મધુરકો : ખાંડ (સૂક્રોઝ) કરતાં વધુ ગળપણવાળા કુદરતી અથવા સંશ્લેષિત પદાર્થો. મધુરકોના મુખ્યત્વે બે વિભાગ છે : (અ) પોષક (nutritive) મધુરકો તથા (બ) બિનપોષણક્ષમ (non-nutritive) મધુરકો.
પોષક મધુરકોમાં શેરડીની ખાંડ, ફળોની શર્કરાઓ, મધ વગેરેનો સમાવેશ થાય છે. બિનપોષણક્ષમ મધુરકોનું ગળપણ ખાંડના મુકાબલે ઘણું વધુ હોવા છતાં તેનું કૅલરી-મૂલ્ય નહિવત્ હોય છે. કેટલાક કિસ્સાઓમાં તે ગળપણ વધારનાર કે ઉત્પન્ન કરનાર પદાર્થ તરીકે વર્તે છે.
સંશ્લેષિત મધુરકોની શરૂઆત આકસ્મિક રીતે સાઇક્લામેટ સંયોજનોની શોધથી થઈ. કૅલ્શિયમ અથવા સોડિયમ સાઇક્લોહેક્ઝાઇલ સલ્ફામેટ ખૂબ જ ગળ્યા, બિનકૅલરીક્ષમ, બિન વિષાળુ સંશ્લેષિત મધુરક છે; જે ખોરાકમાં તથા પીણાંઓમાં વ્યાપક રીતે વપરાય છે. 1937માં યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉયના ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી માઇકલ સ્વેડા સલ્ફામિક ઍસિડના વ્યુત્પન્નો બનાવી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે તેમણે સિગારેટ લૅબોરેટરીના ટેબલ ઉપર મૂકી દીધી. ફરી જ્યારે તેમણે સિગારેટ પીવાનું શરૂ કર્યું ત્યારે તે ખૂબ ગળપણવાળી જણાઈ. આ ગળપણનું કારણ એ ટેબલ ઉપર ઢોળાયેલ સાઇક્લોહેક્ઝાઇલ સલ્ફામેટ નામનું પ્રવાહી હતું. સ્વેડા ડૂ પૉન્ટ કંપનીમાં જોડાયા અને 1941માં તેમણે એબૉટ લૅબોરેટરી માટે આ સંશ્લેષિત મધુરક બનાવ્યું. પ્રથમ સંશ્લેષિત મધુરક જનતા માટે 1950માં એબૉટ લૅબોરેટરીએ ‘સુકેરિલ’ નામે બજારમાં મૂક્યું. ત્યારબાદ તો અનેક સંશોધકો તથા કંપનીઓએ મધુરકોની શોધમાં ઝંપલાવ્યું અને આજે ઘણાં મધુરકો જાણીતાં બન્યાં છે.
નીચેની સારણીમાં મધુરકોની ગળપણની ર્દષ્ટિએ સરખામણી દર્શાવી છે :
મધુરકોની ગળપણક્ષમતા
સંયોજન | ગળપણક્ષમતા | |
(અ) પોષક | સૂક્રોઝ | 1 |
(બ) બિન-પોષક | સોડિયમ સાઇક્લામેટ | 30 |
એસ્પાર્ટેમ | 180–200 | |
ડલ્સીન અથવા પૅરા-ફિનિટાઇલ યુરિયા (p. phenetylurea) અથવા પૅરા-ઇથૉક્સિફીનાઇલયુરિયા | 250 | |
સૅકેરિન સોડિયમ | 550 | |
પેરિલ્લાલ્ડૉક્ઝાઇમ (વિપક્ષ) | 2,000 | |
થાઉમૅટિન (thaumatin) | 3,000 | |
2–n–પ્રોપૉક્સી–5–નાઇટ્રો ઍનિલિન | 4,000 | |
સુક્રોનિક એસિડ | 2,00,000 |
કેટલાંક મધૂરકોનાં સૂત્રો નીચે આપ્યાં છે :
સૅકેરિન (saccharin)
એસ્પારર્ટેમ (aspartame)
(ફીનાઇલ એલેનાઇન મિથાઇલ એસ્પાર્ટેટ)
(મુખ્યત્વે ઇન્સ્ટન્ટ ચા/કૉફીમાં, સીરિયલ્સ(cereals)માં, ચ્યૂઇંગ ગમમાં, કાર્બોનેટેડ પીણાંઓમાં)
સુકેરીલ સોડિયમ/સોડિયમ સાઇક્લામેટ
ડલ્સીન અથવા પૅરાફીનિટાઇલયુરિયા
અથવા p-ઇથૉક્સિફીનાઇલયુરિયા
વિપક્ષ-પેરિલ્લાલ્ડૉક્ઝાઇમ
(anti-peryllaldoxime)
2-n-પ્રોપૉક્સિ-5નાઇટ્રો-ઍનિલિન
સૅકેરિન પ્રથમ 1879માં ફાહલબર્ગ તથા ઈરા રેમસેન (જૉન હૉપકિન્સ યુનિવર્સિટી) દ્વારા શોધાયેલું અને વ્યાપારી ધોરણે સૌપ્રથમ 1884માં ન્યૂયૉર્કના બજારમાં સોડિયમ કે કૅલ્શિયમ-ક્ષાર તરીકે મૂકવામાં આવેલું. સોડિયમ સાઇક્લોહેક્ઝાઇલ સલ્ફામેટ 1937માં સ્વેડા અને ઑડ્રિથ દ્વારા શોધાયેલું અને 1950થી 1969 સુધી મધુરક તરીકે વ્યાપક રીતે વપરાયું; પરંતુ હવે તેનો મધુરક તરીકેનો ઉપયોગ અમેરિકા, યુ.કે., કૅનેડામાં કાયદાથી બંધ કરાયો છે; કારણ કે તે કૅન્સર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
જ. પો. ત્રિવેદી