મનોભ્રંશ (dementia) : વ્યક્તિની સામાજિક અને આર્થિક ક્રિયાઓને અસર કરે તેવી રીતે તેની વૈધિક ક્રિયાઓમાં થયેલા સતત અને કાયમી ઘટાડાની સ્થિતિ. (1) ભાષા, (2) સ્મૃતિ, (3) અંતર જાણવાનું ર્દષ્ટિકૌશલ્ય (visuospatial skill), (4) લાગણીઓ અને વ્યક્તિત્વ તથા (5) સંક્ષિપ્તીકરણ (abstraction) કરવું, ગણતરી કે અંદાજો બાંધવાની ક્ષમતા જેથી બોધાત્મકતા (cognition) વગેરે 5 માનસિક ક્રિયાવિસ્તારોમાંથી ઓછામાં ઓછા 3 વિસ્તારોમાં કાયમી ધોરણે ઘટાડો થાય તો તેને મનોભ્રંશ કહે છે. મનોભ્રંશના મુખ્ય 2 વિભાગ પડાય છે – સ્થાયી (static) અને સતત વર્ધનશીલ (progressive). માથાને ઈજા થાય, હૃદયનું ધબકવું થોડા સમય માટે બંધ થાય, મગજમાં મોટી ગાંઠ થાય કે લોહીનો ગઠ્ઠો જામી જાય, શસ્ત્રક્રિયામાં મગજનો મોટો ભાગ અસરગ્રસ્ત થાય કે મગજ કે તેનાં આવરણોમાં ચેપ લાગે ત્યારે મગજનો મોટો વિસ્તાર કાયમી ધોરણે ઈજા પામે છે, ત્યારે સ્થાયી મનોભ્રંશ થાય છે. મગજનો કોઈ રોગ સતત વધીને મગજના વધુ અને વધુ વિસ્તારોને અસર કરતો રહે ત્યારે સતત વર્ધનશીલ મનોભ્રંશ થાય છે. એક અંદાજ મુજબ USમાં આશરે દસ લાખ વ્યક્તિઓ મનોભ્રંશથી પીડાય છે. તેમની સંખ્યા આવતા 4 દાયકામાં બમણી કે ત્રણગણી થવાની શક્યતા છે. તેનાં કારણો સારણી 1માં દર્શાવ્યાં છે.

કોઈ એક બૌદ્ધિક ક્રિયા; દા.ત., ભાષા-અભિવ્યક્તિ, સ્મૃતિ વગેરે ઘટે તો તેને મનોભ્રંશ ગણવામાં આવતો નથી. માનસિક અલ્પવિકસન (mental retardation) અથવા અમનસ્કતા(amentia)ને પણ મનોભ્રંશથી અલગ પાડવામાં આવે છે; કેમ કે, તેમાં બૌદ્ધિક કાર્યોનો વિકાસ થતો હોતો નથી તથા મનોભ્રંશ તો વિકસિત માનસિક સ્થિતિ થયેલી હોય તે પછી ઉદભવે છે, જ્યારે માનસિક અલ્પવિકસનમાં તેનો વિકાસ અટકેલો કે ધીમો હોય છે. વળી સનેપાત(delirium)ની સ્થિતિ કાયમી રહેતી નથી તેથી તેમાં થતી વ્યાપક મનોલક્ષી અસ્વસ્થતાને પણ મનોભ્રંશ ગણવામાં આવતો નથી. સનેપાતની મુખ્ય લાક્ષણિકતાઓ(characteristics)માં અચાનક ઉદભવ (abrupt onset), ટૂંકા ગાળામાં થતો વિકાસ, સ્મૃતિમાં ઘટાડો, વાતચીત અને વિચારમાં વિસંગતતા (incoherence of thought), મનોભ્રમણાઓ (hallucinations), સુષુપ્તિ-જાગૃતિના ચક્ર(sleep-wake cycle)માં વિષમતા વગેરે વિવિધ તકલીફોનો સમાવેશ થાય છે. તે સમયે શારીરિક માંદગી, કોઈ દવાની ઝેરી અસર કે દવા બંધ કર્યાથી ઉદભવતી તેની ઊણપ પણ માલૂમ પડે છે.

સારણી 1 : મનોભ્રંશનાં મુખ્ય કારણો

ક્રમ                   કારણ
1 વૃદ્ધાવસ્થા, ઍલ્ઝાઇમર (alzheimer) પ્રકાર
2. મગજની નસોના વિકારને કારણે મગજના મોટાભાગનો નાશ
3. મગજની આસપાસ અને તેનાં પોલાણોમાં પ્રવાહી ભરાઈ રહેવાનો વિકાર–અતિજલશીર્ષ (hydrocephalus)
4. દારૂ તથા ઈજા
5. રુધિરાભિસરણ અને ઑક્સિજન-વહનના વિકારો; દા.ત., લાંબા ગાળાના હૃદયના રોગો, શ્વસનતંત્રના રોગો
6. ખોપરી કે મગજમાં ગાંઠ
7. માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુ-HIV-ના ચેપથી થતા રોગનો છેલ્લો તબક્કો–એઇડ્ઝ
8. પ્રકીર્ણ કારણો

દા.ત., દવાઓનો કુપ્રયોગ (drug abuse),

ચયાપચયી (metabolic) વિકારો; જેમ કે, મૂત્રપિંડની નિષ્ફળતા, પારગલન(dialysis)લક્ષી વિકાર,

વીજવિભાજ્યો(electrolytes)ના વિકારો, વિટામિન B1 કે B12ની ઊણપ, ગલગ્રંથિ(thyroid gland)ના રોગો,

અપજનનશીલ (degenerative) વિકારો; જેમ કે, પાર્કિન્સનનો રોગ, હંટિંગ્ટનનો મનોભ્રંશ

નોંધ : 1 અને 2 પ્રકારો ઘણી વખત સાથે હોય છે.

લક્ષણો, ચિહ્નો અને નિદાનો : મગજના જે જે વિસ્તારો અસરગ્રસ્ત થયા હોય એને આધારે તેનાં લક્ષણો અને ચિહ્નો ઉદભવે છે અને તેથી તે જુદા જુદા કિસ્સામાં જુદાં જુદાં હોય છે. સ્થાયી પ્રકારના મનોભ્રંશમાં નિદાન સુસ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે દર્દીને મગજનો કોઈ ઉગ્ર વિકાર થયો હોય તો જેવો તે વિકાર કે રોગ શમે એટલે તુરત કુટુંબનાં સભ્યોને, ધંધાના સાથીદારોને અને ક્યારેક દર્દીને પોતાને પોતાના સામાજિક અને વ્યાવસાયિક સંબંધો બગડી રહ્યાનો ખ્યાલ આવે છે અને તેમાં મહિનાઓ સુધી ખાસ કંઈ સુધારો થતો નથી. આવી ઘટેલી માનસિકતાને કારણે વ્યક્તિ પોતાની નવી મર્યાદામાં ગોઠવાવા પ્રયત્ન કરે છે.નોંધ : 1 અને 2 પ્રકારો ઘણી વખત સાથે હોય છે.

સતત વર્ધનશીલ મનોભ્રંશના શરૂઆતના તબક્કામાં નિદાન સરળ હોતું નથી. શરૂઆતમાં વ્યક્તિની મનોદશા (mood), વ્યક્તિત્વ (personality), ટૂંકા સમયની સ્મૃતિ, માનસિક અંદાજ (judgment) અને સંક્ષિપ્તીકરણ(abstraction)ની ક્ષમતા બગડે છે. તેને માપવાની કોઈ ચોક્કસ આધારભૂત પદ્ધતિ નથી. સામાન્ય રીતે કુટુંબનાં સગાં અને વ્યાવસાયિક સાથીદારો તેમાં થયેલા બગાડાની નોંધ લે છે. વ્યક્તિની જિજ્ઞાસા અને બૌદ્ધિક ચમકાર (spark) ઘટી જાય છે. કેટલાક દર્દીઓ ભાવશૂન્ય (apathetic), ખિન્ન (depressed), આશંકિત (anxious) કે ઉશ્કેરાટવાળા (irritable) બને છે. તેમના વ્યક્તિત્વમાં પ્રસન્નતા ઘટે છે. તેમના ભાવ(લાગણી)જન્ય પ્રતિભાવમાં ઊંડાણ હોતું નથી. ક્યારેક તેઓ ખોટી માન્યતાઓ ધરાવતા (paranoid) થઈ જાય છે. તેઓની સ્મૃતિ ઘટે છે અને અંદાજ બાંધવામાં ક્ષતિ ઉદભવે છે. વળી તેઓનું સ્થળનું ભાન ઘટે છે કે એ ભાન તેઓ ગુમાવે છે. તેથી તેમનો કાગળો, પુસ્તકો, કામ, મિત્રો અને સગાંમાંનો રસ ક્રમશ: ઘટે છે. નાણાકીય કાર્યોમાં ભૂલો થાય અને ક્યારેક એવી વ્યક્તિ દેવાદાર બની જાય છે. વ્યક્તિગત વ્યવહાર જળવાઈ રહે છે; પરંતુ જો મગજનો આગળનો ભાગ (અગ્રસ્થખંડ, frontal lobe) અસરગ્રસ્ત થયેલો હોય તો હાજતો પરનું નિયંત્રણ અને અંગત સફાઈ પણ ઘટી જાય છે.

હાલ ઍલ્ઝાઇમરના રોગને માટે દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે મનોભ્રંશના રોગનું નિદાન અને તેનું કારણ જાણવું જરૂરી બને છે. દર્દી, તેના કુટુંબના કે તેની સંભાળ રાખનારાઓ પાસેથી તેના ભુલકણા સ્વભાવની શરૂઆત, ગુણવત્તા, અને અન્ય વિસ્મૃતિની માત્રા કેવી રીતે વધી રહી છે તે જાણવામાં આવે છે. ઘણી વખત ચિંતા, ખિન્નતા, થાક કે વૃદ્ધાવસ્થાને કારણે પણ થોડી વિસ્મૃતિ આવે છે. તેને અલગ પાડીને મનોભ્રંશનું નિદાન કરાય છે. કપડાં પહેરવાં, વાળ ઓળવા, તૈયાર થવું, ખરીદીએ જવું તથા ઘરની રોજિંદી ફરજોનું પાલન કરવું જેવી રોજિંદા જીવનની ક્રિયાઓમાં આવતી ક્ષતિઓની નોંધ મેળવાય છે. વાહન ચલાવતી વખતે થતા અકસ્માતો કે વારંવાર ભૂલા પડી જવાની સ્થિતિ ઉદભવે તો તેની, દર્દીના વર્તનમાં આવેલા ફેરફારોની તેમજ દર્દીની સાથે વાતચીત કરતાં તેનામાં આવેલા મનશ્ચેતાકીય (neuropsychiatric) ફેરફારોની પણ નોંધ લેવામાં આવે છે. દર્દીને વાતાવરણમાં બનતા બનાવો તરફની ભાવશૂન્યતા (apathy), માનસિક ભ્રમણાઓ (hallucinations), ખોટી માન્યતાઓ (delusions), નિદ્રાવિષયક વિકારો, ખિન્નતા, ઉશ્કેરાટ (agitation) અથવા મનોવિકારી ચિંતા (anxiety neurosis) વગેરે વિવિધ મનશ્ચેતાકીય વિકારો થાય છે. દર્દીના મૂળ બૌદ્ધિક અને લાગણીના સ્તરની જાણકારી મેળવાય છે. નિદાન કરનારા તબીબે દર્દી કેટલું ભણેલો છે, તેની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકા (background) કેવી છે તથા તેનો વ્યવસાય, પ્રારંભિક ભાષા અને સામાજિક પૂર્વજીવન કેવું છે તે બધું જ જાણવું જરૂરી ગણાય છે. ભૂતકાળમાં થયેલા શારીરિક, માનસિક અને ચેતાતંત્રીય વિકારો અંગે પણ માહિતી મેળવાય છે અને સંભવિત મનોભ્રંશની દશામાં સાથે બીજા કયા રોગો થયેલા છે તથા તેને માટે અપાયેલી કે અપાતી દવાઓ વગેરે સર્વેની જાણકારી મેળવાય છે. આ બધી માહિતીને સાથે લઈને મનોભ્રંશનું નિદાન કરાય છે.

માનસિક સ્થિતિનું પરીક્ષણ કરવા માટે વિવિધ ગુણાંકન-પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે; દા.ત., માનસિક સ્થિતિનું લઘુપરીક્ષણ, વૃદ્ધાવસ્થાનું ખિન્નતાલક્ષી ગુણાંકન, રોજિંદાં કાર્યો માટેનું કાટ્ઝાનું ગુણાંકન, મનશ્ચેતાલક્ષી પ્રશ્નોત્તરી વગેરે. સારણી 2માં માનસિક સ્થિતિના લઘુપરીક્ષણની વિગતો અને ગુણાંકન દર્શાવ્યાં છે. તેમાં દર્શાવેલ લઘુપરીક્ષણને યોગ્ય પ્રયોગશાળાકીય વાતાવરણમાં જ ઉપયોગમાં લેવાય છે; તે ઓછું ભણેલી, વિદેશી ભાષા બોલતી કે અન્ય સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકામાંથી આવેલી વ્યક્તિમાં પૂરતાં ઉપયોગી નથી. વળી તે ખૂબ થોડી કે અતિશય વિકાર પામેલી વ્યક્તિમાં બિનઅસરકારક રહે છે. તેથી અન્ય પરીક્ષણો જરૂરી બને છે. વળી કોઈ મનશ્ચેતાવિદ (neuropsychiatrist) દ્વારા કરાયેલું મનશ્ચેતાવિદ્યાલક્ષી (neuropsychological) પરીક્ષણ વધુ લાભદાયી ગણાય છે. મનશ્ચેતાલક્ષી પરીક્ષણમાં દર્દી સભાન, જાગ્રત, સહકાર આપનાર અને લાંબો સમય કાગળ-પેન્સિલ વડે કસોટી આપવાની ક્ષમતા ધરાવનાર હોવો જોઈએ. તેથી ઓછું ભણેલા, વાણીદોષ ધરાવતા કે અન્ય ભાષા જાણનાર દર્દીને તપાસવામાં તે ઉપયોગી નથી.

વિવિધ પ્રકારના મનોભ્રંશીય વિકારો કે રોગોમાં વિશિષ્ટ રીતે મગજના જુદા જુદા ભાગમાં અસર પહોંચેલી હોય છે અને તેથી વિવિધ પ્રકારની મનશ્ચેતાકીય ઊણપો (neuropsychiatric deficits) થયેલી જોવા મળે છે. તેથી માનસિક અને ચેતાકીય ઊણપના પ્રકારને આધારે મનોભ્રંશની કયા પ્રકારની તકલીફ થઈ છે તે જાણી શકાય છે. શારીરિક તપાસના ભાગ રૂપે લોહીનું દબાણ મપાય છે તથા હૃદય પર કે મગજને લોહી પહોંચાડતી અને ડોકમાંથી પસાર થતી મસ્તિષ્કી ધમની (carotid artery) પર સ્ટેથોસ્કોપ મૂકીને મર્મરસમ ધ્વનિ ઉદભવેલો છે કે નહિ તે જોઈ લેવાય છે. ઍલ્ઝાઇમરના રોગ સિવાયના અન્ય વિકારોમાં ઘણી વખત ચેતાતંત્રની કેટલીક છૂટીછવાઈ ઊણપો કે કચાશ જોવા મળે છે; પરંતુ ઍલ્ઝાઇમરના રોગમાં તેવું ભાગ્યે જ બને છે; દા.ત., શારીરિક અક્કડતા સાથે મનોભ્રંશ હોય તો તે પાર્કિન્સનનો રોગ (Parkinson’s disease) અથવા નસોના વિકારથી થતો મનોભ્રંશ હોય એવું સૂચવે છે. જો દર્દીને પાર્કિન્સનનો રોગ હોય, મગજની નસોનો વિકાર હોય, મોટા મગજના બાહ્યક(cortex)ની નીચેના વિસ્તારોનો વિકાર હોય તો મનોભ્રંશની સાથે તેની ચાલવાની ઢબમાં પણ વિકારો ઉદભવે છે. નિદાન માટે વિવિધ પ્રયોગશાળાલક્ષી તપાસ કરાય છે; દા.ત., લોહીમાં વીજવિભાજ્યો (electrolytes), યુરિયાનાઇટ્રોજન અને ક્રિયેટિનિનનું પ્રમાણ, લોહીના કોષોની સંખ્યા તથા વિટામિન B12નું સ્તર જાણી લેવાય છે; તેમજ ઉપદંશ (syphilis) માટેની નિદાન-કસોટીઓ, ગલગ્રંથિ(thyroid gland)ની  કાર્યક્ષમતા કસોટીઓ વગેરે પણ કરી લેવાય છે. જો વ્યક્તિમાં એપોલાયપોપ્રોટિન E4 દર્શાવે એવાં જનીનો (એપો-E4) હોય તો ઍલ્ઝાઇમરના રોગની સંભાવના વધે છે. ક્યારેક કરોડસ્તંભના મણકાની વચ્ચે સોય નાંખીને મસ્તિષ્ક-મેરુરજ્જુ-જળ (cerebrospinal fluid, CSF) કાઢીને તપાસ કરવાની જરૂર પડે છે. ચુંબકીય અનુનાદી ચિત્રણ (MRI) કે કમ્પ્યૂટર-સંલગ્ન અક્ષીય આડછેદી ચિત્રણ(સી.એ.ટી.સ્કૅન)ની મદદથી મગજમાં ગાંઠ થયેલી હોય, લોહી ઝમીને તેનો ગઠ્ઠો બનેલો હોય, મગજની નસોનો વિકાર થયેલો હોય કે મગજના કોષોની અપોષી ક્ષીણતા (atrophy) થઈ હોય તો તે જાણી શકાય છે. મગજની કાર્યશીલતા જાણવા માટેની સચિત્ર કસોટીઓ (imaging studies) ઉપલબ્ધ છે; જેમ કે, ધનભારાણુ ઉત્સર્જનલક્ષી આડછેદી ચિત્રણ (positron emission tomography, PET) કે એકધનાણુ ઉત્સર્જનલક્ષી કમ્પ્યૂટર-સંલગ્ન આડછેદી ચિત્રણ (single-photon emission computed tomography, SPECT). PETની મદદથી મગજ ક્રિયાશીલતાનો ઘટાડો અને SPECTની મદદથી મગજના જે તે ભાગના રુધિરાભિસરણમાં ઘટાડો થયો હોય તો તે જાણી શકાય છે. સારણી 1માં દર્શાવેલા વિવિધ વિકારો સાથે નિદાનભેદ કરીને આખરી નિદાન કરાય છે.

સારણી 2 : માનસિક સ્થિતિના લઘુપરીક્ષણની વિગતો અને ગુણાંકન

ક્રમ મનોવિકાર વિગત ગુણાંકન
1. દેશકાળની સભાનતા (orientation) જો દર્દી મહિનો, તારીખ, વર્ષ, દિવસ, ઋતુ, મકાન, તેનો કેટલામો માળ, શહેર, જિલ્લો અને રાજ્ય – એ દસ વિશે જે માહિતી આપે તેના પરથી દરેક સાચા ઉત્તરનો એક એ રીતે ગુણ અપાય છે. 10
2. માનસિક નોંધણી (metnal registration) ‘દડો, ધજા અને વૃક્ષ’ – આ ત્રણ શબ્દો તેને કહો અને તે તેની માનસિક નોંધ લે છે કે નહિ તે જુઓ. ત્યારબાદ તેને તે વિશે પૂછવામાં આવે ત્યારે તે જો સાચો જવાબ આપે તો દરેક સાચા જવાબનો એક ગુણ. 3
3. એકાગ્ર-ધ્યાન (attention) ‘WORLD’ શબ્દની અંગ્રેજી જોડણી આગળથી અને પાછળથી એમ બંને રીતે બોલી બતાવે છે ? 100માં સતત 7 બાદ કરતો રહે છે ? (100–93–86–79–72) બંને પ્રક્રિયા કરીને જે સૌથી વધુ ગુણાંકન આપે તે નોંધો. 5
4. સ્મૃતિ (memory) બીજી કસોટી(નોંધણી)માં કરેલા 3 શબ્દો યાદ છે ? 3
5. ભાષા (language) નામ આપો – પેન અને ઘડિયાળ બતાવી નામ પૂછો. સાચા જવાબનો એક ગુણ. 2
ફરી ફરી બોલો – ‘ના જો’, અને, ‘અથવા’, ‘પણ’. 1
સમજણ પડે છે ? (comprehension) -‘‘કાગળને હાથમાં લઈ અડધો કરાય એમ વાળીને જમીન પર મૂકો.’’ – તેવો આદેશ સમજીને તે કરે છે ? ત્રણે ક્રિયા માટે એક- એક ગુણ. 3
વાંચીને તે પ્રમાણે વર્તો : ‘‘આંખ બંધ કરો.’’ કરે છે ? 1
એક વાક્ય લખો. જાતે એક વાક્ય લખે છે ? 1
6. અંતરનો અંદાજ દર્શાવતી ર્દષ્ટિક્ષમતા એકબીજાને છેદતા બે પંચકોણો દોરીને તેને તેની નકલ કરવા કહો. 1
કુલ 30

ઍલ્ઝાઇમરનો રોગ : અપજનનશીલ વિકારથી થતા મનોભ્રંશનું તે મુખ્ય કારણ છે. સન 1907માં એલોઈ ઍલ્ઝાઇમર (Alois Alzheimer) નામના તબીબે 56 વર્ષની એક સ્ત્રીના મગજનો અભ્યાસ કરીને આ રોગ વિશે પ્રારંભિક માહિતી આપી હતી. આ સ્ત્રી તેના મૃત્યુનાં 5 વર્ષ અગાઉ વિસ્મૃતિ (ભુલકણાપણું) અને મૃત્યુ-વિષયક ખોટી માન્યતાઓ ધરાવતી થઈ હતી. જ્યારે તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરી ત્યારે તે કશું નવું શીખી શકતી ન હતી. તેની ચેતાતંત્રીય તપાસ સામાન્ય હતી. તે પથારીમાં પડી રહેતી હતી. મૃત્યુ પછીના શબપરીક્ષણ(postmortem)માં મગજ પોષણ ઘટવાથી ક્ષીણ થયું હોય એવું, અપોષી ક્ષીણતા (atrophy) ધરાવતું જોવા મળ્યું હતું. પણ તેમાં કોઈ અન્ય વિશિષ્ટ વિકૃતિ કે વિકાર જણાતાં ન હતાં. ઍલ્ઝાઇમરે ખાસ દર્શાવ્યું કે આ વિકાર વૃદ્ધાવસ્થા થાય તે પહેલાંનો છે. ઍમિલ ક્રેપેલિને 1909માં પોતાના પાઠ્યપુસ્તકમાં વૃદ્ધાવસ્થાપૂર્વના મનોભ્રંશ(presenile dementia)ને ઍલ્ઝાઇમરનો રોગ એવું નામ આપ્યું. હાલ વૃદ્ધાવસ્થાજન્ય અને પૂર્વવૃદ્ધાવસ્થાજન્ય એમ બંને પ્રકારના મનોભ્રંશને ઍલ્ઝાઇમરનો રોગ કહે છે. 65 વર્ષથી ઉપરના 10 % લોકોને તે થાય છે અને તે હૃદયરોગ, કૅન્સર અને લકવા પછી ચોથા ક્રમે આવતો મૃત્યુ નિપજાવતો રોગ છે. આ રોગ થવાનાં મહત્વનાં કારણોમાં જનીની વારસો પણ છે અને તેથી જોવા મળ્યું છે કે કેટલાંક કુટુંબોમાં તેનું પ્રમાણ વધુ છે. વળી એક અંડકોષી જોડિયાં ભાઈ-બહેનોમાંથી જો એકને તે થાય તો બીજાને થવાની સંભાવના 40 %થી 60 % જેટલી છે. ઍલ્ઝાઇમરના રોગ સાથે સીધી રીતે સંકળાયેલા 4 જનીનો ઓળખી શકાયા છે. 21મા રંગસૂત્ર પર આવેલો બીટા-એમિલૉઇડ દ્રાવ્યનું ઉત્પાદન કરાવતો જનીન તેમાંનો એક છે. પ્રિસેનિલિન-1 અને પ્રિસેનિલિન-2 નામના જનીનો અનુક્રમે 14મા અને પહેલા રંગસૂત્ર પર આવેલા છે. પ્રિસેનિલિન-1 નામનો જનીન નાની ઉંમરે (35થી 60 વર્ષ) ઍલ્ઝાઇમરનો રોગ કરે છે, જ્યારે પ્રિસેનિલિન-2 જનીનને કારણે થતો રોગ વૉલ્ગા-જર્મન વારસો ધરાવતાં કુટુંબોમાં જોવા મળે છે. ચોથો જનીન 12મા રંગસૂત્ર પર છે, જે મોટી ઉંમરે આ રોગ કરે છે. 19મા રંગસૂત્ર પર એપોE4 નામનો જનીન ઍલ્ઝાઇમર તથા અન્ય ચેતાકીય અપજનનશીલ (neurode- generative) રોગોમાં સક્રિય હોય છે એવું મનાય છે.

દર્દીની વારંવાર તપાસ કરીને ઍલ્ઝાઇમરના રોગનું નિદાન કરાય છે. તેને માટેનાં ગુણવત્તાનાં ધોરણો (criteria) પણ નિશ્ચિત કરાયેલાં છે. શરૂઆતમાં ભુલકણાપણું તથા નવું શીખવામાં પડતી મુશ્કેલી જોવા મળે છે. ક્યારેક શરૂઆતથી જ દેશકાળનું ભાન ઘટે છે. આને કારણે વ્યક્તિ ભૂલી પડી જાય છે. દર્દી નિદ્રા-જાગૃતિના ચક્રમાં વિષમતા અનુભવે છે તેથી તે રાત્રે દિવસની માફક કામ કરે છે. રોજિંદાં કાર્યોમાં ક્ષમતા ઘટે છે. પાછળના તબક્કામાં બૌદ્ધિક કાર્યો પરનું, હલનચલન તથા મળમૂત્રની હાજત પરનું નિયંત્રણ ઘટે છે. ઍલ્ઝાઇમરના રોગની સારવારમાં વિવિધ પાસાંને આવરી લેવાય છે. સારવારમાં દવાઓ અને વર્તનલક્ષી ચિકિત્સાનો સમાવેશ થાય છે. દવાઓ વડે ઍલ્ઝાઇમરના રોગમાં ઉદભવતા દેહધાર્મિક વિકારો તથા તેને કારણે ઉદભવતી શારીરિક અને માનસિક તકલીફો ઘટાડવા પ્રયત્ન થાય છે. દેહધાર્મિક વિકારો ઘટાડવા વિટામિન ઈ તથા કોલિનઈસ્ટરેઝ નામના એક ઉત્સેચકનું કાર્ય ઘટાડતા અવદાબકો (inhibitors) વપરાય છે. ટેક્રિન અને ડોનેપેઝિલ નામના કોલિનઈસ્ટરેઝ અવદાબકોનો હાલ ઉપયોગ કરાય છે. દર્દીના વર્તનને સુધારવા માટે વિવિધ ઔષધો ઉપલબ્ધ છે, પરંતુ તેમના ઉપયોગથી ઉદભવતી આડઅસરોને કારણે વિશેષજ્ઞ તબીબની સંભાળ હેઠળ સારવાર કરવાનું સૂચવાય છે. વર્તનપરિવર્તનના ધ્યેયને ધ્યાનમાં રાખીને દર્દીના વાતાવરણનો અભ્યાસ કરાય છે અને કુટુંબીજનોને યોગ્ય સૂચનો કરાય છે.

એઇડ્ઝમનોભ્રંશ સંકુલ (AIDS-dementia complex) : માનવ પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immunodeficiency virus, HIV)ના ચેપથી થતા રોગમાં રોગપ્રતિકાર કરવાની ક્ષમતા ઘટે એવો એક તબક્કો આવે છે. તેને સંપ્રાપ્ત પ્રતિરક્ષાઊણપશીલ સંલક્ષણ (acquired immunodeficiency syndrome, AIDS) કહે છે. તેમાં ક્યારેક બોધાત્મક (cognitive) તથા હલનચલનલક્ષી કાર્યો ઘટે છે તથા વર્તનમાં પણ બગાડો થાય છે. તેને એઇડ્ઝ-મનોભ્રંશ સંકુલ નામનો વિકાર કહે છે. તેની સારવારમાં મનોભ્રંશ માટેની સારવાર ઉપરાંત ઝિડોવુડિન તથા ડિડેનોસાઇન નામનાં ઔષધો પણ ઉપયોગી થાય છે. હાલ પેન્ટોક્સિફાયલિન તથા મેમેન્ટિન નામની દવાઓ પર પ્રયોગો થઈ રહ્યા છે. એઇડ્ઝના તબક્કામાં ક્યારેક મગજમાં કેટલાક વિષાણુઓના ચેપ લાગે છે તથા ક્યારેક લસિકાર્બુદ (lymphoma) નામનું કૅન્સર પણ થાય છે. તેવા સંજોગોમાં નિદાનભેદ કરવો આવશ્યક બને છે.

મૃગેશ વૈષ્ણવ

શિલીન નં. શુક્લ