મદુરાઈ : તમિલનાડુ રાજ્યનો પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 90 56´ ઉ. અ. અને 780 07´ પૂ. રે.ની આજુબાજુનો 7,057 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ અને દીરન ચિમ્મામલાઈ જિલ્લા, પૂર્વમાં પાસુમપન મુથુ રામલિંગમ્ જિલ્લો, દક્ષિણમાં કામારાજર જિલ્લો તથા પશ્ચિમે કેરળની સરહદ આવેલાં છે. જિલ્લામથક મદુરાઈ જિલ્લાના પૂર્વભાગમાં આવેલું છે.

મદુરાઈ જિલ્લો

ભૂપૃષ્ઠજળપરિવાહ : મદુરાઈ જિલ્લાને નીચે પ્રમાણેના ત્રણ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચેલો છે : (i) પહાડી વિસ્તાર : તિરુમંગલમ્ તાલુકાનો કેટલોક ભાગ ગીચ વનસ્પતિથી આચ્છાદિત છે; પશ્ચિમ તરફ આવેલી ટેકરીઓમાંથી નદીઓ નીકળે છે. આ વિસ્તાર જિલ્લાનો વધુમાં વધુ ફળદ્રૂપ ગણાય છે. (ii) મેદાની વિસ્તાર : તિરુમંગલમ્ તાલુકાનો કેટલોક ભાગ તથા મદુરાઈ અને મેલુર તાલુકાઓના ભાગો મેદાની ભૂપૃષ્ઠ ધરાવે છે. અહીંની જમીનો કાળી છે. ક્યાંક ક્યાંક ટેકરીઓ પણ આવેલી છે. (iii) માટીવાળા વિસ્તારો : માટીવાળા વિસ્તારો મેલુર તાલુકામાં આવેલા છે.

જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં વરુષનાડ ટેકરીઓ તથા મધ્યમાં અંડીપટ્ટી ટેકરીઓ આવેલી છે. વૈગાઈ અને સુરુલી (સુરુલિયાર) એ બે એકબીજીને સમાંતર વહેતી અહીંની મુખ્ય નદીઓ છે. બંને પશ્ચિમ ઘાટની કુમ્બુમ (કમ્બમ) ખીણમાંથી નીકળે છે. આ ઉપરાંત ગોવંદન નદી પણ મહત્ત્વની ગણાય છે.

ખેતીપશુપાલન : જિલ્લાની મોટાભાગની વસ્તી ખેતીના વ્યવસાયમાં રોકાયેલી હોવા છતાં આ જિલ્લો ખેતપેદાશોમાં સ્વાવલંબી બની શક્યો નથી. વર્ષમાં બે વાર લેવાતો ડાંગરનો પાક આ જિલ્લાનો મુખ્ય પાક ગણાય છે. તિરુમંગલમમાં શાકભાજી, ફળો અને ફૂલોનું વાવેતર પણ થાય છે. અહીંના આ પાકોની જિલ્લા બહાર નિકાસ થાય છે. અહીં રાસાયણિક ખાતરો ઉપરાંત ઢોરનું છાણ, સૂકાં પાંદડાંનું ખાતર, તળાવોના તળિયાનો કાંપ તથા તૈલી ખોળનો ખાતરો તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં રાગી, મગફળી, કપાસ, કેળાં, તમાકુ અને શેરડીનું ઉત્પાદન પણ લેવાય છે. વૈગાઈ તથા પેરિયાર યોજનાઓની નહેરો દ્વારા ખેતરોની સિંચાઈ મળી રહે છે; તેમ છતાં કેટલીક જગાએ કૂવા, તળાવો અને નદીઓના પાણીનો પણ ઉપયોગ થાય છે.

અહીંના મુખ્ય પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાંબકરાં અને ડુક્કરનો સમાવેશ થાય છે. કેટલાક લોકો મરઘાંપાલન પણ કરે છે. પશુઓના સ્વાસ્થ્ય માટે પશુદવાખાનાં અને ચિકિત્સાલયો ઊભાં કરવામાં આવેલાં છે. જિલ્લામાં 7 આખલા-કેન્દ્રો કૃત્રિમ ગર્ભાધાન માટે નિયત કરાયેલાં છે આ સાથે વાછરડા-સંવર્ધન-કેન્દ્રો પણ છે. પશુઓ માટે સંખ્યાબંધ સહકારી સંસ્થાઓ પણ અહીં કાર્યરત છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લો ખનિજ-ઉત્પાદનક્ષેત્રે સમૃદ્ધ નથી, પરંતુ સિમેન્ટ માટેના ચૂનાખડકો અને બાંધકામ માટેના જરૂરી પથ્થરો અહીંથી મળી રહે છે. ઔદ્યોગિક ક્ષેત્રે તે કોઈમ્બતુર પછીના ક્રમે આવે છે. તે હાથવણાટના કાપડ માટે ખૂબ જાણીતો બનેલો છે. આ જિલ્લામાં ગૃહઉદ્યોગો ઉપરાંત નાના પાયા પરના, મધ્યમ અને મોટા પાયા પરના ઉદ્યોગો વિકસેલા છે. અહીં યંત્રસામગ્રી તથા પરિવહન-સાધનોમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સિવાયની ધાતુપેદાશો, લોખંડ, ઍલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો, પીપ, ડબા, તાળાં, કૃષિસાધનો-ઓજારો, લોખંડ-પોલાદનું રાચરચીલું, મીઠાઈ, બિસ્કિટ, અથાણાં, મુરબ્બા જેવી ખાદ્યપ્રક્રમણની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. મદુરાઈ તેના વર્ણકો (dyeing) અને વૅક્સ પ્રિન્ટિંગ માટે દક્ષિણ ભારતમાં જાણીતું છે, પરંતુ હવે યાંત્રિક છાપકામ થતું હોવાથી આ પદ્ધતિ ઓછી અપનાવાય છે. મદુરાઈ તાલુકામાં સ્પિનિંગ-વીવિંગના ઉદ્યોગો પણ વિકસ્યા છે. અહીંના મહત્વના ઉદ્યોગોમાં રસાયણો, કપાસિયાનું તેલ, ધાતુઓ અને મિશ્રધાતુઓ, સિમેન્ટ, વીજસામાન, ઑટોમોબાઇલ, કાગળ તેમજ તેના માવાની પેદાશો, રબરનો સામાન, ચામડાની ચીજ-વસ્તુઓ, સીવણમશીનો તથા ઇજનેરી પેદાશો બનાવવાના ઉદ્યોગો, ખાંડનાં કારખાનાં તેમજ આટાની મિલો વગેરેનો સમાવેશ થાય છે. 1996 મુજબ અહીં સેલ્યુલોઝ પ્રૉડક્ટસ ઑવ્ ઇન્ડિયા લિ., શ્રી ચક્ર ટાયર્સ લિ. જેવા મુખ્ય ઉદ્યોગો છે. અહીં ધોતી, ચા, આર્ટસિલ્કની સાડીઓ, જર્દા કાપડ, સુતરાઉ કાપડના પટ્ટા અને સિંગતેલનું ઉત્પાદન લેવાય છે. એલચી, રેશમી સાડીઓ, રદ્દી રૂ, ફૂલો, મુરબ્બા, સ્ત્રીઓના કેશ, બિસ્કિટ, કેળાં, ડાંગર અને તૈયાર કરેલાં ચામડાંની નિકાસ; જ્યારે મકાઈ, કઠોળ, ડાંગર-ચોખા, આમલી અને ખાદ્યાન્નની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાં સડક અને રેલમાર્ગોની સુવિધા સારી છે. અહીંથી રાષ્ટ્રીય તેમજ રાજ્ય ધોરી માર્ગો પસાર થાય છે. મદુરાઈ યાત્રાધામ હોઈ તેમજ અહીંથી રામેશ્વરમ્ અને કન્યાકુમારી તરફ જવાતું હોઈને માર્ગોનો વિકાસ થયેલો છે. તે ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોઈમ્બતુર, કોચીન અને ત્રિવેન્દ્રમ્ સાથે હવાઈ માર્ગે પણ જોડાયેલું છે. અહીંથી ચમેલી(જૅસ્મિન)નાં ફૂલો હવાઈ માર્ગે આખા દેશમાં જાય છે.

મીનાક્ષી-સુંદરેશ્વર મંદિર, મદુરાઈ

મદુરાઈ પ્રાચીન યાત્રાધામ છે. અહીંનું મીનાક્ષીમંદિર ભારતભરમાં પ્રખ્યાત છે. તે દેશી-વિદેશીઓ માટે પ્રવાસ માટેનું આકર્ષણનું સ્થળ છે. આ મંદિરમાં કલા, શિલ્પ અને સ્થાપત્યનો સુભગ સમન્વય જોવા મળે છે. મંદિરમાંનું શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ જોવાલાયક છે. તમિળ કવિઓ અને વિદ્વાનોની અકાદમી તમિળ રાજવીઓના દાનથી ઘણા જૂના વખતથી જાણીતી છે. પાંડ્ય રાજવંશ અહીં સમૃદ્ધિ પામેલો. તેનાં સ્મારકો હજી આજે પણ અવશેષરૂપે જોવા મળે છે. તેના પછીના નાયક રાજવી અનુગામીઓએ તેમના પુરોગામીઓના  ભવ્ય વારસાને વધુ સમૃદ્ધ કરેલો. આ ઉપરાંત અહીંનાં કલાદીર્ઘા (ગૅલરી), મરિયામ્મા મંદિર, થિરુમલાઈ નાયક મહેલ અને તિરુપ્પારંકુંદ્રમ જોવાલાયક સ્થળો ગણાય છે. મકરસંક્રાંતિના પોંગલ તહેવાર નિમિત્તે અહીં આખલાની લડાઈ યોજવામાં આવે છે. તેને જીતી જનાર તેનાં શિંગડાં સાથે બાંધી રાખેલી રોકડ ઇનામી રકમ મેળવે છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 24,00,339 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા તેમજ ગ્રામીણ-શહેરી વસ્તી સમાન છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે. શિક્ષિતોની સંખ્યા આશરે 83 % જેટલી છે. અહીં તમિળ, ગુજરાતી, કન્નડ, મલયાળમ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સમગ્ર જિલ્લામાં બધા જ તબક્કાઓની  શિક્ષણસંસ્થાઓનું પ્રમાણ સારું છે. 1996 મુજબ અહીં 34 જેટલી કૉલેજો તેમજ અન્ય ઉચ્ચ શિક્ષણની  સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓ અને 13 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 16 જેટલાં નગરો છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં મદુરાઈ પાંડ્ય સામ્રાજ્યની રાજધાની, તમિળ સંસ્કૃતિ અને સાહિત્યનું સુપ્રસિદ્ધ કેન્દ્ર અને હીરા, મોતી, તેજાના તથા કીમતી ધાતુઓના વેપારનું કેન્દ્ર હતું. મદુરાઈમાં પાંડ્ય રાજ્યના ઈ.સ.ની સાતમી સદીના રાજાઓમાં મુદુકુદુમી પેરુવલુદી અને નેદુન્જેલિયન ઘણા પ્રસિદ્ધ છે. અલાઉદ્દીન ખલજીના સેનાપતિ મલેક કાફૂરે મદુરાઈ પર આક્રમણ કરી ત્યાં લૂંટ કરી હતી (ઈ. સ. 1311). તેણે જતાં અગાઉ એક મુસલમાન હાકેમની ત્યાં નિમણૂક કરી હતી. તે પછી વિજયનગર સામ્રાજ્યની મદદથી મુસ્લિમ સત્તા દૂર કરીને સોળમી સદીથી અઢારમી સદીની શરૂઆત સુધીમાં વિજયનગર સામ્રાજ્યના નાયક કુળના સૂબાઓએ રાજ્ય કર્યું. ઈ. સ. 1755માં મદુરાઈ, તિરુચિરાપલ્લી, તિરુનેલ્વેલી વગેરે વિસ્તારો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા હેઠળ ગયા. ત્યારથી દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી કંપની અને બ્રિટિશ તાજની હકૂમત ચાલુ રહી. સ્વાતંત્ર્ય-ચળવળ દરમિયાન ત્યાંના લોકોમાં રાષ્ટ્રવાદ જાગ્રત થયો અને તેમણે ચળવળમાં સક્રિય ભાગ પણ લીધો.

આશરે બે હજાર વર્ષ પૂર્વે તમિળ રાજાઓના આશ્રય હેઠળ તમિળ વિદ્વાનો અને કવિઓએ મદુરાઈ શહેરમાં ઉત્કૃષ્ટ પ્રકારના સંગમ સાહિત્યની તમિળ ભાષામાં રચના કરી હતી. તેમાંના પ્રથમ સંગમની એક પણ કૃતિ ઉપલબ્ધ નથી. દ્વિતીય સંગમની એકમાત્ર કૃતિ ‘તોલકાપ્પીયમ્’ અત્યારે ઉપલબ્ધ છે. ઈ.સ.ની છઠ્ઠી સદી પછી ત્રીજા સંગમની રચનાઓ થઈ હતી.

મદુરાઈમાં આવેલ મીનાક્ષી મંદિર ઘણું વિશાળ અને ભવ્ય છે. આ ઉપરાંત ત્યાં બીજાં ઘણાં ભવ્ય મંદિરો આવેલાં છે. મીનાક્ષી મંદિર અને સુંદરેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીનાં છે. તેનાં ચાર ઊંચાં ગોપુરમ્ અનેક શિલ્પાકૃતિઓથી ભરપૂર છે. પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે આવે છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ