મનોમાપનશાસ્ત્ર (Psychometrics)

સંવેદનો, મનોવલણો, પસંદગીઓ અને વ્યક્તિત્વલક્ષણોનાં માપન અને તે માટેની અંકશાસ્ત્રીય પદ્ધતિઓના વિકાસ અને ઉપયોગ સાથે સંબંધ ધરાવતી મનોવિજ્ઞાનની શાખા.

મનોમાપનનો વિકાસ બે દિશામાં થયો છે : મનોભૌતિકશાસ્ત્રમાં અને માનસિક કસોટીઓ અને તુલાઓની રચનામાં. મનોભૌતિક જેવી માપપદ્ધતિઓની મદદથી સંવેદનના અનુભવની સીમા, માંડ માંડ અનુભવાતા તફાવતો અને પ્રત્યક્ષ અનુભવોમાં થતી ભૂલોનું માપન થાય છે. ઉપરાંત ધ્યાન, સ્મૃતિ, લાગણી, મનોવલણો, આવેગો વગેરેનું માપન તેમજ કલાકૃતિઓનું અને વ્યક્તિત્વનું મૂલ્યાંકન પણ શક્ય બન્યું છે. માપનાર વ્યક્તિ ચીવટવાળી હોય અને માપવાનાં સાધન અને પદ્ધતિ ચોકસાઈભર્યાં હોય તો માપન વિશ્વાસપાત્ર બને છે. માપન વસ્તુલક્ષી અને ઝોક વિનાનું હોવું જરૂરી છે.

અંકન(scaling)માં માપપટ્ટીના ભાગરૂપે આંકડાઓનો ઉપયોગ થાય છે. અંકન ચાર કક્ષાએ થઈ શકે : નામાંકન, ક્રમાંકન, મધ્યાંતર-અંકન અને ગુણોત્તર-અંકન. નામાંકનનો હેતુ વસ્તુઓને, વ્યક્તિઓને કે વર્ગોને એકબીજાંથી જુદાં ઓળખવાનો છે. એ માટે સમાન લક્ષણો ધરાવતી વસ્તુઓને એક વર્ગમાં અને જુદાં લક્ષણોવાળી વસ્તુઓને બીજા વર્ગમાં મૂકવામાં આવે છે. દરેક વર્ગને ઓળખવા માટે જુદા જુદા આંકડા અપાય છે. દા.ત., બધા પુરુષોને 0 અને બધી સ્ત્રીઓને 1 આંક અપાય છે. અહીં 0 કે 1 આંક ગુણની ગેરહાજરી કે હાજરી સૂચવતા નથી. તે માત્ર વર્ગને ઓળખવાનો સંકેત બને છે. જો બધા પુરુષોને 1 અને સ્ત્રીઓને 0 આંક આપીએ તોપણ અંકનની ચોકસાઈ ઘટતી નથી. નામાંકનમાં વર્ગીકરણનો સમાવેશ થાય છે. નામાંકનમાં આવર્તનો (frequency), ટકાવારી, બહુલક અને આસંગ સહસંબંધ ગણી શકાય.

જુદી જુદી વસ્તુઓમાં અમુક લક્ષણ વધારે કે ઓછા પ્રમાણમાં છે એવો અંદાજ કાઢી શકાતો હોય ત્યારે એના આધારે વસ્તુઓને ચઢતા કે ઊતરતા ક્રમમાં ગોઠવવી એ ક્રમાંકન છે. દા.ત., કનુ સૌથી ઊંચો, ચીનુ તેનાથી નીચો, ભાનુ ચીનુથી નીચો અને મનુ સૌથી નીચો હોય ત્યારે ઊંચાઈ મુજબ તેમને 1, 2, 3, 4 ક્રમ આપવામાં આવે છે. જો બે કે વધુ વ્યક્તિઓમાં લક્ષણ સરખું જ હોય તો તેમને સરેરાશ ક્રમ આપવામાં આવે છે. દા.ત., 5, 6 અને 7 ક્રમની વ્યક્તિઓમાં સરખા પ્રમાણમાં લક્ષણ હોય તો તેમને દરેકને  ક્રમ અપાય છે. ક્રમાંકનના આધારે આવર્તનો, બહુલક, મધ્યસ્થ, શતાંશક અને આસંગ તેમજ ક્રમલક્ષી સહસંબંધનું માપ નીકળી શકે છે.

મધ્યાંતર અંકન સમાન એકમ ઉપર આધારિત અંકન છે. આમાં સંખ્યાના સમાન તફાવતો લક્ષણનાં આનુભવિક સમાન અંતરો દર્શાવે છે. દા.ત., 70 અને 80 બુદ્ધિઆંક વચ્ચેનું અંતર 90 અને 100 બુદ્ધિઆંક વચ્ચેના અંતર જેટલું હોય છે. પણ આવા અંકનમાં સરવાળા કે બાદબાકીઓ નિરપેક્ષ હોતાં નથી. કેમ કે એમાં શૂન્ય બિંદુ કોઈ મનપસંદ જગ્યાએ મૂકેલું હોય છે, જેથી તે બિંદુએ લક્ષણ અર્દશ્ય થઈ જતું નથી. મધ્યાંતર અંકનમાં આવર્તન, બહુલક, મધ્યસ્થ, મધ્યક, શતાંશક અને સરેરાશ તેમજ પ્રમાણ વિચલન ગણી શકાય છે.

ગુણોત્તર અંકનમાં સમાન અંતરવાળા એકમો ઉપરાંત સ્પષ્ટ અને અર્થપૂર્ણ શૂન્યબિંદુ પણ હોય છે. કોઈ વ્યક્તિને આવા અંકનમાં શૂન્ય આંક મળે તો એ લક્ષણનો વ્યક્તિમાં સંપૂર્ણ અભાવ જ હોય છે. વ્યક્તિની ઊંચાઈ કે વજનનાં માપો ગુણોત્તર અંકનમાં હોય છે. આમાં લક્ષણના ગુણોત્તરો ચોકસાઈથી ગણી શકાય છે. ચીનુની ઊંચાઈ 75 સેમી. અને તેની માતાની ઊંચાઈ 150 સેમી. છે; તેથી ચીનુ તેની માતા કરતાં અડધી (½) ઊંચાઈ ધરાવે છે. મનુ 90 સેમી. અને તેના પિતા 180 સેમી. ઊંચા છે. તેથી મનુ તેના પિતા કરતાં અડધો (½) ઊંચો છે. આમ બંનેના ગુણોત્તરો સરખા છે. જે વિગતો કે વસ્તુઓનાં આવર્તનો ગણી શકાય તેને અંગે પણ ગુણોત્તર અંકન થઈ શકે.

નિરપેક્ષ સીમા અને ભેદક સીમાનું માપન : જ્ઞાનેન્દ્રિયોની શક્તિને મર્યાદા હોય છે. ઉત્તમ શ્રવણશક્તિવાળા માણસને પણ બધા અવાજો સંભળાતા નથી. આંતરકર્ણમાં દાખલ થયેલું અવાજનું મોજું તેને ઉત્તેજિત કરવા જેટલા દબાણવાળું હોય તો જ ધ્વનિ સંભળાય.

વારંવાર રજૂ કરેલા ઉદ્દીપકને 50 % રજૂઆતોમાં ઓળખી શકાય તે ઉદ્દીપકને નિરપેક્ષ સીમા કહે છે. એ જ રીતે બે ઉદ્દીપકો વચ્ચેનો જે તફાવત 50 % રજૂઆતોમાં તફાવત તરીકે ઓળખી શકાય તેને ભેદક સીમા કહે છે.

ઉદ્દીપક અને સંવેદનના સંબંધ વિશે વેબરનો નિયમ જાણીતો છે. એ નિયમ કહે છે કે જો ઉદ્દીપકમાં ચોક્કસ ગુણોત્તર પ્રમાણે વધારો થાય તો જ સંવેદનમાં વધારો અનુભવાય છે. દા.ત., સાંભળેલા અવાજ અંગેનો વેબર ગુણોત્તર  છે. તેથી પહેલા અવાજની તીવ્રતા 20 ડેસિબેલની હોય, તો તેમાં ડેસિબેલ ઉમેરવાથી થતો 22 ડેસિબેલનો અવાજ વધારે મોટો સંભળાય છે. પહેલો અવાજ 40 ડેસિબેલનો હોય તો બીજો અવાજ 41, 42 કે 43 ડેસિ.નો હોય ત્યાં સુધી તફાવતનો અનુભવ થતો નથી. પણ એટલે કે 44 ડેસિબેલનો અવાજ 40 ડે.ના અવાજ કરતાં મોટો સંભળાય છે.

જુદા જુદા સંવેદનપ્રકારો માટેના આવા ગુણોત્તરો આ પ્રમાણે છે: સ્વાદ ગંધ ત્વચાનું દબાણ  , અવાજની બુલંદતા , ત્વચા પર ગરમી કે ઠંડીનું સંવેદન , ઊંચકેલા વજનનો ભાર  , ઉજ્જ્વળતા , રેખાની લંબાઈ અને સ્વરની કક્ષા (pitch)  . (નાનો ગુણોત્તર ચડિયાતી સંવેદનશીલતા સૂચવે છે.)

તુલ્યતાનો આત્મગત અનુભવ : ઘણી વાર બે વસ્તુઓ ખરેખર સરખી ન હોય છતાં આપણને સરખી દેખાય છે. આને તુલ્યતાનો આત્મગત અનુભવ કહે છે. એને માપવા માટે વ્યક્તિને બે અસમાન વસ્તુઓ વારંવાર બતાવવામાં આવે છે. તેને એ બે વસ્તુઓ ક્યારે તદ્દન સરખી દેખાય છે તે નોંધીને એની સરેરાશ ગણવામાં આવે છે. દા.ત., 10 સેમી. લંબાઈની પ્રમાણભૂત રેખા સાથે સરખાવવા માટે 8થી 12 સેમી. સુધીની વિવિધ લંબાઈની તુલના-રેખાઓ રજૂ કરવામાં આવે છે. ધારો કે એક વ્યક્તિને નીચેની તુલના-રેખાઓ પ્રમાણભૂત રેખા જેટલી જ લાંબી દેખાય છે : 9.6, 10.5, 10.2, 11.2, 10.8, 10.7, 10.0, 11.3, 11.0, 10.7 . એનો સરવાળો 106 અને સરેરાશ 10.6 સેમી. થાય. તેથી 10 સેમી.ની પ્રમાણભૂત રેખા અંગે વ્યક્તિનો તુલ્યતાનો આત્મગત અનુભવ 10.6 સેમી.નો કહેવાય.

સરેરાશ ભૂલની રીત : વ્યક્તિ સમક્ષ બે અસમાન ઉદ્દીપકો રજૂ કરાય છે : એક સ્થિર અને બીજું પરિવર્તનશીલ. વ્યક્તિએ પરિવર્તનશીલ ઉદ્દીપકને બંને ઉદ્દીપકો તદ્દન સરખાં લાગે એ રીતે બદલવાનું હોય છે. દા.ત., નીચેની મ્યુલરલાયક આકૃતિમાં આડી રેખાનો સ્થિર ભાગ 4 સેમી. છે અને ડાબી બાજુએ આવેલો છે. ટપકાં વડે દર્શાવેલ પરિવર્તનશીલ ભાગની લંબાઈ વધારી કે ઘટાડી શકાય છે. વ્યક્તિએ આકૃતિના ખસતા ભાગને એવા સ્થાને ગોઠવવાનો હોય છે જેથી તેને બંને આડી રેખાઓ સરખી લંબાઈની દેખાય. મોટાભાગના માણસોને આમાં ર્દષ્ટિભ્રમ થાય છે, તેથી તેમને પરિવર્તનશીલ ભાગ ખરેખર છે તેના કરતાં વધારે લાંબો દેખાય છે, તેથી તેને 3.5 સેમી. લાંબી પરિવર્તનશીલ રેખા, 4 સેમી. લાંબી સ્થિર રેખા જેટલી જ લાંબી દેખાય છે. આમ તેના નિર્ણયમાં 0.5 સેમી.ની ભૂલ આવે છે. આવું કાર્ય 40 વખત કરાવીને દરેક વખતે અંદાજમાં થતી ભૂલ નોંધી તેની સરેરાશ ગણવામાં આવે છે.

સરેરાશ ભૂલને વિશ્વાસપાત્ર રીતે માપવા માટે સ્થિર રેખાને ડાબી તેમજ જમણી તરફ સરખી વખત રજૂ કરવી જોઈએ; અને પરિવર્તનશીલ ભાગને બહારના છેડાથી આકૃતિના કેન્દ્ર તરફ, તેમજ કેન્દ્રથી બાહ્ય છેડા તરફ, બંને દિશામાં સરખી વખત ખસેડવો જોઈએ. ડાબી અને જમણી તરફના પ્રયત્નોમાં થયેલી સરેરાશ ભૂલોનો તફાવત સ્થાનભૂલ કહેવાય છે. બે વિરોધી દિશામાં થયેલાં હલનચલન દરમિયાન થયેલી સરેરાશ ભૂલોનો તફાવત ચલનભૂલ કહેવાય છે. આ રીતનો ઉપયોગ રંગ, ઉજ્જ્વળતા, સ્વરકક્ષા વગેરેના નિર્ણયોના માપનમાં થાય છે.

સીમા પદ્ધતિ વડે નિરપેક્ષ સીમા અને ભેદક સીમાનું સીધું માપન થાય છે. નિરપેક્ષ સીમા (ઉંબર) માપવા માટે વ્યક્તિ સામે એક ઉદ્દીપક જુદી જુદી તીવ્રતામાં રજૂ કરવામાં આવે છે. ઊતરતા ક્રમમાં ઉદ્દીપકની તીવ્રતામાં ક્રમશ: ઘટાડો કરવામાં આવે છે. ચડતા ક્રમમાં વધારો કરવામાં આવે છે. જ્યારે સંવેદન થાય ત્યારે વ્યક્તિએ હા કહેવાનું હોય છે; ન થાય ત્યારે ના કહેવાનું હોય છે. ઊતરતા ક્રમમાં વ્યક્તિના છેલ્લા ‘હા’ અને પહેલા ‘ના’ જવાબનું ઉદ્દીપકમૂલ્ય નોંધી તેના તફાવતનું મધ્યબિંદુ ગણવામાં આવે છે. તેને નિરપેક્ષ ઉંબર કહે છે.

ઊ = ઊતરતો ક્રમ, ચ = ચડતો ક્રમ, + = અવાજ સંભળાયો, = અવાજ ન સંભળાયો.

નિરપેક્ષ ઉંબર  = = 13  ઊ. ક્રમનો ઉંબર =  = 13.5  ચ. ક્રમનો ઉંબર =  = 12.5

આ પદ્ધતિમાં નિર્ણય આપતી વખતે વ્યક્તિ ટેવ અને અપેક્ષાથી જ દોરવાઈ જાય છે. એથી ઊપજતી ભૂલોને કાબૂમાં લેવા માટે ઊતરતા અને ચડતા ક્રમોનું પ્રતિસમતુલન કરવામાં આવે છે.

ભેદ ઉંબર માપવા માટે બે (1 સ્થિર અને 1 પરિવર્તનશીલ) ઉદ્દીપકો રજૂ કરવામાં આવે છે. સ્થિર ઉદ્દીપકની તુલનામાં પરિવર્તનશીલ ઉદ્દીપક તીવ્ર (+) કે મંદ (–) લાગ્યું તે વ્યક્તિએ કહેવાનું હોય છે. + અને – વચ્ચેના પરિવર્તનશીલ ઉદ્દીપકમૂલ્ય અને સ્થિરમૂલ્ય વચ્ચેનો તફાવત ભેદક ઉંબર ગણાય છે.

સ્થિર ઉદ્દીપકોની પદ્ધતિ મનોભૌતિક માપનની અત્યંત ચોક્કસ પદ્ધતિ છે. નિરપેક્ષ ઉંબર માપવા માટે 5 કે 7 ઉદ્દીપકો પસંદ કરીને એ દરેકને વ્યક્તિ સમક્ષ 50 કે વધારે વખત રજૂ કરવામાં આવે છે. રજૂઆતના ક્રમ યચ્છ (random) હોય છે. દર વખતે વ્યક્તિએ કહેવાનું હોય છે કે તેને સંવેદન થયું (+) કે નહિ (–). જે ઉદ્દીપક- મૂલ્યની 50 % રજૂઆતોમાં વ્યક્તિને સંવેદન થાય તેને નિરપેક્ષ ઉંબર ગણવામાં આવે છે. ક્રમ યચ્છ હોવાથી ટેવની ભૂલ અને અપેક્ષાની ભૂલ નિયંત્રણમાં રહે છે.

આ પદ્ધતિ વડે ભેદક ઉંબર માપવા માટે 1 સ્થિર ઉદ્દીપક અને 1 પરિવર્તનશીલ તુલનાઉદ્દીપક જોડીમાં રજૂ કરવામાં આવે છે. તુલનાઉદ્દીપકનું જે મૂલ્ય 50 % રજૂઆતોમાં વ્યક્તિને ઉદ્દીપકો વચ્ચે રહેલા તફાવતનું ભાન કરાવે તે મૂલ્ય અને સ્થિર ઉદ્દીપકના મૂલ્ય વચ્ચેના તફાવતને ભેદ ઉંબર ગણવામાં આવે છે. દા.ત., 100 ગ્રામ અને 90 ગ્રામ વજનો વચ્ચેના તફાવતનું 50 % પ્રયત્નોમાં વ્યક્તિને જ્ઞાન થાય, તો 100–90 = 10 ગ્રામનો તફાવત ભેદ ઉંબર ગણાય.

મનોભૌતિક પદ્ધતિઓ વડે અવાજની તીવ્રતા કે વસ્તુની લંબાઈ જેવાં ભૌતિક પરિમાણોનાં માપ મળે છે. હવે પછીની મનોવૈજ્ઞાનિક તુલામાપન પદ્ધતિઓમાં માનસિક પરિમાણોનાં માપ મળે છે. તુલામાપન પદ્ધતિઓમાં ક્રમાંકન, યુગ્મતુલના વગેરે રીતોનો સમાવેશ થાય છે.

ક્રમાંકન રીત : આ રીતમાં ક્રમ આપનારા નિર્ણાયકો નક્કી કરવામાં આવે છે. દરેક નિર્ણાયકને વસ્તુઓ(કે વ્યક્તિઓ, જેને ક્રમ આપવાનો હોય તે)ની યાદી આપવામાં આવે છે. કયા લક્ષણને આધારે ક્રમ આપવાનો છે તે તેમને જણાવવામાં આવે છે. દા.ત., વીસ અરજદારોને તેમની ચપળતાના આધારે ક્રમો આપવાના હોય છે. (સૌથી વધુ ચપળને પહેલો ક્રમ અને સૌથી ઓછા ચપળ અરજદારને છેલ્લો ક્રમ એ રીતે.) અનેક નિર્ણાયકોએ આપેલા ક્રમોનો સરવાળો કરીને તે ઉપરથી દરેક વસ્તુનો સરેરાશ ક્રમ ગણી શકાય છે. દા.ત., રંગોની પસંદગીનો ક્રમ જાણવા માટે ચાર નિર્ણાયકોને, ચાર રંગોને ક્રમ આપવાનું કહેવામાં આવે છે.

જો નિર્ણાયકો 10 કરતાં વધારે હોય તો દરેક વસ્તુને દરેક ક્રમે કેટલી વાર મૂકવામાં આવી એનાં આવર્તન પણ ગણી શકાય છે.

આ રીત સરળ હોવાથી એનો વ્યવહારમાં વ્યાપક ઉપયોગ થાય છે. પંદર, વીસ કે વધારે વસ્તુઓનું ક્રમાંકન થઈ શકે છે.

યુગ્મતુલના રીત : આ રીતનો ઉપયોગ પણ વસ્તુઓનો (અમુક લક્ષણના આધારે) ક્રમ નક્કી કરવા માટે થાય છે. પણ આ રીતમાં વસ્તુઓને જોડીમાં રજૂ કરી તેની સરખામણીના આધારે ક્રમ નક્કી કરવામાં આવે છે. તુલના માટે લીધેલી વસ્તુઓ વૈવિધ્યપૂર્ણ હોવી જોઈએ.

જેને ક્રમ આપવાના હોય તે દરેક વસ્તુને વારાફરતી બાકીની દરેક વસ્તુ સાથે જોડીમાં રજૂ કરવામાં આવે છે. નિર્ણાયકે એ બે વસ્તુને સરખાવીને બેમાંની કઈ વસ્તુ બીજી વસ્તુ કરતાં ચડિયાતી જણાય છે (દા.ત., લાલ અને લીલા રંગોમાંથી તેને કયો રંગ વધારે આકર્ષક લાગે છે) તે કહેવાનું હોય છે. જો સરખાવવાની વસ્તુઓની સંખ્યા N હોય તો એની જેટલી જોડીઓ બને છે; દા.ત., 5 વસ્તુઓ હોય, તો તેની 10 જોડી બને; 15 વસ્તુઓની  જોડી બને.

જોડીનું પુનરાવર્તન કરવાનું થાય ત્યારે બે વસ્તુઓને ઊલટા ક્રમમાં રજૂ કરવી જરૂરી છે. દા.ત., પહેલી રજૂઆતમાં લાલ રંગને ડાબી બાજુ અને ભૂરા રંગને જમણી બાજુ દર્શાવીએ, તો બીજી રજૂઆતમાં ભૂરા રંગને ડાબી અને લાલ રંગને જમણી બાજુએ બતાવવો જોઈએ. એ જ રીતે એક વખત પ્રથમ ક્રમે વાંસળી અને બીજા ક્રમે શરણાઈનો સ્વર સંભળાવીએ, તો બીજી વખત પ્રથમ ક્રમે શરણાઈ અને બીજા ક્રમે વાંસળી સંભળાવવી જોઈએ. જોડીની ક્રમિક રજૂઆત વખતે એ જ વસ્તુની તરત ફરી રજૂઆત કરવી જોઈએ નહિ. દા.ત., લાલ-લીલો રંગ દર્શાવ્યા પછી પીળો-ભૂરો રંગ બતાવી શકાય; પણ લાલ-લીલા પછી તરત જ લાલ-ભૂરો દર્શાવી શકાય નહિ. (લાલ રંગનું તરત પુનરાવર્તન કરવાથી એના તરફ અણગમો પેદા થાય છે.) પરિણામની ચકાસણી કાઈ-વર્ગ કસોટી વડે થઈ શકે છે. દા.ત., દરેક રંગને કુલ કેટલી વાર પસંદ કરવામાં આવ્યો તે ગણ્યા પછી પસંદગી-સંખ્યાના આધારે ક્રમ અપાય; અને પસંદગીના તફાવતની સાર્થકતા ગણી શકાય.

યુગ્મતુલનાની રીતમાં ઘણા શ્રમ અને સમયનો ઉપયોગ કર્યા પછી મર્યાદિત માહિતી જ મળે છે. જો વસ્તુઓની સંખ્યા 15થી વધે તો આ રીતનો અમલ કરવો મુશ્કેલ બને છે. આ રીતનો ઉપયોગ ભાવાત્મક અને સૌન્દર્યલક્ષી બાબતો(દા.ત, રંગો, આકારો, કળાના નમૂના, સંગીતના સ્વરો અને તરજો, ગંધો, સ્વાદો, સાહિત્યકૃતિઓ અને વ્યક્તિની કાર્ય માટેની યોગ્યતા વગેરે)ના માપન માટે થાય છે.

મધ્યાંતર અંગેના નિર્ણયો ઉપર આધારિત માપન : આવું માપન દ્વિભાજનની રીત અને સમાન જણાતા અંતરની રીત વડે થાય છે.

દ્વિભાજનની રીતમાં એક મનોવૈજ્ઞાનિક પરિમાણ (dimension) ઉપર આવેલા અંતરના બે સરખા ભાગ કરવાનું વ્યક્તિને કહેવામાં આવે છે. દા.ત., તેની સામે એક મંદ અને એક તીવ્ર ઉદ્દીપક રજૂ થાય છે. તેણે એ બે ઉદ્દીપકોની બરોબર વચ્ચેનું એવું ત્રીજું ઉદ્દીપક શોધવાનું હોય છે, જેથી ઉદ્દીપક 1 અને ઉદ્દીપક 3 વચ્ચેનો તફાવત બરોબર ઉદ્દીપક 3 અને ઉદ્દીપક 2 વચ્ચેના તફાવત જેટલો જ થાય. આવા અનેક (ઓછામાં ઓછા દસ) અંદાજો કરાવીને તેની સરેરાશ કાઢવામાં આવે છે.

આ રીતે બીજી, ત્રીજી વગેરે કક્ષાનું દ્વિભાજન પણ કરાવી શકાય. દા.ત., વ્યક્તિએ પાડેલા બે ભાગમાંથી દરેક ભાગના બે બે સરખા ભાગ પાડવાનું એને કહી શકાય (દ્વિભાજનનું દ્વિભાજન).

આ જ રીતે, આપેલા અંતરના ત્રણ, ચાર કે પાંચ ભાગ પાડવાનું પણ કહી શકાય.

અનુભવી અને તાલીમ પામેલ વ્યક્તિ સંવેદનના આવા સૂક્ષ્મ ભાગો પાડી શકે છે, જોકે તેના એ નિર્ણયોમાં થોડી ભૂલ પણ આવે છે.

સમાન જણાતા અંતરની રીત : વ્યક્તિને જુદી જુદી તીવ્રતાનાં ઉદ્દીપકો (દા.ત., અવાજો) વારંવાર આપવામાં આવે છે. આ ઉદ્દીપકને તીવ્રતાની ષ્ટિએ એકબીજાથી સરખે અંતરે આવેલા વર્ગોમાં એણે વહેંચવાનાં હોય છે. દા.ત., વર્ગ 1 : અત્યંત ધીમો અવાજ, વર્ગ 2 : ધીમો, વર્ગ 3 : મધ્યમ, વર્ગ 4 : બુલંદ, વર્ગ 5 : અત્યંત બુલંદ અવાજ. દરેક અવાજ દસ વખત સંભળાવવામાં આવે, તો આ રીતે મળેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી શકાય.

તીવ્રતાનાં સમાન અંતરો ધરાવતા અવાજના પાંચ વર્ગો

જો વર્ગ 1 ને 1, વર્ગ 2ને 2, વર્ગ 3ને 3, વર્ગ 4ને 4, વર્ગ 5ને 5 મૂલ્ય આપીએ તો વ્યક્તિએ દરેક અવાજનું આંકેલું તુલામૂલ્ય (scale value) આ પ્રમાણે ગણાય : અવાજ 1 : (1 × 5) + (2 × 2) + (3 × 2) + (4 × 1) + (5 × 0) = 5 + 4 + 6 + 4 + 0 = 19. સરેરાશ =  = 3.8. એ રીતે અવાજ 2નું સરેરાશ મૂલ્ય 4.2, અવાજ 3નું 4.8, અવાજ 4નું 7.4 અને અવાજ 5નું મૂલ્ય 9.0 થાય. બધા અવાજોનું સંયુક્ત સરેરાશ મૂલ્ય 5.84 થાય.

સમાન જણાતાં મધ્યાંતરોની રીતના વિવિધ ઉપયોગો થાય છે. વ્યક્તિઓ, જૂથો, સંસ્થાઓ, સામાજિક પ્રથાઓ, આર્થિક કે રાજકીય નીતિઓ વગેરે વિશે લોકોનાં મનોવલણો માપવા માટે આ એક કાર્યક્ષમ રીત છે. ચિત્રો, ડિઝાઇનો, હસ્તાક્ષરો, સાહિત્યકૃતિઓ, સંગીતની રચનાઓ વગેરેનું અંકન (scaling) કરવામાં પણ એનો ઉપયોગ થાય છે.

ગુણોત્તર નિર્ણયો ઉપર આધારિત માપનરીતો : એક સંવેદન બીજા સંવેદન કરતાં ‘અડધું છે’ કે ‘બેગણું છે’ એવા નિર્ણયોને ગુણોત્તર નિર્ણયો કહે છે. એના માપન માટે બહુવિધ ઉદ્દીપકોની રીત, અંશીકરણની રીત, સ્થિર સરવાળાની રીત, ક્રમશ: કોટિની રીત અને ત્રણ (કે ચાર) ઉદ્દીપકોની રીતનો ઉપયોગ થાય છે.

બહુવિધ ઉદ્દીપકોની રીતમાં વારાફરતી બે-બે ઉદ્દીપકો દર્શાવાય છે. વ્યક્તિએ એ બે વચ્ચે રહેલા ગુણોત્તરનો અંદાજ કરવાનો હોય છે. દા.ત., કાગળ ઉપર 6, 8, 12, 16, 24 એમ વિવિધ સંખ્યામાં ટપકાં દર્શાવાય છે. પહેલી કરતાં ત્રીજી કે ચોથી સંખ્યા કેટલાગણી છે તે વ્યક્તિએ એક જ સેકન્ડમાં કહેવાનું હોય છે. અથવા પ્રકાશનો ઝબકારો 1 સેકંડમાં 1થી માંડીને 14 વખત દર્શાવાય છે. તેમાં પણ પહેલી વાર કરતાં બીજી વાર જોયેલા ઝબકારાની સંખ્યા કેટલાગણી છે તે કહેવાનું હોય છે. પાણીમાં ખાંડ વધતા-ઓછા પ્રમાણમાં ઓગાળીને વ્યક્તિને ચખાડવામાં આવે છે. વ્યક્તિએ પહેલા કરતાં બીજું દ્રાવણ કેટલાગણું ગળ્યું છે તે અંદાજવાનું હોય છે.

અંશીકરણની રીતમાં પ્રમાણભૂત ઉદ્દીપક રજૂ કરીને વ્યક્તિને કહેવામાં આવે છે કે એણે આ ઉદ્દીપકના ચોક્કસ ભાગ કે અંશ જેટલું બીજું ઉદ્દીપક શોધવાનું છે. દા.ત., પહેલાં વ્યક્તિ 100 ગ્રામનું પ્રમાણભૂત વજન ઊંચકે છે. પછી અન્ય વજનોમાંથી એણે એવું વજન શોધવાનું હોય છે જેનો ભાર 100 ગ્રામના વજન કરતાં અડધો લાગે. આ રીતે  ભારવાળાં વજનો એણે શોધવાનાં હોય છે.

સ્થિર સરવાળાની રીતમાં વ્યક્તિએ બે ઉદ્દીપકો વચ્ચેનો ગુણોત્તર એવા બે આંકડા વડે અંદાજવાનો હોય છે જેથી એ બે આંકડાનો સરવાળો હંમેશાં 100 થાય. દા.ત., 75—25 (પહેલું ઉદ્દીપક બીજા કરતાં ત્રણગણું છે). 60—40 (પહેલું બીજા કરતાં દોઢું છે).

ક્રમશ: કોટિની રીતમાં નિર્ણય આપવા માટેની, ક્રમશ: વધતા કે ઘટતા જતા મૂલ્યવાળા વર્ગો(કોટિઓ)ની પદ્ધતિઓ વ્યક્તિને સમજાવવામાં આવે છે. પછી એણે દરેક ઉદ્દીપકને એની તીવ્રતા પ્રમાણે યોગ્ય વર્ગમાં મૂકવાનું હોય છે. દા.ત., અભિનયની ગુણવત્તા પ્રમાણે નીચેના 7 વર્ગો પાડવામાં આવે છે : 7 : સર્વોત્તમ, 6 : ચડિયાતો, 5 : સારો, 4 : સામાન્ય, 3 : ઊતરતો, 2 : નબળો, 1 : તદ્દન નકામો. પછી વ્યક્તિએ વિવિધ નટોના અભિનયનું મૂલ્ય ઉપરમાંથી એક કોટિ(વર્ગ)માં દર્શાવવાનું હોય છે. આમાં આલેખની પદ્ધતિ મદદરૂપ બને છે.

ત્રણ કે ચાર ઉદ્દીપકોની રીત : આ રીતમાં ક ખ ગ ત્રણ ઉદ્દીપકો ત્રણ વખત રજૂ કરવામાં આવે છે. પહેલી વાર ખ અને ગમાંથી કયું ઉદ્દીપક ‘ક’ જેવું લાગે છે તે કહેવાનું હોય છે. બીજી વાર ક અને ગમાંથી કયું ‘ખ’ જેવું લાગે છે તે અને ત્રીજી વાર ક અને ખમાંથી કયું ‘ગ’ જેવું લાગે છે તે કહેવાનું હોય છે.

મૂલ્યાંકનતુલા (rating scale) : આ રીતમાં, પહેલેથી નક્કી કરેલી આંકડાની, આલેખની કે અન્ય પદ્ધતિ વડે વિવિધ વસ્તુઓને, અનુભવોને કે વ્યક્તિઓને મૂલ્ય અપાય છે. આંકડાકીય મૂલ્યાંકનમાં, આપેલા વર્ણન પ્રમાણે દરેક વસ્તુના મૂલ્યના આંકડા નક્કી કરી દર્શાવવાના હોય છે. દા.ત., તમે કરેલા પ્રવાસનો અનુભવ કેવો રહ્યો ? ઉત્તર : ખૂબ સુખદ (+3), મધ્યમ સુખદ (+2), હળવા પ્રમાણમાં સુખદ (+1), નહિ સુખદ કે નહિ દુ:ખદ (0), હળવા પ્રમાણમાં દુ:ખદ (—1), મધ્યમ પ્રમાણમાં દુ:ખદ (—2), અત્યંત દુ;ખદ (—3). આલેખીય તુલામાં મૂલ્ય આલેખની રેખાની લંબાઈ વડે દર્શાવવાનું હોય છે. દા.ત., તમે કેટલા વાતોડિયા છો ?        ઉત્તર

સતત વાતો કરનારો…………………………………………….

સહેલાઈથી વાતચીત કરનારો……………………………….

ખપ પૂરતું જ બોલનારો……………………………………….

મોટેભાગે સાંભળનારો………………………………………….

લગભગ તદ્દન મૌન રહેનારો………………………………..

જો વસ્તુઓને એક કરતાં વધારે લક્ષણોમાં મૂલવવાની હોય તો પહેલાં બધી વસ્તુઓને એક લક્ષણ પ્રમાણે મૂલવવી જોઈએ. પછી તે બધીને બીજા લક્ષણમાં મૂલવવી જોઈએ. એમ કરવાથી ભૂલો ઘટે છે.

સૂચિ પદ્ધતિમાં, વસ્તુઓનાં બધાં જ મુખ્ય લક્ષણોની સૂચિ બનાવવામાં આવે છે. દરેક મૂલ્યાંકનકારે દરેક વસ્તુને લાગુ પડતાં લક્ષણોની સામે ખરાની નિશાની (√) કરવાની હોય છે. જરૂર હોય તો લક્ષણનું મૂલ્ય (દા.ત., તીવ્ર હોય તો 3, મધ્યમ = 2, અલ્પ = 1) પણ આપવામાં  આવે છે અથવા ઇષ્ટ લક્ષણ માટે (+) અને અનિષ્ટ લક્ષણ માટે (—) નિશાની કરવામાં આવે છે.

પરાણે પસંદગી વડે અંકન(forced choice technique)માં વસ્તુ કે વ્યક્તિ અંગે બે કે વધારે એવાં વિધાનો આપવામાં આવે છે જે ઉપરછલ્લી રીતે (વસ્તુ કે) વ્યક્તિ માટે સરખાં અનુકૂળ લાગે છે. પણ એમાંનું એક જ વિધાન ખરેખર ઇષ્ટ હોય છે, જ્યારે બાકીના વિકલ્પો અપ્રસ્તુત (અથવા અનિષ્ટ) હોય છે. દા.ત., કૅશિયરની નોકરીનો આ ઉમેદવાર (ક) કાળજી વિનાનો છે (અનિષ્ટ વિકલ્પ) (ખ) નિષ્ઠાવાન છે (ઇષ્ટ વિકલ્પ) (ગ) સ્ફૂર્તિલો છે (અપ્રસ્તુત વિકલ્પ).

આ પદ્ધતિ મૂલ્યાંકનની ઘણી ભૂલોને કાબૂમાં રાખે છે. મૂલ્યાંકન કરનારા નિર્ણાયકોનાં કેટલાંક લાક્ષણિક વલણોને લીધે મૂલ્યાંકનમાં ભૂલો થાય છે : (1) ઉદારતાનું વલણ; (2) અતિ કડક મૂલ્યાંકનનું વલણ; (3) મધ્યવર્તી વલણ : આવા નિર્ણાયકો યોગ્ય કિસ્સામાં પણ ઊંચાં કે નીચાં મૂલ્યો આપતા નથી; બધા જ લોકોને સરેરાશ મૂલ્ય આપે છે; (4) જાણીતી વ્યક્તિને ઊંચાં અને અજાણી વ્યક્તિને નીચાં મૂલ્ય આપવાનું વલણ.

જો મૂલ્યાંકન કરનાર બુદ્ધિશાળી હોય, જો તેને મૂલ્યાંકનમાં રસ હોય, જો તેને પૂરતો સમય મળે, જેનું મૂલ્યાંકન કરવાનું છે એ વ્યક્તિ જોડે જો તે સામ્ય ધરાવતો હોય, જો મૂલ્યાંકન કરનારને એ લક્ષણની સ્પષ્ટ સમજ આપીને મૂલ્યાંકનની તાલીમ અપાય તો મૂલ્યાંકન વધુ ચોક્કસ બને છે.

મનોવૈજ્ઞાનિક કસોટીઓ વડે બુદ્ધિ, વિશિષ્ટ માનસિક શક્તિ, અભિરુચિ અને વ્યક્તિત્વનાં લક્ષણો કે પરિમાણોનું માપન થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી રચેલી હોવાથી તે વિશ્વસનીય હોય છે (તેના વડે મળતા માપમાં ફેર પડતો નથી) અને યથાર્થ હોય છે (તે નક્કી કરેલ લક્ષણનું શુદ્ધ માપ મળે છે). લાયકાતવાળી અનુભવી વ્યક્તિ પ્રમાણિત કરેલા વાતાવરણમાં કસોટીનું સંચાલન કરે છે અને યોગ્ય માનાંકો(norms)ની મદદથી વ્યક્તિના પ્રાપ્તાંકોનું સાચું અર્થઘટન આપે છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે