મનરંગ (અઢારમી સદીમાં હયાત) : શાસ્ત્રીય ગાયક. સદારંગના પુત્ર અને શિષ્ય. તેમનું સાચું નામ ભૂપતખાં હતું, પરંતુ ‘મનરંગ’ના ઉપનામથી તેઓ સંગીતના ક્ષેત્રમાં વધુ જાણીતા બન્યા છે. તેમના જીવનકાળ વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઇતિહાસકારોના મત મુજબ, તેઓ દિલ્હીના બાદશાહ મુહમ્મદશાહના જમાના(1719–48)માં થઈ ગયા છે. આ અભિપ્રાય અનુસાર ‘મનરંગ’ અઢારમી સદીના કલાકાર ગણાય. તેમણે ઘણી બંદિશોની રચના કરી છે, જેમાંથી કેટલીક આજે પણ જયપુરના ગાયકોમાં પ્રચલિત છે.
તેમના બે પુત્રો હતા : જીવનશાહ અને પ્યારખાં. પ્યારખાં વીણાના વાદક હતા. નાનપણમાં બળદગાડાની નીચે તેનો હાથ અકસ્માતે આવી જતાં તેના જમણા હાથની તર્જની કપાઈ ગઈ હતી; પરંતુ મનરંગે તેની કપાઈ ગયેલી આંગળીમાં એક લાંબો મિજરાબ દાખલ કરી તેને ફરી વીણાવાદન માટે પૂર્વવત્ તૈયાર કર્યો હતો એવી કિંવદંતી છે. આ બનાવને કારણે પ્યારખાં ‘અંગલીકટ’ નામથી જાણીતા બન્યા હતા.
રાગ લલિતમાં મનરંગે રચેલી બંદિશ ‘પિયુ પિયુ રટત પપીહરા બોલે’ ખૂબ લોકપ્રિય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે