મદિરા દ્વીપસમૂહ : ઍટલાંટિક મહાસાગરમાં પૉર્ટુગલ હસ્તક આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 320 40´ ઉ. અ. અને 160 45´ પ. રે.ની આજુબાજુનો 794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ યુરોપ અને અમેરિકાના જળમાર્ગ પર મોરૉક્કોની પશ્ચિમે કેનેરી ટાપુઓની ઉત્તરે આવેલા છે. આ ટાપુઓ જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે અસ્તિત્વમાં આવેલા છે. મદિરા અને પૉર્ટો સાન્ટો આ પૈકીના મુખ્ય ટાપુઓ છે. ડેઝર્ટાસ અને સેલ્વાગેન્સ ટાપુઓને વહીવટી ર્દષ્ટિએ ફુંચાલ જિલ્લામાં સમાવેલા છે. આ સિવાય 3,000 જેટલા નાના ટાપુઓનો સામૂહિક વિસ્તાર માત્ર 42.5 ચોકિમી. જેટલો જ થાય છે. 738 ચોકિમી. વિસ્તાર ધરાવતો મદિરા (ઇહા-દ-મદીરા) ટાપુ સૌથી મોટો ટાપુ છે. તેની લંબાઈ-પહોળાઈ અનુક્રમે 55 કિમી. અને 24 કિમી. જેટલી છે તથા સમુદ્રકિનારાનો ઘેરાવો 144 કિમી. જેટલો છે. તેની મધ્યમાં 1,861 મીટર ઊંચાઈ ધરાવતું પીકો-રુઇવો-દ-સાન્ટાના (Pico–Ruivo–de–Santana) આવેલું છે, બાકીનો ઘણોખરો ભાગ આશરે 1,000 મીટરની ઊંચાઈ ધરાવે છે, તે ખેતી માટે બિનઉપયોગી છે. આ ઢોળાવો અને કિનારાભાગો પર ઝૂંપડાંરૂપે છૂટીછવાઈ વસાહતો જોવા મળે છે. મદીરાથી ઈશાનમાં આશરે 42 કિમી. દૂર ઇહા-દ-પૉટૉર્ સાન્ટો શહેર આવેલું છે, અહીંના સ્થાનિક લોકો તેને ‘વિલા’ તરીકે ઓળખે છે.

ભૂપૃષ્ઠ : મદીરાનું ભૂપૃષ્ઠ ઉગ્ર ઢોળાવવાળું છે, તેમાં ઘણાં કોતરો અને કરાડો આવેલાં છે. 1,830 મીટર ઊંચાઈવાળી તેની ગિરિમાળાઓ ભૂશિર આટલાંટિકમાં એક દીવાલ જેવી દેખાય છે. તેનાં કુદરતી સૌંદર્ય અને ખુશનુમા આબોહવાથી અનેક પ્રવાસીઓ અહીં આવવા પ્રેરાય છે.

સમુદ્રકિનારે શિયાળાનું સરેરાશ તાપમાન 170 સે., જ્યારે ઉનાળાનું સરેરાશ તાપમાન 210 સે. જેટલું રહે છે. વરસાદ અહીં એકસરખો પડતો નથી. પાટનગર ફુંચાલમાં વાર્ષિક વરસાદ 660 મિમી. જેટલો પડે છે. આ ટાપુ વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન ધરાવે છે. અહીં વેપારી ધોરણે માછલાં પકડવામાં આવે છે. ઊંચાઈના વિસ્તારો દેવદારનાં વૃક્ષોથી છવાયેલા છે.

અર્થતંત્ર : ખેતી આ ટાપુના લોકોનો મુખ્ય વ્યવસાય છે. અહીં ખેતરો પ્રમાણમાં ઘણાં નાનાં હોય છે. ખેતી પ્રાથામિક કક્ષાનાં પરંપરાગત સાધનોથી થાય છે. ઉનાળામાં સિંચાઈની આવશ્યકતા રહે છે. જળાશયો અને નહેરો દ્વારા થતી સિંચાઈનો લાભ 42,000 જેટલાં ખેતરોને મળે છે. સરકાર તરફથી બંધનું નિર્માણ કરાયું છે. વળી મદીરાને વીજળીનો લાભ મળે તે માટે બે જળવિદ્યુત-મથકો પણ સ્થાપવામાં આવ્યાં છે.

1775થી અહીં ગુલામીની પ્રથા નાબૂદ કરાઈ છે, તેથી લગભગ બધા જ લોકો ખેતી કરે છે. બાગાયતી ખેતી દ્વારા શેરડીનું વાવેતર કરીને મબલક પાક લેવાય છે. ખાંડનું  ઉત્પાદન કરીને તેની નિકાસ કરવામાં આવે છે. અહીં દ્રાક્ષનું વાવેતર કરીને તેમાંથી દારૂ બનાવાય છે. અહીંનો દારૂ અમેરિકામાં ખૂબ જાણીતો બનેલો, પરંતુ તેને કારણે વિવિધ રોગો ઉત્પન્ન થવાથી તેની નિકાસ ઘટી છે. હવે બ્રિટન જ તેની આયાત કરે છે. અહીં કેળાં, રસવાળાં ફળો, શાકભાજીનું ઉત્પાદન મેળવાય છે. ડેરી-ઉદ્યોગ પણ વિકસ્યો છે. અહીંથી ફળો, શાકભાજી, ચીઝ અને ભરતકામવાળાં કપડાંની નિકાસ કરવામાં આવે છે. સમુદ્રકિનારે વસતા લોકો છાબડીઓ ગૂંથવાનું કામ કરે છે.

દારૂ અહીંની અગત્યની પેદાશ છે. તેથી ટાપુસમૂહને ‘મદિરા ટાપુસમૂહ’ કહે છે. અહીં બનાવાતા દારૂમાં આલ્કોહૉલનું પ્રમાણ 18 %થી 20 % જેટલું રહેલું હોય છે. અહીંની ઢોળાવવાળી લાવાજન્ય જમીનોમાં સીડીદાર ખેતરો બનાવીને દ્રાક્ષ ઉગાડાય છે. દ્રાક્ષ ઉપર ઘણા લાંબા સમય (અનેક માસ) સુધી કરેલી પ્રક્રિયા બાદ તેમાંથી દારૂ બનાવાય છે. ઊંચા તાપમાને તે બગડી ન જાય તે માટે વિશિષ્ટ રીતે તેની જાળવણી પણ થાય છે. આ દારૂ લગભગ સો વર્ષ સુધી સાચવી શકાતો હતો અને તેની અમેરિકા ખાતે નિકાસ પણ થતી હતી.

વસ્તી : આ ટાપુઓની વસ્તી 2,56,000 (1994) જેટલી છે. અહીં વસ્તીની ગીચતા દર ચોકિમી.દીઠ 343 વ્યક્તિઓની છે. અહીંના લોકોનાં રીતરિવાજ, પરંપરાઓ અને ભાષા પર પૉર્ટુગીઝ લોકોની અસર વરતાય છે. તેઓ રોમન કૅથલિક ધર્મ પાળે છે. ફુંચાલ અહીંનું પાટનગર છે. તેની વસ્તી 38,340 જેટલી છે. યુરોપીય દેશો તરફથી ઉત્તર આફ્રિકા, લૅટિન અમેરિકા તરફ જતાં વહાણો મદીરા થઈને પસાર થતાં હોવાથી ફુંચાલ પાટનગર હોવા ઉપરાંત મહત્વના વેપારી મથક અને બંદર તરીકે વિકસ્યું છે. સમુદ્રની ઊંડાઈ માત્ર 7.3 મીટર જેટલી જ છે, તેથી મોટાં જહાજો અહીંના અખાતથી દૂરના જળવિસ્તારમાં રોકાય છે. મૉન્ટે (monte), સાન્ટો ઍન્ટોનિયો (Santo Antonio de Serru) અને કામાચા (Camacha) અહીંનાં મુખ્ય પ્રવાસ-ધામો છે.

ઇતિહાસ : ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ટાપુની ખોજ સર્વપ્રથમ રોમન મુસાફરે કરેલી. 1419માં ગોનકાલવાસ ઝારકો (Goncalvas arco) અને ટ્રિસ્ટાઓવાઝ (Tristaovaz) નામના સફરીઓએ ફરીવાર તેની જાણકારી આપી. દરિયાઈ ખેડુ પ્રિન્સ હેન્રીએ અહીં વસાહત ઊભી કરીને ત્યાં પોતાની હકૂમત સ્થાપી. 1870 પહેલાં બ્રાઝિલ, યુ.એસ. અને પૉર્ટુગલ હસ્તક આફ્રિકાનાં સંસ્થાનોમાંથી લોકોને અહીં લાવીને વસાવેલા. 1976થી તે પૉર્ટુગલનો એક ભાગ બન્યો છે. આજે પૉર્ટુગીઝ સરકાર તરફથી તેનો સ્વતંત્ર રીતે વિકાસ કરવામાં આવ્યો છે.

નીતિન કોઠારી