મત્સ્યેંદ્રનાથ

January, 2002

મત્સ્યેંદ્રનાથ(નવમી સદી) : નાથ સંપ્રદાયના પ્રવર્તક સિદ્ધયોગી. તેઓ ‘મીનપાલ’, ‘મીનનાથ’, ‘મીનાનાથ’, ‘મચ્છેન્દ્રપા’, ‘મચ્છન્દરનાથ’ના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તે પરથી જણાય છે કે તેઓ જાતિએ માછીમાર હતા અને પૂર્વ ભારતમાં કામરૂપ અર્થાત આસામ પ્રદેશમાં સંભવત: ચંદ્રગિરિ કે ચંદ્રદ્વીપની  સમીપ લૌહિત્યનદના તટે રહેતા હતા. આ સ્થાન તંત્રાચાર માટે પ્રસિદ્ધ હતું. તેમના નામ વિશે કિંવદંતી પ્રચલિત છે કે તેઓ એક વાર મચ્છીમારીના કામમાં મશગૂલ હતા. ત્યારે કોઈ મોટી માછલી (મચ્છ) તેમને ગળી ગઈ અને બાર વર્ષ સુધી પોતાના ઉદરમાં ધારણ કરતી રહી હતી. આ રૂપે ઘૂમતાં ઘૂમતાં તેઓ ચર્પટીનાથ પાસે પહોંચ્યા અને બંનેએ એકસાથે દીક્ષા લીધી. મત્સ્યના ઉદરમાં લાલન-પાલન અને શિક્ષા-દીક્ષા થવાને કારણે તેમનું નામ મીનનાથ કે મત્સ્યેંદ્રનાથ પડ્યું. અનુશ્રુતિ મુજબ મત્સ્યેંદ્રનાથ પોતાની સાધના-અવસ્થામાં એક વાર કામરૂપના કંદલી કે કજરી નામના સ્ત્રીદેશમાં સુંદરીઓના વિલાસમાં ડૂબી ગયા હતા. ત્યારે તેમના શિષ્ય ગોરખનાથે તેમનો ઉદ્ધાર કર્યો હતો. ‘ગોરક્ષસિદ્ધાંતસંગ્રહ’ ગ્રંથ અનુસાર સિદ્ધસાધનાનું પ્રવર્તન મત્સ્યેંદ્રનાથે કર્યું હતું. પ્રસિદ્ધ કાશ્મીરી આચાર્ય અભિનવગુપ્તે પોતાના ‘તંત્રાલોક’માં ‘મચ્છન્દ’ વિભુ કહીને તેમને નમસ્કાર કર્યા છે. અભિનવગુપ્ત દસમી સદીના અંત અને અગિયારમી સદીના પ્રારંભમાં થયા હતા. સ્વયં મત્સ્યેંદ્ર ગોરખનાથના ગુરુ હતા અને બંગાળના રાજા દેવપાલ(81૦–85૦)ના સમકાલીન પણ હતા. તે પરથી મત્સ્યેંદ્રનાથ નવમી સદીના મધ્યમાં થયેલા હોવાનું પ્રતીત થાય છે.

નાથ પરંપરાની સિદ્ધોની સૂચિમાં પ્રથમ નામ આદિનાથનું અને બીજું મત્સ્યેંદ્રનાથનું મળે છે અને આદિનાથને ભગવાન શિવ માનેલા છે. તેથી મત્સ્યેંદ્રનાથ જ નાથ સંપ્રદાયના આદિ પ્રવર્તક અર્થાત પ્રથમ આચાર્ય હોવાનું સમજાય છે. ઉપર્યુક્ત ‘તંત્રાલોક’ની ટીકામાં તેમને નાથ સંપ્રદાયના કુલશાસ્ત્ર(કૌલશાસ્ત્ર)ના પ્રવર્તક પણ કહ્યા છે. મત્સ્યેંદ્રનાથની સાથે જાલંધરનાથ, ગોરખનાથ અને કૃષ્ણનાથનાં નામ સંકળાયેલાં છે. તે પૈકી જલંધરનાથ તેમના ગુરુબંધુ જણાય છે. ગોરખનાથ મત્સ્યેંદ્રનાથના અને કૃષ્ણનાથ જલંધરનાથના શિષ્ય હતા. મત્સ્યેંદ્રનાથ મુખ્યત્વે પૂર્વ ભારતમાં અને ગોરખનાથ પશ્ચિમ ભારતમાં વિચર્યા હતા, જ્યારે જલંધરનાથનું સાધનાસ્થાન પંજાબમાં આવેલું હતું; જે તેમના નામ પરથી પછી જાલંધર નગર નામે પ્રસિદ્ધ થયું.

મત્સ્યેંદ્રનાથે સંસ્કૃતમાં ‘કૌલજ્ઞાનનિર્ણય’, ‘અકુલવીરતંત્ર’, ‘કુલાનન્દ’ અને ‘જ્ઞાનકારિકા’ નામે ચાર ગ્રંથો રચ્યા હતા. તેમણે રચેલાં કેટલાંક હિંદી પદો પણ પ્રાપ્ત થયાં છે. ‘મત્સ્યેંદ્રનાથે આ ગ્રંથોમાં કૌલસિદ્ધાંત અને તેની સાધનાપદ્ધતિનું વિશદ નિરૂપણ કર્યું છે. ઉત્તરકાલમાં ગોરખનાથ અને અન્ય સિદ્ધોએ કૌલમતનો વિકાસ કરી નાથસિદ્ધોની પરંપરાને સુર્દઢ આધાર આપ્યો અને તેનો ભારત તેમજ નેપાળમાં પ્રસાર કર્યો.

‘કૌલજ્ઞાનનિર્ણય’ના સોળમા પટલ (46–49) પરથી જણાય છે કે આદિયુગમાં જે કૌલજ્ઞાન હતું તે શ્રુતિપરંપરાથી ત્રેતામાં મહતકૌલ રૂપે, દ્વાપરમાં ‘સિદ્ધામૃત’ રૂપે અને કલિકાલમાં ‘મત્સ્યોદરકૌલ’ રૂપે પ્રગટ્યું છે. આ મત્સ્યોદરકૌલનું નામ જે ‘યોગિનીકૌલ’ છે એને જ ‘સિદ્ધમાર્ગ’ કે ‘સિદ્ધકૌલમાર્ગ’ પણ કહે છે. ‘કૌલજ્ઞાનનિર્ણય’માં કૌલસિદ્ધાંત અને સાધનાનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે ‘કુલ’ શબ્દ શક્તિનો અને ‘અકુલ’ શિવનો વાચક છે અને કુલ તથા અકુલનું ઐક્ય સ્થાપિત કરનારો માર્ગ તે ‘કૌલમાર્ગ’ છે. શિવ અને શક્તિ વચ્ચે કોઈ ભેદ નથી. ચંદ્ર અને ચાંદની, અગ્નિ અને ધુમાડો તેમજ વૃક્ષ અને તેની છાયાની જેમ તેઓ અભિન્ન જ છે. જ્યારે શિવમાં સિસૃક્ષાનું સ્ફુરણ થાય છે, ત્યારે નિર્ગુણ, નિરંજન અને નિરુપાધિક પરમ શિવમાંથી શિવ અને શક્તિ અર્થાત અકુલ અને કુલ નામનાં બે તત્વો ઉદભવે છે. પરમ શિવ અને આ નવોદભૂત શિવ વચ્ચેનો ભેદ એ છે કે પરમશિવથી વિપરીત શિવ સગુણ, સાંજન, સોપાધિક અને સિસૃક્ષાસંપન્ન હોય છે. આ નવજાત શિવમાંથી પછી ક્રમશ: 34 તત્વો પ્રગટે છે. જીવ એ પૈકીના તેરમા તત્વનું નામ છે. જોકે જીવ પણ આમ તો શિવ જ છે, પણ તે માયા કે અવિદ્યાના છ કંચુકોથી આવૃત થયેલો છે. અવિદ્યાના આ કંચુકો કુલ અને અકુલ વચ્ચે ઐક્ય થતાં હઠી જાય છે. બ્રહ્માંડમાં જે કુલ અને અકુલ છે તે પિંડમાં પણ સૂક્ષ્મ રૂપે રહેલું છે. મૂલાધાર પદ્મમાં રહેલી સાડા ત્રણ આંટાવાળી કુંડલિની જ શક્તિ છે. સહસ્રાર પદ્મમાં પરમ શિવનો વાસ છે. કૌલજ્ઞાનપૂર્વકની સાધના દ્વારા એ બંનેનું ઐક્ય સ્થાપિત કરાવનાર સિદ્ધ છે. ‘અકુલવીરતંત્ર’માં મત્સ્યેંદ્રનાથે બતાવ્યું છે કે જ્યાં સુધી અકુલવીરરૂપી શિવનું જ્ઞાન થતું નથી. ત્યાં સુધી બાલબુદ્ધિના લોકો વિવિધ પ્રકારની ઇચ્છાઓ કર્યા કરે છે. આ ધર્મ છે, આ શાસ્ત્ર છે, આ તપ છે, આ લોક છે, આ માર્ગ છે, આ દાન છે, આ ફળ છે, આ જ્ઞાન છે, આ જ્ઞેય છે, આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, આ સાધ્ય છે, આ સાધન છે વગેરે બધા બાલબુદ્ધિના વિકલ્પો છે. જેને અદ્વૈતજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને પ્રાણાયામ, ધ્યાન, ધારણા કે સમાધિની કોઈ આવશ્યકતા રહેતી નથી. અદ્વૈત પ્રાપ્ત કરનાર સિદ્ધ પોતે જ ધ્યાતા અને ધ્યેયરૂપ બની જાય છે. તે પછી તે બધાં દ્વૈતોથી પર થઈ જાય છે.

નેપાળમાં ભોગમતી ગામે આવેલા મત્સ્યેંદ્રનાથના મંદિરમાં વૈશાખ માસમાં મોટો મેળો ભરાય છે ત્યારે ત્યાં નેપાળ અને આસામમાંથી કાનફટ્ટા સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઊમટે છે.

પ્રવીણચંદ્ર પરીખ