મધ્યરંગી ખડકો (mesocratic rocks) : રંગ પર આધારિત વર્ગીકૃત–અગ્નિકૃત ખડકો પૈકીનો પ્રકાર. જે અગ્નિકૃત ખડકમાં 30થી 60 ટકા ઘેરા રંગનાં ખનિજો હોય તેને મધ્યરંગી ખડક કહેવાય, અર્થાત્ આછા(શુભ્ર)રંગી અને ઘેરારંગી ખડકો વચ્ચેનું રંગનિદર્શન કરતો ખડક. ખાસ કરીને, આવા ખડકો, અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા ‘આછારંગી’ અને ‘ઘેરારંગી’ પૂર્વગોની વચ્ચેની કક્ષા દર્શાવતા હોય છે. મૅગ્માજન્ય સ્વભેદનની ક્રિયા થાય ત્યારે લોહ-મૅગ્નેશિયમયુક્ત, ભારે, વધુ ઘનતાવાળાં, ઘેરા રંગવાળાં ખનિજો શરૂઆતમાં અને ફેલ્સ્પાર-સિલિકાયુક્ત, હલકાં, ઓછી ઘનતાવાળાં, આછા રંગવાળાં ખનિજો છેલ્લે સ્ફટિકીકરણ પામતાં હોય છે. આ રીતે તૈયાર થતા ખડકોને રંગ મુજબ અલગ પાડી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા