મત્સ્યપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. તેના 291 અધ્યાયો અને લગભગ 14,૦૦૦ શ્લોકો છે. નારદીય પુરાણના મતે તેના 15,૦૦૦ શ્લોકો છે, અપરાર્કના મતે 13,૦૦૦ શ્લોકો અને દેવીભાગવતના મતે 19,૦૦૦ શ્લોકો છે.
ડૉ. વી. રાઘવને મત્સ્યપુરાણની ઉપલબ્ધ પ્રતોમાંથી 3૦ હસ્તપ્રતો પસંદ કરી તેમનું પૂર્વોત્તરીય, પૂર્વીય, પશ્ચિમોત્તરીય, ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય, દેવનાગરી અને દેવનાગરી સિવાયની પ્રતોનું વર્ગીકરણ કર્યું છે, પરંતુ અદ્યાપિ તેની સમીક્ષિત આવૃત્તિ થઈ નથી.
મત્સ્યપુરાણ મનુ અને વિષ્ણુના મત્સ્યાવતારના પ્રસંગ ઉપર આધારિત છે, મનુ અને મત્સ્યના સંવાદરૂપે છે. સાંખ્ય મતાનુસાર સૃષ્ટિનો ઉપક્રમ, પ્રલયકાલીન એકાર્ણવ, મનુનું નૌકાબંધન, સૂર્યવંશીય અને ચંદ્રવંશીય રાજાઓનાં ચરિત્રો, વિવિધ વ્રતો, ઇષ્ટાપૂર્ત, દાન, ભૂગોળ, ખગોળ, પ્રયાગ-વારાણસી-નર્મદા જેવાં તીર્થક્ષેત્રોનાં માહાત્મ્યો, દેવાસુર-સંગ્રામ, ત્રિપુરદાહ, શ્રાદ્ધકાલ, ગોત્રપ્રવર-સહિત ઋષિવંશો, ધર્મવંશ, પિતૃકલ્પ સંબંધી ગાથાઓ, રાજધર્મ, શાંતિવિધાન, અંગસ્ફુરણવિદ્યા, યાત્રાવિધાન, વિષ્ણુના વામન અને વરાહ-અવતારની લીલા, વાસ્તુવિધાન, મૂર્તિવિધાન, કલિવંશવર્ણન અને પુરાણમહિમા જેવા તેના વિષયો છે.
મત્સ્યપુરાણમાં મત્સ્યાવતારનો હેતુ સીધો જણાવાયો નથી, હયગ્રીવ વિશે છૂટાછવાયા સંદર્ભો મળે છે. હયગ્રીવ વેદને ચોરીને પાતાળમાં લઈ ગયો હતો. તેને મારવા વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ પુરાણમાં દુ:સ્વપ્નનાશન અને દુર્નિમિત્તોની શાંતિ માટે ગજેન્દ્રમોક્ષના શ્રવણનો સંદર્ભ ભાગવત સાથે તુલના કરવા પ્રેરે તેમ છે. બંને પુરાણના દર્શન અને ધર્મવિષયક વિચારોમાં સામ્ય છે.
મત્સ્યપુરાણમાં ધર્મશાસ્ત્રના સંદર્ભો વિચારતાં મનુ, યાજ્ઞવલ્ક્ય સાથે પરાશરનો ઉલ્લેખ વિચારણીય છે. મનુ વિવાદ વિષે મત્સ્યપુરાણને પ્રમાણભૂત માને છે.
ઇન્દ્ર પાસેથી રજિના પુત્રોએ રાજ્ય પડાવી લેતાં ઇન્દ્રની વિનંતીથી રજિના પુત્રોને બૃહસ્પતિએ હેતુવાદનો ઉપદેશ કરી જૈન મત પ્રવર્તાવ્યાનો સંદર્ભ જૈનધર્મ-પ્રવર્તન અને મત્સ્યપુરાણના સમયનિર્ધારણ માટે ઉપકારક બને છે.
મત્સ્યપુરાણ નરસિંહ, નંદિ અને સામ્બ જેવાં ઉપપુરાણોનો ઉલ્લેખ કરે છે. ઘણી વાર ઉપપુરાણો તરીકે ઓળખાતાં પુરાણો મહાપુરાણનો જ અંશ હોય છે કે તેમાં આવતા અંશનો વિસ્તાર હોય છે. પદ્મપુરાણની અંતર્ગત નરસિંહનું માહાત્મ્ય ‘નરસિંહપુરાણ’ તરીકે પ્રસિદ્ધ થયું છે.
નહુષના સાત પુત્રોમાં મોટો યતિ કુમાર અવસ્થામાં જ યોગી વૈખાનસ થઈ ગયો (4/51). તેથી યયાતિ રાજા થયો. આગમ સાહિત્ય અને મૂર્તિ રૂપે ઉપાસનાના સંદર્ભે આ વિધાન અગત્યનું છે. આગમ સાહિત્યમાં શૈવ અને વૈષ્ણવ આગમોનું સાંપ્રદાયિક મહત્વ છે. વૈષ્ણવ આગમોમાં પાંચરાત્ર અને વૈખાનસ આગમ વિશેષ મહત્વનાં છે. પાંચરાત્ર કરતાં પણ વૈખાનસ સૂત્રો પ્રાચીન છે. મેધાતિથિ તેને વાનપ્રસ્થ ધર્મનું શાસ્ત્ર ગણે છે. મનુ વૈખાનસ શાસ્ત્રનો ઉલ્લેખ કરે છે (6/21).
મત્સ્યપુરાણમાં સોમસૂક્ત અને ચંદ્ર સંબંધી વ્રતોપવાસો ચંદ્રની સ્વતંત્ર દેવ તરીકેની ઉપાસનાનો પ્રચાર દર્શાવી છે; પરંતુ વાસ્તુ અને મૂર્તિવિધાનમાં મૂર્તિવિધાન કે ચંદ્રનાં સ્વતંત્ર મંદિરોનો સંદર્ભ નથી. મત્સ્યપુરાણ વિષ્ણુનો ઉપેન્દ્ર તરીકે ઉલ્લેખ કરે છે. મહાભારતના પાંડવોના સમયમાં કુરુક્ષેત્રમાં વામનનું મંદિર હોવાનો ઉલ્લેખ છે (244/25). વૈષ્ણવ-ધર્મના સંદર્ભે અહીં વાસુદેવની ઉપાસના-પ્રાર્થનાનો ઉપદેશ મળે છે. આ સાત્વત પરંપરા ઈ. પૂ. 5૦૦–4૦૦ લગભગ પ્રવર્તમાન હોવાનું ડૉ. આર. જી. ભાંડારકર માને છે. શૈવ સંપ્રદાયોમાં બસવાચાર્યે લિંગાયતને બારમા શતકમાં પુનર્જીવિત કર્યો છે. મત્સ્યપુરાણનો લિંગાયત પરત્વે 23૦/4માં સંદર્ભ પ્રાચીન કાળમાં તેના અસ્તિત્વનો નિર્દેશ કરે છે. રુદ્ર શિવનું લાક્ષણિક સ્વરૂપ અર્ધનારીશ્વર મત્સ્યપુરાણ (179/87–89) ઉલ્લેખે છે. કલિવંશોમાં આંધ્રવંશનો ઉલ્લેખ આ પુરાણના સમય-નિર્ધારણની ર્દષ્ટિએ ઉપકારક બને તેમ છે.
મત્સ્યપુરાણનો આરંભ ઈ. પૂ. 4૦૦–3૦૦થી ઈ.સ. 3૦૦ લગભગ મનાય છે. આ પુરાણ પુરાણનાં પાંચ લક્ષણો તો ધરાવે છે જ. વિશેષમાં વ્રત, વાસ્તુ વગેરે નવીન વિષયોને પણ પુરાણની વિભાવનામાં ઉમેરે છે. મત્સ્યપુરાણના મતે ઉત્પત્તિ, પ્રલય, વંશ, મન્વંતર, વંશાનુચરિત, ભૂગોળ, દાનધર્મ, શ્રાદ્ધકલ્પ, વર્ણાશ્રમ-વિભાગ, ઇષ્ટાપૂર્ત, દેવતાની પ્રતિષ્ઠા વગેરે, પૃથ્વી ઉપર હોય તે બધું જ, પુરાણનો વિષય બને છે. આ સાથે આખ્યાનો, ઉપાખ્યાનો અને ગાથાઓ તો ખરાં જ.
‘મત્સ્યપુરાણ મનુના નૌકા-બંધનને મલય પર્વત સાથે સાંકળે છે. તેથી આ દક્ષિણ ભારતની રચના હોય તેમ લાગે છે’ એવા શ્રી વી. આર. આર. દીક્ષિતારના મતની સામે ડૉ. એસ. જી. કાંટાવાળાનો ‘નર્મદાતટે આવેલાં તીર્થોનાં બારીકાઈભર્યાં વર્ણનો અને ઉલ્લેખો જોતાં મત્સ્યપુરાણ ગુજરાતમાં રચાયું છે’ એ મત પણ વિચારણીય છે. મત્સ્યપુરાણમાં આવતાં તીર્થમાહાત્મ્યોમાં નર્મદામાહાત્મ્ય વિગતપૂર્ણ છે. સંભવત: મૂળે આ પુરાણ દક્ષિણમાં જન્મી ઉત્તરમાં વિકસ્યું છે. તેના વિકાસમાં ગુજરાત–નર્મદાતીર–ના તીર્થપ્રદેશનો ફાળો નોંધપાત્ર છે. વ્રતો, રાજધર્મ અને વાસ્તુ-મૂર્તિવિધાન જેવા વિષયોને કારણે આ પુરાણ પુરાણસાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા