મનસુખલાલ મજીઠિયા (1993) : લાભશંકર ઠાકરની લાક્ષણિક નાટ્યકૃતિ. તેમાં માણસ ઓગળીને નિ:શેષ વિલોપન પામે તેવી તરંગ-લીલા(fantasy)નો વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે. મૂળે સ્વયં લેખક દ્વારા લીલાનાટ્યરૂપે ભજવાયેલું આ નાટક કોઈ પણ જાતના અંકવિભાજન વિના કુલ 6 ર્દશ્યોમાં વહેંચાયેલું છે. પ્રથમ ર્દશ્યમાં પોતાના જ નામધારી એક પુરુષે લૉજમાં કોઈ જુવાન સ્ત્રી પર બળાત્કાર કરી તેની ચપ્પા વડે હત્યા કરી નાખી છે એવા છાપામાં સમાચાર વાંચી, અત્યંત મૃદુ અને સંવેદનશીલ સ્વભાવના મનસુખ મજીઠિયાને કારમો આઘાત લાગે છે અને પોતાના નામ પ્રત્યે સખત નફરત થઈ જાય છે એટલે તે પોતાની નેમપ્લેટ ભૂંસી નાંખે છે, ટેલિફોન ડિરેક્ટરીમાંથી પોતાના નામનું પાનું ફાડી નાંખે છે. બીજા ર્દશ્યમાં મનસુખલાલ ઘરમાંથી તમામ છરી-ચપ્પા જેવાં તીક્ષ્ણ હથિયારોને ભઠ્ઠીમાં નાંખી ઓગાળી નાંખવાની ઉન્માદ-અવસ્થા સુધી પહોંચી જાય છે. ત્રીજા ર્દશ્યમાં તે ડૉક્ટરને પોતાનાં આંગળી-અંગૂઠા કાપી નાંખવા વીનવે છે. આમ, નાટકનાં પ્રથમ 3 ર્દશ્યોમાં મનસુખલાલની નામહીન-સંજ્ઞાહીન થઈ જવાની પ્રક્રિયા નિરૂપાઈ છે, તો છેલ્લાં 3 ર્દશ્યોમાં મનસુખલાલનાં અંગો ધીરે ધીરે ઓગળતાં જાય અને છેવટે શેષ રહેલો પિંડ પણ સર્વથા નિ:શેષ થઈ જાય એ પ્રકારની તરંગલીલા દ્વારા મનસુખલાલની ક્રમશ: દેહહીન અને મગજહીન થઈ જવાની પ્રક્રિયા નિરૂપાઈ છે. પોતે યોજેલી આ પ્રયુક્તિની અસરકારકતા માટે નાટ્યકારે બાકીનું બધું તદ્દન સરળ, સ્વાભાવિક અને રોજિંદી ઢબે આલેખ્યું છે. નામ ભૂંસી નાંખવું વગેરે જેવું મનસુખલાલનું આંતરવર્તન અને સ્વયં ઓગળતા જવાની ક્રિયાને બીજાં બધાં પાત્રોનાં વાસ્તવિક મન-વચન-કર્મ સાથે સાંકળી લીધાં છે. એક પાત્રમાં થતા ચમત્કારિક પરિવર્તન દ્વારા કૃતિનો વિકાસ અને છેવટે બાકીનાં પાત્રો દ્વારા મુખ્ય પાત્ર પરત્વે સર્જાયેલી પરિસ્થિતિનો સ્વાભાવિક સ્વીકાર એ પ્રકારનું, ‘વૃક્ષ’ એકાંકીમાં જોવા મળતું સંવિધાન  નાટ્યકારે અહીં પણ યોજ્યું છે. સદ્-અસદ્ એ માનવમનના જ આવિર્ભાવો છે એવું ર્દઢપણે માનનાર લાભશંકર, ‘મનસુખલાલ’માં ઓગળતા જતા માણસના અંતરંગને પામવાની નેમ ધરાવતા હોવા છતાં અંતિમ ર્દશ્યોમાંનું કોઈ ર્દશ્ય ઓગળતા જતા મનસુખલાલની વેદનાને નિરૂપતું નથી તે નોંધવું ઘટે.

મનસુખલાલ ઓગળીને વિલુપ્ત થઈ જાય એવી કપોલકલ્પિત ઘટનાને થિયેટરના વાસ્તવિક સત્યરૂપે નિરૂપતા આ નાટકનો પ્રતિભા અગ્રવાલે કરેલો હિંદી અનુવાદ 1982માં પ્રગટ થયો હતો. અમદાવાદમાં નિમેષ દેસાઈએ, વડોદરામાં નમ્રતા વ્યાસે, મુંબઈમાં સુરેશ રાજડાએ તથા કલકત્તામાં શિવકુમાર જોષીએ આ નાટકના અનેક સફળ રંગમંચપ્રયોગો કર્યા છે.

મહેશ ચંપકલાલ શાહ