સુસંગત રહે છે, અને તે વ્યક્તિત્વપાસાનું ભેળસેળ વિનાનું માપ આપે છે. સારી કસોટીમાં વ્યક્તિને મળેલા આંકનો અર્થ તારવવા માટે માનાંકો(norms)ની માહિતી હોય છે. બીજા લોકોના માપની સરખામણીમાં આ વ્યક્તિનું માપ કેવું છે તે માનાંકો વડે સમજાય છે.

વ્યક્તિગત કસોટી એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય છે; તેમાં વ્યક્તિનું ઊંડાણથી માપન અને નિરીક્ષણ કરી શકાય છે. સમૂહ-કસોટીમાં એકસાથે સેંકડો લોકોને માપવામાં આવે છે. શાબ્દિક કસોટીમાં લેખિત પ્રશ્નોના લેખિત જવાબ આપવાના હોય છે. અશાબ્દિક (ક્રિયાત્મક) કસોટીમાં (મુખ્યત્વે હાથ વડે) અમુક ક્રિયા કે હલનચલન કરવાનું હોય છે.

બુદ્ધિપરીક્ષણનો આરંભ ફ્રાન્સમાં 1905માં બિને–સાયમને કર્યો. 1908 અને 1911માં તેમણે તૈયાર કરેલ બુદ્ધિકસોટીનું સુધારેલું સ્વરૂપ બહાર પડ્યું. એનું અંગ્રેજી ભાષામાં યુ.એસ.ની સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીમાં 1916માં રૂપાંતર થયું. એમાં 3થી 14 વર્ષનાં બાળકોની તેમજ પુખ્તોની બુદ્ધિ માપવા માટે નીચેનાં કાર્યોનો સમાવેશ થયો : શરીરના ભાગોને ઓળખવા, જાણીતા પદાર્થોનાં નામ આપવાં, વસ્તુઓને સરખાવવી, આકારોનો તફાવત ઓળખવો, ગણવું, કોયડા ઉકેલવા, શબ્દોના અર્થ આપવા, વિધાનોમાં રહેલી વિચિત્રતાઓ શોધી કાઢવી, લાકડાના ટુકડાને યોગ્ય આકારની ખાલી જગ્યામાં ગોઠવવા અને વાર્તાનો ભાવાર્થ આપવો. વય પ્રમાણે રચાયેલી કસોટીઓ ક્રમશ: અઘરી બનતી જાય છે. જવાબોના આધારે આંક આપી વ્યક્તિની માનસિક વય મહિનામાં ગણવામાં આવે છે. ધારો કે દસ વર્ષના બાળકની માનસિક વય 132 માસ આવે તો તેનો બુદ્ધિઆંક થશે. સરેરાશ બુદ્ધિઆંક 100નો ગણાય છે. વસ્તીમાં વિવિધ બુદ્ધિ-આંકો ધરાવનાર વ્યક્તિઓની ટકાવારીના અંદાજો આ પ્રમાણે છે :

બુદ્ધિ-આંક   બુદ્ધિ-કક્ષા વસ્તીમાં ટકાવારી
140 કે તેથી વધુ પ્રતિભા (genius)  0.5
120થી 139 ઉત્કૃષ્ટ બુદ્ધિ  4.5
110થી 119 ચડિયાતી બુદ્ધિ 15.0
90થી 109 સરેરાશ બુદ્ધિ 60.0
80થી 89 ઊતરતી બુદ્ધિ 15.0
70થી 79 સીમાપ્રાંતીય બુદ્ધિ 4.0
50થી 69 અલ્પ બુદ્ધિ 0.5
25થી 49 મૂઢ  0.5
25થી ઓછો જડ

સ્ટૅન્ફર્ડ–બિને કસોટીનું 1937, 1960 અને 1972માં વધુ ને વધુ સુધારેલું સ્વરૂપ પ્રગટ થયું છે.

બીજી જાણીતી વેક્સલરની બુદ્ધિકસોટી છે. એમાં પુખ્તો અને બાળકો માટે જુદી જુદી કસોટી છે. પુખ્તોની કસોટી 16થી 64 કે વધુ વર્ષની વ્યક્તિઓ માટે છે. એમાં માહિતી, શબ્દભંડોળ, સાર્દશ્ય, અવેજીકરણ, સ્મૃતિવિસ્તાર, પરિસ્થિતિની સમજ, ગણિતના કોયડાઓ, અપૂર્ણ ચિત્રને પૂરું કરવું, ભાગો ગોઠવીને આખું ચિત્ર બનાવવું, લાકડાના રંગીન ઘન વડે ડિઝાઇન બનાવવી અને નાની વસ્તુઓના સંયોજનને લગતી ઉપકસોટીઓ હોય છે. એના વડે શાબ્દિક, અશાબ્દિક અને સમગ્ર એમ ત્રણ જાતના બુદ્ધિઆંકો ગણી શકાય છે. વેક્સલરની બીજી કસોટી 5થી 15 વર્ષનાં બાળકો માટે છે. એમાં પણ લગભગ ઉપર પ્રમાણે ઉપકસોટીઓ હોય છે. ગુજરાતી ભાષામાં ડૉ. મહેન્દ્રિકાબહેન ભટ્ટે આ કસોટીનું વૈજ્ઞાનિક રૂપાંતર કર્યું છે.

જે કસોટીમાં ભાષાનો ઉપયોગ બિલકુલ થતો નથી કે માત્ર સૂચના આપવા માટે જ થાય છે તેને કર્તૃત્વ(performance)-કસોટી કહે છે. એમાં પ્રતિક્રિયા આપવા માટે શબ્દો કે આંકડાનો ઉપયોગ જરૂરી નથી હોતો. બહેરા અને અભણ લોકો, બોલવા, લખવા કે વાંચવાની ખામીવાળા લોકો, કસોટીની ભાષા ન જાણનારા લોકો, મૌન રહેનારા અને અતિશરમાળ લોકો અને તદ્દન ભિન્ન સંસ્કૃતિના લોકોની બુદ્ધિ કર્તૃત્વ-કસોટી વડે મપાય છે. કેટલીક કર્તૃત્વ-કસોટીઓ આ પ્રમાણે છે : પિન્ટનર પૅટર્સન કસોટી, કૉર્નેલ કૉક્સ કસોટી, ફરગ્યુસનનું ફૉર્મબૉર્ડ, ડ્રેવર કૉલિન્સ કસોટી અને ગુડઇનફની માણસ દોરો કસોટી. ભૌમિતિક આકારોની ઓળખ, ઘન વડે આકૃતિરચના, ભુલભુલામણી પસાર કરવી જેવાં કાર્યો એમાં કરવાનાં હોય છે. શાબ્દિક અને અશાબ્દિક કસોટીઓ વચ્ચેનો સહસંબંધાંક .50થી .80 હોય છે. ગેસેલે શિશુઓ અને 6 વર્ષથી નાની વયનાં બાળકો માટે ભાષાકીય, કારક, સામાજિક અને સમાયોજનનો વિકાસ માપવાની કસોટી રચી છે. કૅટલે 2થી 30 માસના શિશુનો વિકાસ માપતી કસોટી બનાવી છે. માનસિક ક્ષતિના નિદાન માટે પણ બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ થાય છે.

માનસિક કસોટીમાં સમાવેલા પ્રશ્નો કોઈ એક જ સંસ્કૃતિની અસરથી પ્રભાવિત ન હોવા જોઈએ. એ માટે સંસ્કૃતિને સાનુકૂળ કસોટી પણ બનાવવામાં આવે છે. એમાં બધી સંસ્કૃતિની વ્યક્તિઓનું માપન ન્યાયી અને સમાન રીતે થાય છે.

વિશિષ્ટ પ્રકારનાં કાર્યો કરવામાં ઉપયોગી બનતી માનસિક શક્તિઓને અભિયોગ્યતા (aptitude) કહે છે. દા.ત., શાબ્દિક અભિયોગ્યતા (બોલવા-લખવાનાં કાર્યોમાં વપરાય છે), ગણિતની અભિયોગ્યતા, અમૂર્ત તર્કની શક્તિ, યાંત્રિક અભિયોગ્યતા (યંત્રની રચના, સંચાલન અને સમારકામમાં ઉપયોગી), અવકાશ સંબંધોની સમજ (આકૃતિના કે વસ્તુના ભાગોને જુદી જુદી રીતે ગોઠવવાથી કેવો સમગ્ર આકાર કે પદાર્થ બની શકે તેની ર્દષ્ટિગત કલ્પના કરવી), કારકુની કાર્યો માટેની શક્તિ, કારક (હલનચલનને લગતી) શક્તિ વગેરે. ર્દષ્ટિગત અને શ્રવણનાં કાર્યો માટેની શક્તિનું માપન ઇશિહારા કસોટી તેમજ ઑર્થોરેટર કે ઑડિયોમીટર વડે થાય છે. કારક શક્તિનાં વિવિધ પાસાં હોય છે; દા.ત., પકડની મજબૂતાઈ, પ્રતિક્રિયા-સમય, હાથ કે આંગળીઓની દક્ષતા, બે હાથનાં હલનચલનો વચ્ચે સહયોગ કરવાની શક્તિ, હાથની સ્થિરતા જાળવવાની શક્તિ. તે માટે પ્રયોગશાળામાં યંત્રો વડે માપન કરવામાં આવે છે. યાંત્રિક અભિયોગ્યતા માપવા માટે બેનેટ, સ્ટૅનક્વીસ્ટ અને મિનેસોટાની કસોટી જાણીતી છે.

સંગીતની અભિયોગ્યતાનાં વિવિધ પાસાંનું માપન સીશોર વિંગ, ડ્રૅક અને ઍલિફેરિસની કસોટી વડે થાય છે. ચિત્રકામની અભિયોગ્યતાના માપન માટે ગ્રેવ્ઝ મેઇઅર અને હૉર્નની કસોટી જાણીતી છે. તબીબી અભિયોગ્યતાનું માપન મોસની સુધારેલી કસોટી વડે થાય છે. વિજ્ઞાન અને ઇજનેરી કાર્યો માટેની શક્તિનું માપન મૂરની ઇજનેરી અને ભૌતિક વિજ્ઞાનો માટેની અભિયોગ્યતા કસોટી વડે થાય છે; હાલ જી.આર.ઇ. ઇજનેરી ઉચ્ચ અભિયોગ્યતા કસોટીનો વ્યાપક ઉપયોગ થાય છે.

વ્યક્તિત્વનાં વિવિધ પાસાં માપવા માટે મૂલ્યાંકન-તુલાઓ, વ્યક્તિત્વ-શોધનિકાઓ, પ્રક્ષેપણ-કસોટીઓ અને પરિસ્થિતિગત કસોટીઓનો ઉપયોગ થાય છે. મૂલ્યાંકન કરનારા પાંચથી સાત નિર્ણાયકો જે તે વ્યક્તિને ઓળખતા હોય કે તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકતા હોય એ જરૂરી છે. જે લક્ષણનું મૂલ્યાંકન કરવાનું હોય તેની સ્પષ્ટ વ્યાખ્યા બાંધવી જોઈએ, તેમજ 1થી 5 મૂલ્યો આપવાનાં હોય તો દરેક મૂલ્ય ક્યારે આપવું તે સ્પષ્ટ કરવું જોઈએ. બલાત્ પસંદગી, ક્યુ સૉર્ટ અને ક્રાંતિક ઘટનાની તુલાઓ જાણીતી બની છે. ફેલ્સની માતાપિતાના વર્તનની માપતુલા, વાઇનલૅન્ડની સામાજિક પરિપક્વતા તુલા આનાં જાણીતાં ર્દષ્ટાંતો છે. તુલાઓનો ઉપયોગ સરળ છે, પણ તેની વિશ્વસનીયતા અને યથાર્થતા કસોટી કરતાં ઓછી ગણાય છે.

તુલામાં વ્યક્તિનું મૂલ્યાંકન બીજાઓ કરે છે, જ્યારે શોધનિકામાં વ્યક્તિ સ્વમૂલ્યાંકન કરે છે. આપેલું વિધાન પોતાને લાગુ પડે છે કે નહિ તે એણે કહેવાનું હોય છે. શોધનિકામાં વ્યક્તિનાં માત્ર પ્રગટ વર્તનનાં લક્ષણો જ નહિ, પણ વિચારો, માન્યતાઓ, લાગણીઓ, મનોવલણો, પ્રેરણાઓ વગેરે આંતરિક મનોવ્યાપારની પણ જાણકારી મળે છે. બેલની સમાયોજન-શોધનિકા વ્યક્તિના ગૃહજીવન, સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, આવેગાત્મક પરિસ્થિતિઓ અને વ્યાવસાયિક પરિસ્થિતિ સાથેનું સમાયોજન માપે છે. બર્નરૂટરની શોધનિકા વડે સ્વપર્યાપ્તતા, આત્મવિશ્વાસ, સામાજિકતા, અંતર્મુખતા કે બહિર્મુખતા, વર્ચસ્ કે વશ્યતા અને સૌમ્ય મનોવિકૃતિનાં વલણનું માપન થાય છે. કૅલિફૉર્નિયા શોધનિકા અંગત અને સામાજિક સમાયોજન માપે છે. મિનેસોટાની બહુલક્ષી શોધનિકાનાં 550 વિધાનો વડે શારીરિક સ્વાસ્થ્ય, લગ્ન અને કુટુંબજીવન, સામાજિક અને ધાર્મિક મનોવલણો, પૌરુષ અને સ્ત્રૈણ રુચિઓ, આવેગો, વિભ્રમો અને વિકૃત ભીતિઓ જેવાં પાસાં મપાય છે. આ શોધનિકા વડે વ્યક્તિનાં વિકૃત વલણો વિશે જાણી શકાય છે.

શોધનિકામાં આપેલાં વિધાનો સ્પષ્ટ અને પારદર્શક હોવાથી વ્યક્તિ એમાં પોતાને વિશે સાચા નહિ પણ પોતાની સારી છાપ પડે (કે ખરાબ છાપ ન પડે) એવા જવાબો આપવા પ્રેરાય છે. દા.ત., ‘હું અવારનવાર આળસી જાઉં છું.’ એ વિધાન પોતાને બરોબર લાગુ પડતું હોય તોપણ વ્યક્તિ એની સાથે અસહમત થાય છે. તેથી પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ વિકસાવવામાં આવી છે. એમાં વ્યક્તિ સમક્ષ એવાં ઉદ્દીપકો રજૂ કરવામાં આવે છે જે અસ્પષ્ટ હોય અને જેનું વિવિધ રીતે અર્થઘટન કરી શકાતું હોય. એમાં કોઈ એક જવાબ યોગ્ય કે બીજો જવાબ અયોગ્ય હોતો નથી. તેથી વ્યક્તિ પોતાને વિશેની કુદરતી પ્રતિક્રિયા (વખાણની લાલચ કે ટીકાના ભય વિના) આપે છે. પ્રક્ષેપણમાં શબ્દસાહચર્ય-કસોટી, વાક્યપૂર્તિ-કસોટી, ચિત્રના અર્થઘટનની ચિત્રકામની કસોટી અને શાહીનાં ધાબાંની કસોટી જાણીતી છે.

યુંગ અને કૅન્ટ-રોઝાનોફની સાહચર્ય-કસોટીમાં પ્રચલિત સરળ 100 શબ્દો ક્રમશ: રજૂ કરવામાં આવે છે. દરેક શબ્દ સાંભળીને વ્યક્તિએ પોતાને આવેલો પહેલો વિચાર બોલવાનો હોય છે. દા.ત., તાળું → ચાવી. જવાબોનું વિષય પ્રમાણે વિશ્લેષણ કરી વ્યક્તિત્વનાં કેટલાંક પાસાં વિશે અનુમાન કરવામાં આવે છે. વાક્યપૂર્તિ-કસોટીમાં અધૂરાં વાક્યો આપી વ્યક્તિને તે પૂરાં લખવાનું કહેવામાં આવે છે. આવી રોટરની અપૂર્ણ વાક્યોની કસોટી જાણીતી છે. કસોટી સમયે વ્યક્તિના મનમાં જે વિચારો અને આવેગો ઘોળાતા હોય તે પ્રમાણે તે વાક્યો પૂરાં કરે છે.

ચિત્રના અર્થઘટનની કસોટીઓમાં મરેની વિષય અધિપ્રત્યક્ષ કસોટી (ટીએટી) જાણીતી છે. રોજના જીવનના પ્રસંગો દર્શાવતાં 10 ચિત્રો વ્યક્તિને ક્રમશ: દર્શાવી તેને તેનું વર્ણન અને અર્થઘટન આપવાનું કહેવામાં આવે છે. ચિત્રમાં દર્શાવેલ પાત્રો કોણ છે, પહેલાં શું બન્યું, અત્યારે શું બને છે, હવે પછી શું બનશે તેનું મૌલિક લેખિત વર્ણન લેવાય છે. પોતાના વ્યક્તિત્વ પ્રમાણે વ્યક્તિ અર્થઘટન આપે છે. રોઝેનઝ્વાઇગે વ્યંગચિત્રના માધ્યમ વડે હતાશા પ્રત્યેની વ્યક્તિની લાક્ષણિક પ્રતિક્રિયા માપવાની કસોટી રચી છે. ‘માણસ દોરો’ કસોટી ગુડઈનફે રચી છે. તેમાં વ્યક્તિ માણસનું જે ચિત્ર દોરે તેનું વિશ્લેષણ કરીને તેના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન થાય છે.

રોરશાકની શાહીનાં ધાબાંની કસોટીમાં વ્યક્તિને શાહીનાં જુદાં જુદાં અનિયમિત આકારનાં ધાબાં એક પછી એક બતાવીને તેમાં તેને શું દેખાય છે તે કહેવાનું જણાવવામાં આવે છે. કેટલાંક ધાબાં કાળાં અને કેટલાંક રંગીન હોય છે. એમાં વ્યક્તિને માણસ, પશુ, પક્ષી કે જડ પદાર્થો વગેરે દેખાય તેના વિશ્લેષણ દ્વારા તેના વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો જાણી શકાય છે; પણ એ માટે લાંબી તાલીમ અને અનુભવ જરૂરી છે. પરિસ્થિતિગત કસોટીઓમાં વ્યક્તિના વિધાયક મનોવલણ, સમસ્યાકેન્દ્રી અભિગમ, સંસાધનોને ઓળખી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનું કૌશલ્ય, નેતૃત્વ-લક્ષણો વગેરેની ચકાસણી થાય છે. એ માટે વ્યક્તિને ચોક્કસ વ્યાવહારિક પરિસ્થિતિમાં મૂકીને ચોક્કસ કાર્ય સિદ્ધ કરવાનું કહેવામાં આવે છે.

અભિરુચિની કસોટીઓ વડે વ્યક્તિની અંગત રુચિઓ, તેને પસંદ પ્રવૃત્તિઓ અને વિવિધ વ્યવસાયક્ષેત્રો માટેના ગમા-અણગમા માપી શકાય છે. ઉપરાંત અભ્યાસના વિવિધ વિષયો માટેનો રસ અને તેના શોખ વિશે પણ જાણી શકાય છે. સ્ટ્રૉંગ-કૅમ્પબૅલની અને કૂડરની અભિરુચિ કસોટીઓનો વ્યાપક ઉપયોગ થાય છે.

વિવિધ હેતુઓ માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ થાય છે. ગૃહજીવનમાં, સામાજિક સંબંધોમાં, અભ્યાસમાં અને વ્યવસાયમાં સફળ બનવા માટે વ્યક્તિએ પોતાની શક્તિઓ, મર્યાદાઓ, રુચિઓ અને વ્યક્તિત્વને ચોકસાઈથી જાણવાં જરૂરી છે. કસોટીઓ આમાં તેને મદદ કરે છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં અને યુવક-યુવતીઓને વ્યાવસાયિક માર્ગદર્શન આપવામાં હવે કસોટીઓનો બહોળો ઉપયોગ થાય છે. સારી શિક્ષણસંસ્થાઓ પોતાને ત્યાં પ્રવેશ માટે કોણ સૌથી વધારે યોગ્ય છે તે નક્કી કરવામાં કસોટીઓની મદદ લે છે. એ જ રીતે વ્યાપાર-ઉદ્યોગની સંસ્થાઓ, કેટલાંક સરકારી ખાતાંઓ અને લશ્કર વગેરેમાં ભરતી કરતા પહેલાં પણ ઉમેદવારોને માનસિક કસોટી આપવામાં આવે છે. માનસિક રોગો અંગેના સ્પષ્ટ ચિકિત્સાત્મક નિદાનમાં પણ કસોટીઓએ ઉપયોગિતા સિદ્ધ કરી છે. કાનૂની કાર્યવહીના કેટલાક ગૂંચવણભર્યા પ્રશ્નોના ઉકેલ માટે પણ મનોવૈજ્ઞાનિક કસોટીઓની મદદ લેવાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે