મધ્યરાત્રિનો સૂર્ય : પૃથ્વીના ધ્રુવીય પ્રદેશમાં અમુક સમયગાળા દરમિયાન ચોવીસે કલાક દેખાતા સૂર્ય માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઉત્તર ધ્રુવપ્રદેશ ખાતે વર્ષના છ મહિના માટે સૂર્ય અસ્ત પામતો જ નથી. આ ગાળો આશરે 20 માર્ચથી 23 સપ્ટેમ્બર વચ્ચેનો હોય છે; એ જ રીતે દક્ષિણ ધ્રુવપ્રદેશ ખાતે તે 23 સપ્ટેમ્બરથી 20 માર્ચ વચ્ચેનો હોય છે. ધ્રુવથી જેમ અંતર વધતું જાય તેમ આ સમયગાળામાં સૂર્યપ્રકાશના કલાકો ઘટતા જાય છે; ઉત્તર ધ્રુવવૃત્ત પર 21મી જૂનની આજુબાજુ આ સમયગાળો માત્ર કેટલાક દિવસો પૂરતો જ મર્યાદિત હોય છે, એ જ રીતે દક્ષિણ ધ્રુવવૃત્ત પર 21મી ડિસેમ્બરની આજુબાજુ આ સમયગાળો માત્ર એક કે બે દિવસ પૂરતો જ મર્યાદિત હોય છે.

મધ્યરાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ દેખાવાની આ પ્રકારની સ્થિતિ સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરતી હોવાને કારણે તેમજ પૃથ્વીની ધરી કાયમ માટે એક દિશા તરફ નમેલી રહેતી હોવાને કારણે ઉદભવે છે. વર્ષ દરમિયાન છ મહિના માટે જ્યારે એક ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોય ત્યારે બીજો ધ્રુવ સૂર્યથી વિરુદ્ધ દિશામાં નમેલો હોય છે. સૂર્ય તરફ નમેલા ભાગને સૂર્યપ્રકાશ મળે છે, જ્યારે બીજા ભાગને સૂર્ય-પ્રકાશ મળતો હોતો નથી. પૃથ્વી સૂર્યની આસપાસ ફરવાની સાથે સાથે તે ધરી પર પણ ફરે છે. આ રીતે પૃથ્વીની ભ્રમણગતિને લીધે નિયમિત આંતરગાળા માટે સૂર્ય વારાફરતી ઊગતો અને આથમતો દેખાય છે, અને એ રીતે દિવસ અને રાત્રિ થતાં હોય છે.

ઉપરના પ્રથમ ચિત્રમાં ઉત્તર અમેરિકાના કેટલાક ભાગ સહિતનો ઉત્તરધ્રુવીય પ્રદેશ સૂર્યપ્રકાશિત છે, જ્યારે બીજા (નીચેના) ચિત્રમાં ઉત્તરધ્રુવીય પ્રદેશ સૂર્યપ્રકાશિત હોવા છતાં પૃથ્વીના ભ્રમણને લીધે ઉત્તર અમેરિકાનો પ્રદેશ સૂર્યપ્રકાશથી દૂર જતો રહેલો જણાય છે.

પૃથ્વીની ધરી કક્ષાની સપાટી સાથે નમેલી હોવાથી સૂર્યની આસપાસ ફરતી વખતે ધરીની પ્રત્યેક સ્થિતિ, અન્ય સ્થિતિઓ સાથે સરખું અંતર રાખતી હોવાથી દિવસ-રાત્રિની લંબાઈ વિષુવવૃત્તથી જે તે ધ્રુવ તરફ જતાં વધે છે અથવા ઘટે છે. સમગ્ર વર્ષ દરમિયાન વિષુવવૃત્ત ઉપર લગભગ બાર કલાકનો દિવસ અને બાર કલાકની રાત્રિ રહે છે. તેનાથી વિરુદ્ધ ધ્રુવો પર વારાફરતી છ માસનો દિવસ અને છ માસની રાત્રિ હોય છે. આ સ્થિતિ જે તે ધ્રુવ પ્રમાણે શાશ્વત દિવસ કે શાશ્વત રાત્રિ તરીકે ઓળખાય છે. ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર ધ્રુવ સુધીના પ્રદેશમાં દિવસની લંબાઈ ચોવીસ કલાકથી વધુ હોવાથી ત્યાં મધ્યરાત્રિએ પણ સૂર્ય પ્રકાશતો દેખાય છે. તેથી આવા પ્રદેશો મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. મધ્યરાત્રિનો સૂર્ય શાશ્વત દિનવાળા ધ્રુવપ્રદેશમાં જ દેખાય છે. ઉત્તર ગોળાર્ધમાં માનવવસ્તીવાળા ઉત્તર નૉર્વેના કેટલાક ભાગોમાં આ સમયે મધ્યરાત્રિએ પણ સૂર્ય ક્ષિતિજ પર દેખાય છે. તેથી આ પ્રદેશને ‘મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ’ની ઉપમા મળેલી છે.

નીતિન કોઠારી