મધુકામિની : દ્વિદળી વર્ગમાં આવેલા રૂટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Murraya paniculata (Linn.) Jack syn. M. exotica Linn. (હિં., બં. કામિની; મ. કુંતી, પંડરી; ગુ. મધુકામિની, કામિની, કુંતી, જાસવંતી; તે. નાગાગોલુંગા, કરેપકુ; ત. કોજી; ક. પાંડ્રી; અં. ઇંડિયન બૉક્સ ટ્રી, ચાઇના બૉક્સ ટ્રી, ઑરેન્જ જૅસ્મિન) છે. મીઠો લીમડો [M. Koenigii (Linn.) spreng.] તેની સહજાતિ છે. તે સુંદર, સદાહરિત, ભરાવદાર, ખૂબ ઘાટીલું અને લગભગ 4.0 મી. ઊંચો ક્ષુપ કે નાનું વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું અને ઘણી વાર વાંકું વળેલું હોય છે. તેનાં પર્ણો સંયુક્ત, અયુગ્મ એક-પીંછાકાર (imparipinnate), એકાંતરિક, ઘેરાં લીલાં અને ચળકતાં હોય છે. પર્ણિકાઓ 3થી 9; અંડ-ઉપવલયાકાર (ovate-elliptic) અથવા અસમચતુર્ભુજ (rhomboid), અણીદાર (acute), અરોમિલ (glabrous), સુગંધિત ગ્રંથિઓવાળી અને તિર્યકી (oblique) હોય છે. પુષ્પનિર્માણ જૂનથી ઑક્ટોબર સુધી થાય છે. પુષ્પો એકાકી (solitary), અથવા અગ્રીય કે કક્ષીય તોરા (corymb) સ્વરૂપે ગોઠવાયેલાં, સફેદ અને સુગંધિત હોય છે. ફળ અનષ્ઠિલ (berry), લંબચોરસ (oblong) કે અંડાકાર, લાલ કે ઘેરાં નારંગી અને એક કે દ્વિબીજમય હોય છે. તે સમગ્ર ભારતમાં અને આંદામાનના ટાપુઓમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે.

ઉદ્યાનોમાં આ વનસ્પતિ તેના ચમકીલા લીલા પર્ણસમૂહ અને સુગંધિત પુષ્પો માટે વાવવામાં આવે છે. તેની વાડ પણ બનાવવામાં આવે છે. તેનું પ્રસર્જન બીજ, કટકારોપણ અથવા દાબ(layering)-કલમ દ્વારા થાય છે. ચોમાસાને અંતે છોડને થોડીઘણી છાંટણી (pruning) કરવાથી છોડને નાનો અને ઘાટીલો રાખી શકાય છે. તેના ઉછેરમાં સાધારણ પ્રમાણમાં મળતાં ખાતર-પાણી અને અન્ય માવજત પૂરતાં છે. કોઈ વિશેષ કાળજીની જરૂર નથી.

સિટ્રસ પ્રકાંડ વેધક (Stemborer-Chelidonium cinctum Guer.) આ વનસ્પતિ ઉપર આક્રમણ કરે છે. ચેપગ્રસ્ત શાખાઓનો નિકાલ કરીને અથવા અસરગ્રસ્ત ભાગો પર ક્લૉરોફૉર્મ અને ક્રિયોસોટ મિશ્રણની ચિકિત્સા કરીને રોગનિયંત્રણ કરવામાં આવે છે.

તેના કાષ્ઠને કેટલીક વાર ‘ચાઇનીઝ બૉક્સ વુડ’ અથવા ‘આંદામાન સાટીનવુડ’ કહે છે. તે પ્રથમ વાર ખુલ્લું થતાં આછા પીળા રંગનું અને ચળકતું હોય છે; પરંતુ પછીથી ભૂખરું-પીળું બને છે. તેમાં અંત:કાષ્ઠ (heartwood) સ્પષ્ટપણે જુદું પડતું નથી. તે અરીય સમતલમાં સુરેખ (straight) અથવા કુંચિત-કણિકામય (curly-grained), સમ (even) અને સૂક્ષ્મ ગઠનવાળું, મજબૂત, કઠણ અને ભારે (વિ. ગુ., 0.83; 848.7 કિગ્રા/ઘ.મી.) હોય છે. તે સંશોષણ માટે ખૂબ ઉચ્ચતાપસહ (refractory) હોય છે. તેના પર કરવતકામ સહેલાઈથી થઈ શકે છે. તે ટકાઉ પણ હોય છે.

કાષ્ઠનો ઉપયોગ સાધનોના હાથા, ખરાદીકામ, કૅબિનેટકાર્ય (cabinet-work) અને ચાલવાની લાકડીઓ બનાવવામાં થાય છે. તે ગણિતનાં સાધનો, પેન-હોલ્ડર, બ્રશ અને મોગરી (mallet) બનાવવામાં ઉપયોગી છે.

તેનાં પર્ણો ઉત્તેજક અને સંકોચક (astringent) ગણાય છે. ફિલિપાઇન્સમાં તેનો ઉપયોગ અતિસાર (diarrhoea) અને મરડા(dysentry)માં થાય છે. પર્ણની ભૂકી વાગ્યા પર લગાડવામાં આવે છે. પર્ણો અને મૂળની છાલ કેટલીક વાર સંધિવા, કફ અને ચિત્તભ્રમમાં ઉપયોગી થાય છે. તેની શાખાઓનો દાંત સાફ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. પર્ણો Micrococcus pyogenes var. aureus અને Escherichia coli માટે પ્રતિજૈવિક સક્રિયતા દર્શાવે છે.

તેનાં તાજાં પર્ણોનું બાષ્પ-નિસ્યંદન કરતાં 0.01 % જેટલું ઘેરા રંગનું પ્રિય સુગંધીવાળું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેલમાં સેસ્ક્વિટર્પીન, એક સેસ્ક્વિટર્પીન આલ્કોહૉલ અને મિથાઇલ એન્થ્રેનિલેટ હોય છે. જાવામાં પુષ્પોનો સૌંદર્ય-પ્રસાધનમાં ઉપયોગ થાય છે. તે ઇન્ડોલ અને કડવો સ્ફટિકી ગ્લૂકોસાઇડ મુરાયિન ધરાવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ