મધુસૂદનદાસ : રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ કવિ. મૂળ ઇટાવા(જિ. ઇટાવા)ના નિવાસી માથુર ચોબે મધુસૂદનદાસના ‘રામાશ્વમેધ’ નામે એક માત્ર રચના ઉપલબ્ધ થઈ છે જેનાથી એમની ભારે ખ્યાતિ થઈ છે. કોઈ ગોવિંદદાસ નામની વ્યક્તિની પ્રેરણાથી તેમણે ઈ. સ. 1782માં આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ પદ્મપુરાણના પાતાલખંડમાં વર્ણિત રામાશ્વમેઘના કથાનક પર આધારિત છે. એમાં લંકાવિજય પછી અયોધ્યા પાછા વળતાં નંદિગ્રામમાં ભરત સાથે રામની ભેટ, અયોધ્યા આગમન, રાજ્યાભિષેક, અશ્વમેધયજ્ઞનો ઉપક્રમ, શત્રુઘ્નનું યજ્ઞના અશ્વ સાથે દિગ્વિજય કરવા પ્રસ્થાન, વીરમણિ દ્વારા હયગ્રહણ, શત્રુઘ્નને મૂર્ચ્છા, હયમોક્ષ, સુરથ દ્વારા યજ્ઞના ઘોડાનું બંધન, રામ-સુરથ સંવાદ, લવ-કુશ ઉત્પત્તિ, યુદ્ધ નિવારણ, સીતારામ સમાગમ, યજ્ઞપૂર્તિ વગેરે પ્રસંગોનું વિસ્તૃત તેમજ રોચક વર્ણન ‘રામચરિતમાનસ’ની શૈલીએ રચાયું છે. ભાષા અવધી છે પણ વ્રજ પ્રદેશમાં આ કૃતિ રચાઈ હોવાથી સ્થાનિક ભાષાનો પણ પ્રભાવ પડ્યો છે. કાવ્યસૌષ્ઠવ તેમજ પ્રબંધકુશળતા અર્થાત્ પ્રસંગ-ગૂંથણીની દૃષ્ટિએ મધુસૂદનદાસની આ કૃતિ રામચરિતમાનસ સાથે એટલી તો મળતી આવે છે કે એ જાણે રામચરિતમાનસનું પરિશિષ્ટ હોય એમ માનવા આપણને પ્રેરે છે. હકીકતે અશ્વમેધયજ્ઞ પ્રસંગ પર આ પહેલાં અને આ કૃતિની રચના થયા પછી પણ અનેક કવિઓએ આ અંગે રચનાઓ કરી છે, પરંતુ એ કૃતિઓ આ કૃતિની ઊંચાઈને સ્પર્શી શકવા સમર્થ નથી એમ સ્પષ્ટ પ્રતીત થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ