મનહર નટકલા મંડળ (સ્થાપના : 15 સપ્ટેમ્બર 1959) : મનહરલાલ તુળજાશંકર જોશીની વ્યવસાયી નાટ્યમંડળી. શ્રી મનહર નટકલા મંડળ જેવા નાના મંડળે 1960માં દામનગર(જિ. અમરેલી)માં હરિભાઈ પટેલ-લિખિત ‘વીર માંગડાવાળો’ નાટકના કિટસન લૅમ્પના અજવાળે સળંગ 100 પ્રયોગો કરીને વ્યવસાયી રંગભૂમિના ઇતિહાસમાં યશસ્વી પ્રકરણ ઉમેર્યું. માંગડાવાળાની મુખ્ય ભાવવાહી ભૂમિકા મનહરલાલ જોશીએ ભજવી હતી. નાટક ખૂબ જ લોકપ્રિયતા પામ્યું હતું.
જામનગરમાં આ સંસ્થા દ્વારા મધુસૂદન આચાર્ય-લિખિત ‘મંગલમૂર્તિ’ નાટકના સળંગ 115 પ્રયોગ અને કવિ પરમાનંદ ત્રાપજકર-રચિત સામાજિક નાટક ‘વઢકણી વહુ’ના સળંગ 111 પ્રયોગ થયા હતા.
આ સંસ્થાએ ભજવેલાં અન્ય નાટકોમાં ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘સિરાજુદૌલા’, ‘માલવપતિ મુંજ’, ‘હંસાકુમારી’, ‘કાદરબક્ષ મકરાણી’, ‘લાખો ફુલાણી’, ‘વડીલોના વાંકે’, ‘શેઠ સગાળશા’, ‘દાનવીર કર્ણ’, ‘રાજા હરિશ્ર્ચંદ્ર’, ‘સળગતો સંસાર’, ‘અધિકારી’, ‘સો ટચનું સોનું’, ‘સતી રાણકદેવી’, ‘વીર પસલી’, ‘પાનેતરનો રંગ’, ‘પૈસો બોલે છે’, ‘માયા ને મમતા’, ‘મોટા ઘરની વહુ’, ‘ઈશ્વરે ઘર બદલ્યું’, ‘સર્વોદય’ વગેરે સારી ખ્યાતિ પામ્યાં હતાં.
ધીરેન્દ્ર સોમાણી