મનમોહનસિંહ (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, જેલમ જિલ્લો [હાલના પાકિસ્તાનમાં]) : અર્થશાસ્ત્રના સમર્થ વિદ્વાન, ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિના પ્રખર પુરસ્કર્તા તથા ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી. પિતા ગુરુમુખસિંહ તથા માતા અમૃતકૌર. ભારતના વિભાજન વખતે તેમનું કુટુંબ પાકિસ્તાનથી ભારત આવી પંજાબમાં સ્થિર થયું. પંજાબ યુનિવર્સિટીમાંથી અને ત્યારબાદ કૅનબેલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવીઓ મેળવી. ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી પણ પ્રાપ્ત કરી. તદુપરાંત, 1956માં તેમને ઍડમ સ્મિથ પ્રાઇઝ ઑવ્ કેમ્બ્રિજ મળ્યું અને 1957માં યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજના રેનબરી સ્કૉલર ચૂંટાયા.

ભારત આવી વ્યાવસાયિક કારકિર્દી માટે શિક્ષણક્ષેત્ર પસંદ કર્યું. 1957થી ’59 સુધી પંજાબ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વ્યાખ્યાતા, 1959થી ’63 સુધી રીડર અને 1963થી ’65 સુધી પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી. 1966થી ’69 સુધી તેમણે અંકટાડ(UNCTAD)ના સભ્ય તરીકે સેવાઓ આપી. 1969થી ’71 દરમિયાન દિલ્હી સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં પ્રાધ્યાપક રહ્યા અને અર્થશાસ્ત્રના સઘન અભ્યાસને લીધે ભારત સરકારનું ધ્યાન તેમની તરફ ખેંચાતાં 1972થી ’76 સુધી  ભારત સરકારના નાણાવિભાગના આર્થિક સલાહકાર તરીકે તેમની નિમણૂક થઈ. 1976થી ’80 દરમિયાન તેઓ નાણાવિભાગના સેક્રેટરી નિમાયા. આ પછી 1980થી ’82 સુધી આયોજન પંચના સભ્ય અને સેક્રેટરી, 1982માં રિઝર્વ બૅંકના ગવર્નર તથા 1985થી ’87 સુધી આયોજન પંચના નાયબ અધ્યક્ષ રહી આ તમામ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી દ્વારા સફળ ટેક્નોક્રૅટ પુરવાર થયા. 1987થી ’90 દરમિયાન જિનીવા ખાતેના ધ સાઉથ કમિશનના સેક્રેટરી-જનરલ તરીકે જવાબદારી વહન કરી. 1990થી ’91 દરમિયાન ભારત સરકારની આર્થિક સલાહકાર સમિતિના ચૅરમૅન તથા એટૉમિક એનર્જી કમિશન અને સ્પેસ કમિશનના સભ્ય રહ્યા. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅંક ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર રહ્યા. કૉમનવેલ્થના સેક્રેટરીજનરલ નિમાયા. આ સમગ્ર કારકિર્દી દરમિયાન ભારતની આર્થિક સ્થિતિ અંગે વખતોવખત તેઓ પોતાના વિચારો નિર્ભીક રીતે વ્યક્ત કરતા રહ્યા.

મનમોહનસિંહ

1991માં ભારત સરકારના નાણાપ્રધાન તરીકે તેમની નિમણૂક થતાં તેમની કારકિર્દીનો નવો અધ્યાય શરૂ થયો. તેઓ આસામમાંથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયા. દેશને લેણ-દેણની તુલાની કટોકટીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો તથા દેશમાં આર્થિક ઉદારીકરણની નીતિનો પાયો નાંખ્યો. ફુગાવાને અંકુશિત કરી ઉત્પાદકતાને વેગ આપ્યો અને વિદેશી હૂંડિયામણની વ્યવહારુ નીતિ જેવાં અનેક આર્થિક પગલાં દ્વારા મૂડીનું ધોવાણ અટકાવી બહુરાષ્ટ્રીય એકમોને ભારતમાં આવકારવાની નીતિ સ્વીકારી દેશના અર્થતંત્રને નવો વળાંક આપ્યો. દીર્ઘર્દષ્ટિ ધરાવતા, કાર્યક્ષમ પ્રામાણિક અને નિ:સ્વાર્થ નાણાપ્રધાન તરીકે પ્રજામાનસમાં તેઓ આદરભર્યું સ્થાન પામ્યા. આથી કૉંગ્રેસ પક્ષની પ્રતિભા પણ કંઈક અંશે સુધરી. કેન્દ્રીય અંદાજપત્રક રજૂ કરતી વેળાએ અર્થતંત્રના આંકડાઓની રજૂઆતની શુષ્કતાને હળવી કરવા માટે તેઓ શેરો-શાયરીનો સહારો લઈ અંદાજપત્રની રજૂઆતને રસપ્રદ બનાવતા. રૂઢ અર્થમાં રાજકારણી ન હોય તેવી વ્યક્તિ તરીકે તેમની અલગ છબી ઊપસી. તેનાથી પ્રેરાઈને તેમને કૉંગ્રેસ પક્ષની કારોબારી સમિતિના સભ્ય નીમવામાં આવ્યા.

1998માં કેન્દ્રમાં ભાજપાના નેતૃત્વ હેઠળની સરકાર રચાતાં તેઓ રાજ્યસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા બન્યા. 1999માં દક્ષિણ દિલ્હીના મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી-ઉમેદવારી કરી, પરંતુ એમાં તેમને સફળતા સાંપડી નહોતી.

રક્ષા મ. વ્યાસ