મનસૂર, મલ્લિકાર્જુન (જ. 31 ડિસેમ્બર 1910, મનસૂર, ધારવાડ; અ. 12 સપ્ટેમ્બર 1992, ધારવાડ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક કલાકાર. પિતાનું નામ ભીમરાયપ્પા તથા માતાનું નામ નીલમ્મા હતું. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ ધારવાડમાં મેળવ્યા બાદ ઔપચારિક શિક્ષણને તિલાંજલિ આપીને સંગીતના અધ્યયનમાં જ મન પરોવ્યું.
તેમણે શરૂઆતની સંગીતતાલીમ ગ્વાલિયર ઘરાનાની લીધી હતી. બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકરના શિષ્ય નીલકંઠબુવા અલૂરમઠ એમના ગુરુ. એમની પાસેથી ગ્વાલિયર ગાયકીની ખૂબીને આત્મસાત્ કર્યા બાદ તેમણે મુંબઈ, કોલકાતા, નાગપુર, દિલ્હી વગેરે શહેરોનો પ્રવાસ કરીને પોતાની કલાની રજૂઆત કરવાની શરૂઆત કરી. ત્યારબાદ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુર ઘરાનાના વિખ્યાત ગાયક ઉસ્તાદ મંજીખાં પાસે તાલીમ શરૂ થઈ. મંજીખાં અને મલ્લિકાર્જુન મનસૂર વચ્ચે જે ઉત્કટ પ્રેમભર્યો ગુરુશિષ્યનો નાતો હતો તેવો અન્યત્ર ઘણો ઓછો જોવા મળે. મંજીખાં લાંબું જીવ્યા નહિ. પણ તેમના છેવટના દિવસોમાં તેમને ખાતરી થઈ ગઈ હતી કે પોતાનું ગાયન તથા નામ મલ્લિકાર્જુન દ્વારા જીવંત રહેશે. અત્રૌલી-જયપુર તથા ગ્વાલિયર બંને ઘરાનાની ગાયકીનો સમન્વય મલ્લિકાર્જુનજીના ગાયનમાં થયો. તેઓ મુખ્યત્વે ખયાલગાયક હોવા છતાં ઠૂમરી, નાટ્યસંગીત, ભજન, કવન વગેરેના પણ જાણકાર હતા અને શરૂઆતની કારકિર્દીમાં તેની પોતાના ગાયનમાં રજૂઆત પણ કરતા હતા.
કન્નડ સાહિત્યની ‘વચન’ અને ‘રગડે’ ગદ્યશૈલીને સંગીતશૈલીમાં ઢાળીને લોકપ્રિય બનાવવાનું બહુમૂલ્ય કામ પણ તેમણે કર્યું હતું. કેટલોક સમય ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીમાં મ્યૂઝિક ડિરેક્ટર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. ‘ચંદ્રહાસ’ ચલચિત્રનું સંગીતનિર્દેશન પણ તેમણે કર્યું હતું. બિલાવલ, તોડી, બિહાગ, કાનડા તથા મલ્હાર તેમના પ્રિય રાગો હતા. કઠિન રાગને પણ સહજતાથી તેઓ રજૂ કરી શકતા હતા. શ્રોતાઓને હેરત પમાડે તેવી તાનો તેઓ ગાતા હતા. તેને લીધે મૃત્યુંજય સ્વરયોગી તરીકે અને ‘સશ્રદ્ધ ગાનપરંપરામાંના તાર ષડ્જ’ તરીકે તેઓ તેમના પ્રશંસકોમાં ઓળખાતા હતા.
શાસ્ત્રીય સંગીતક્ષેત્રે લાંબી કારકિર્દી દરમિયાન તેમને ‘સંગીત-રત્ન’, ‘ગંધર્વ-રત્ન’, મધ્યપ્રદેશ સરકાર પુરસ્કૃત કાલિદાસ સન્માન, ‘પદ્મવિભૂષણ’ વગેરે માનખિતાબોથી સન્માનવામાં આવ્યા હતા. તેમને 1972માં સંગીત નાટક અકાદમી તરફથી પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
તેમના બહોળા શિષ્યવર્ગમાં તેમના પુત્ર રાજશેખર મનસૂર વિશેષ ઉલ્લેખનીય છે.
નીના ઠાકોર