મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ

January, 2002

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ : મગફળી અંગેનાં સંશોધનો સાથે સંબંધિત સંસ્થા. ભારતમાં ગુજરાત રાજ્યની ગણના એક તેલીબિયાં-રાજ્ય તરીકે ઘણાં વર્ષોથી થાય છે. ગુજરાતના કુલ 105 લાખ હેક્ટરના વાવેતર-વિસ્તારમાંથી દર વર્ષે 30થી 32 લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થાય છે. તેમાંથી લગભગ 90 % વિસ્તારમાં એટલે કે 20થી 22 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવે છે. આમ ગુજરાત રાજ્યના કુલ વાવેતર-વિસ્તારના 20 % વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે. આ પાક ભારતમાં વીસમી સદીની શરૂઆતમાં દાખલ થયો હતો. મોટા વિસ્તારમાં વવાતા અગત્યના આ પાક માટે 1956માં જૂનાગઢ ખાતે તેલીબિયાં સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. તેનો મુખ્ય હેતુ તેલીબિયાં પાકોની વધુ ઉત્પાદન આપતી જાતો અને તેની શસ્ય ઉત્પાદન તકનીકી (crop production technology) વિકસાવવાનો હતો. ત્યારબાદ આ કેન્દ્રનું રાજ્ય-સરકાર અને ભારત સરકારની વિવિધ સંશોધન યોજનાઓ દ્વારા વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું.

પાકસંવર્ધન, શસ્યવિજ્ઞાન, પાકસંરક્ષણ, પાકદેહધર્મવિદ્યા, જનીનવિજ્ઞાન અને જીવરસાયણશાસ્ત્ર જેવા વિષયોમાંની બહુલક્ષી યોજનાઓ દ્વારા આ પાકના સંશોધન પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં આ કેન્દ્ર સાથે સંકળાયેલી સંશોધન યોજનાઓ સારણી 1 માં આપવામાં આવી છે.

સારણી 1 : મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢની સંશોધન યોજનાઓ

અનુ. નં. યોજનાનું નામ નાણાકીય સહાય શરૂ થયાનું વર્ષ
1. અખિલ ભારતીય સંકલિત મગફળી સંશોધન યોજના આઇ. સી. એ. આર. 1961–62
2. અખિલ ભારતીય સંકલિત દિવેલાં સંશોધન યોજના આઇ. સી. એ. આર. 1961–62
3. અખિલ ભારતીય સંકલિત કૃષિ સંશોધન યોજના આઇ. સી. એ. આર. 1985–86
4. પ્રજનક બીજ ઉત્પાદન યોજના આઇ. સી. એ. આર. 1987–88
5. ક્રૉપ કાસ્ટર બાય મિશન મોડ એપ્રોચ અન્ડર એન. એ. ટી. પી. આઇ. સી. એ. આર. 1962–63
6. તેલીબિયાં સંશોધન યોજના રાજ્ય સરકાર 1965–66
7. નૅશનલ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ પ્રૉજેક્ટ રાજ્ય સરકાર 1982–83
8. સ્ટ્રેન્ગ્ધનિંગ રિસર્ચ ઇન ઑઇલ સીડ રાજ્ય સરકાર 1985–86

સંશોધનનું માળખું : ગુજરાત રાજ્યમાં મગફળીના પાકની સંશોધન કામગીરી માટે રાજ્યના કૃષિ-આબોહવાકીય પ્રદેશ (agro-climatic zone)નું માળખું તૈયાર કરવામાં આવેલ છે. તેની વિગત સારણી 2માં આપવામાં આવી છે.

સારણી 2 : ગુજરાત રાજ્યમાં મગફળીના પાકની સંશોધન કામગીરી માટેના કૃષિઆબોહવાકીય પ્રદેશ

1. મુખ્ય સંશોધન કેન્દ્ર મગફળી સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ
2. પેટાકેન્દ્રો મગફળી સંશોધન કેન્દ્ર, માણાવદર, (સૌરાષ્ટ્ર)
મગફળી સંશોધન કેન્દ્ર, કોડીનાર (સૌરાષ્ટ્ર)
મગફળી સંશોધન કેન્દ્ર, અમરેલી (સૌરાષ્ટ્ર)
મગફળી સંશોધન કેન્દ્ર, જામનગર (સૌરાષ્ટ્ર)
મગફળી સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર (બનાસકાંઠા)
મગફળી સંશોધન કેન્દ્ર, તલોદ (સાબરકાંઠા)
મગફળી સંશોધન કેન્દ્ર, આણંદ (મધ્ય ગુજરાત)
મગફળી સંશોધન કેન્દ્ર, નવસારી (દક્ષિણ ગુજરાત)

સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ : મુખ્ય મગફળી સંશોધન કેન્દ્રમાં વિવિધ વિષયોમાં સંશોધનની કામગીરી થાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે :

(1) મગફળી પાકસંવર્ધન : મગફળીના પાકમાં સંકરણ-પસંદગી અને ચકાસણી દ્વારા પાક-સુધારણાની કામગીરી કરવામાં આવે છે. તેના પરિણામે ઊભડી મગફળીની જાતો જેવી કે જૂનાગઢ–11, જીજી–2, જીજી–3, જીજી–4, જીજી–5 અને જીજી–6 વિકસાવી સામાન્ય વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અર્ધવેલડી મગફળીની જાત જીજી–20 તેમજ વેલડી મગફળીની જાતો જેવી કે જીએયુજી–10, જીજી–12, જીજી–13 તૈયાર કરી, સામાન્ય વાવેતર માટે રાજ્યમાં તેમની ભલામણ કરવામાં આવેલ છે.

(2) મગફળી શસ્યવિજ્ઞાન : આ સંશોધનકાર્ય હેઠળ રાજ્યમાં મગફળી ઉગાડતા વિવિધ વિભાગો માટે વાવેતરનો સમય, વાવણીનું અંતર, બીજનો દર, ખાતરનું પ્રમાણ, પિયત-વ્યવસ્થા, નીંદામણ-વ્યવસ્થા વગેરે ખેતીપદ્ધતિ અંગે સંશોધન કરી જરૂરી ભલામણો કરવામાં આવે છે.

(3) પાકસંરક્ષણ : આ સંશોધનકાર્યમાં મગફળીના પાકમાં આવતા વિવિધ પ્રકારના રોગો અંગે, કીટકોના નિયંત્રણ માટે રાસાયણિક, જૈવિક પદ્ધતિઓ વિકસાવીને ખેડૂતોને તેમની ભલામણ કરવામાં આવે છે.

(4) મગફળી દેહધર્મવિદ્યા : આ સંશોધનકામગીરીમાં શીતઅવરોધકતા, શુષ્કતાઅવરોધકતા, સુષુપ્તાવસ્થા અંગેનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવામાં આવે છે.

(5) બ્રીડર બીજ ઉત્પાદન : ગુજરાત રાજ્યમાં અંદાજે 20 લાખ હેક્ટરમાં જે મગફળીનું વાવેતર થાય છે તેના
10 % મુજબ બીજ ફેરબદલી કરવામાં આવે તો 30 લાખ ક્વિન્ટલ, પ્રમાણિત બિયારણ તૈયાર કરવા માટે 3,000 ક્વિન્ટલ બ્રીડર-કક્ષાના બિયારણની જરૂરિયાત રહે. આ બિયારણ પાકસંવર્ધનના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કેન્દ્રો ઉપર તૈયાર કરી, પ્રમાણિત બીજ તૈયાર કરનાર બીજ-ઉત્પાદકોને આપવામાં આવે છે.

(6) પાકનિદર્શનો : નવી ભલામણ કરવામાં આવેલ મગફળીની જાતો અને તેમની ખેતીપદ્ધતિ અંગેની જાણકારી ખેડૂતોને પ્રત્યક્ષ રીતે મળી રહે તે માટે ખેડૂતોના ખેતર ઉપર જ આવાં મોટા પાયા ઉપરનાં પાક-નિદર્શનો ગોઠવવામાં આવે છે.

પ્રકાશભાઈ સામજીભાઈ ભરોડિયા