મદલ : ગુજરાતના વાસ્તુમાં સ્તંભદંડ અને સ્તંભની ટોચની ભરણીને જોડતો શિલ્પખચિત ટેકો. આમાં મદલશિલ્પનો નીચલો છેડો સ્તંભના દંડમાં કે શિરાવટીમાં ખાંચામાં અને ઉપલો છેડો ભરણીના ખાંચામાં સાલવીને સંયોજવામાં આવતો. મદલની રચના મુખ્યત્વે વિવિધ પ્રકારની માનવ, પ્રાણી, પક્ષી, વ્યાલ, ભૌમિતિક કે વાનસ્પતિક આકૃતિઓના સંયોજન દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવતી. વિતાનનું અલંકરણ અને સ્તંભનાં અલંકરણોને સંયોજવાનું કામ મદલ દ્વારા થતું. મોટાભાગનાં મદલો પરનાં શિલ્પાંકનમાં લાલિત્યપૂર્ણ અને અલંકારપ્રચુર સુરસુંદરીઓ, વાદ્યધારીઓ અને વાદ્યધારિણીઓ, વિદ્યાધરો ને વિદ્યાધરીઓ, રાસની વિભિન્ન મુદ્રાઓમાં રત કાનગોપીઓ, ચામરધારિણીઓ વગેરેનાં રૂપાંકનો ર્દષ્ટિગોચર થાય છે. આવાં શિલ્પોમાં તત્કાલીન વેશભૂષા અને લોકવાદ્યોની રજૂઆત ધ્યાનપાત્ર છે.

પ્રવીણચંદ્ર પરીખ