મદ્રાસ નેટિવ એસોસિયેશન : દક્ષિણ ભારતની સૌપ્રથમ રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન સ્થાપવાની પ્રેરણા મદ્રાસ(ચેન્નાઈ)ના નેતાઓને બંગાળના નેતાઓ પાસેથી મળી હતી. કોલકાતામાં બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશન સ્થાપવામાં આવ્યું ત્યારે ચેન્નાઇના નેતાઓએ બંગાળના નેતાઓને સહકાર આપવાની તેમની ઇચ્છા જણાવી હતી. ગજાલુ લક્ષ્મણરસુ ચેટ્ટી અને વિજયરાઘવાચારિયારે 26 ફેબ્રુઆરી 1852ના રોજ મદ્રાસ (ચેન્નાઈ) મુકામે મદ્રાસ નેટિવ એસોસિયેશનની સ્થાપના કરી. તેના હેતુઓ – મદ્રાસ ઇલાકાના લોકોનાં હિત અને લાગણીઓને વાચા આપવી, લોકોની ફરિયાદો જાહેર કરવી, દેશની એકતા સાધવા તથા બંગાળ અને મદ્રાસ ઇલાકાના લોકોની ફરિયાદો રજૂ કરવા સંયુક્ત પ્રયાસો કરવા વગેરે હતા. મદ્રાસ ઇલાકાના નામાંકિત લોકો તથા વેપારીઓએ આ સંસ્થાને ટેકો આપ્યો. સી. વાય. મુદલિયાર તેના પ્રથમ પ્રમુખ અને વી. રામાનુજાચારી પ્રથમ સેક્રેટરી બન્યા. આ ઉપરાંત જી. એલ. ચેટ્ટી, વી. સદગોબચાર્લુ, સી. શ્રીનિવાસ પિલ્લાઈ અને એમ. વેંકટરાયુલુ તેના મહત્વના આગેવાનો હતા. જી. એલ. ચેટ્ટી સાચા દેશભક્ત, દેશ માટે ભોગ આપવાની ભાવનાવાળા તથા આ સંસ્થાના પ્રાણ સમાન હતા. ઇંગ્લૅન્ડમાં વસતા માલકમ લેવિનને આ એસોસિયેશનના એજન્ટ નીમવામાં આવ્યા હતા. બ્રિટિશ સરકાર ચેટ્ટીની આ પ્રવૃત્તિ પ્રત્યે શંકા સેવતી. તેમની પ્રવૃત્તિને રાજદ્રોહી માનતી. તેમની પાછળ ગુપ્ત પોલીસ ફરતી. શરૂમાં આ એસોસિયેશને બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશનની શાખા તરીકે કામ કર્યું. પરંતુ કેટલીક મુશ્કેલીઓ પેદા થવાથી 13 જુલાઈ 1852થી તેણે સ્વતંત્ર કામ કરવા માંડ્યું. આ સંસ્થાએ મદ્રાસ ઇલાકાના વિવિધ પ્રદેશોમાં જઈ, લોકસંપર્ક સાધી લોકોની ફરિયાદો અને તેમની માગણીઓ જાણી લઈને તેને સરકાર સમક્ષ રજૂ કરવા માટે અરજીમાં સમાવી લીધી. તેમાં જમીન-મહેસૂલ ઉઘરાવતી વખતે લોકોને ત્રાસ આપવામાં આવતો, તેનો વિરોધ કર્યો. લોકો પર નાખેલા વધુ પડતા કરવેરા તથા કર ઉઘરાવવાની ખોટી રીતો બંધ કરવા જણાવ્યું. રસ્તા અને પુલો બાંધવા, ખેતીના વિકાસ માટે સિંચાઈની સગવડો વધારવા તથા શિક્ષણની જોગવાઈ વધારવાની માગણી કરવામાં આવી. સરકારનું જાહેર ખર્ચ ઘટાડવાનું સૂચવવામાં આવ્યું. જમીન-મહેસૂલની રૈયતવારી તથા જમીનદારી બંને પદ્ધતિઓની ટીકા કરવામાં આવી. ન્યાયતંત્રમાં થતા અતિશય વિલંબની ઝાટકણી કાઢવામાં આવી. આ રીતે તૈયાર કરેલ દસ્તાવેજ હિંદી વજીરને લંડન ખાતે મોકલી આપવામાં આવ્યો.
ઇંગ્લૅન્ડની સરકારે આ દસ્તાવેજને ઘણું મહત્વ આપ્યું. આ સંસ્થા 1854થી 1860 દરમિયાન ઘણી ક્રિયાશીલ રહી. તેણે વિવિધ નગરોમાં જાહેર સભાઓ યોજી અને ભારતમાં તથા ઇંગ્લૅન્ડમાં પ્રતિનિધિમંડળો લઈ જઈને અધિકારીઓ સમક્ષ ફરિયાદો રજૂ કરી.
આ એસોસિયેશને વહીવટી અને ન્યાયવિષયક સુધારા કરવા ખ્રિસ્તી મિશનરીઓની ધર્માંતરની પ્રવૃત્તિ બંધ કરવા, 1857ના વિપ્લવ બાદ કરવેરામાં થયેલ વધારા અંગે અને તાંજોરના રાજાને રાજ્ય પુન: સોંપી દેવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી. તેણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ નાબૂદ કરીને તાજનું શાસન સ્થાપવાની અગાઉથી માગણી કરી હતી. તિનેવેલીમાં ધાર્મિક કારણોસર હિંસા ફાટી નીકળી હતી. આ સંસ્થાએ તેનો દોષ મિશનરીઓને દીધો. મદ્રાસના ગવર્નર ટ્રેવેલિયને આ સંસ્થાના નિવેદનનો સ્વીકાર કરીને તેણે સરકાર સમક્ષ ધાર્મિક સહિષ્ણુતાની નીતિ જાહેર કરવા જણાવ્યું. આમ એસોસિયેશને રાજકીય, આર્થિક તથા સામાજિક ક્ષેત્રે લોકોની ફરિયાદો રજૂ કરીને બ્રિટિશ સરકારને ઉપયોગી સૂચનો કર્યાં. આ સંસ્થા પ્રત્યે સ્થાનિક સરકારી અધિકારીઓ વિરોધી વલણ અપનાવતા, તેથી લોકો પણ ધીમે ધીમે તેનાથી દૂર થયા. આ સંસ્થાના મહત્વના નેતા જી. એલ. ચેટ્ટીના 1859માં અવસાન પછી 1862માં સંસ્થા બંધ થઈ ગઈ. મદ્રાસ ઇલાકાના નેતાઓને ભેગા કરીને સંગઠન સાધવાનું મહત્વનું કાર્ય આ સંસ્થાએ કર્યું. આ સંસ્થાની અરજીઓ દ્વારા માગણીઓ રજૂ કરવાની તથા જાહેર સભાઓ યોજીને ચળવળ ચલાવવાની રીત–તરેહ, પછીની રાજકીય સંસ્થાઓએ પણ અપનાવી.
જયકુમાર ર. શુક્લ